જામનગરમાં સ્વચ્છતા સર્વેક્ષણ-પર્યાવરણ જાગૃતિ માટે યોજાઈ 'વોટ ફોર અર્થ' સાયકલ સ્પર્ધા

ગઈકાલે રવિવારના દિને જામનગરની નવાનગર નેચર ક્લબ, જામનગર વન વિભાગ તેમજ જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦-પર્યાવરણ જાગૃતિ અંતર્ગત વોટ ફોર અર્થ (સાયકલ રેસ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ સ્પર્ધામાં શહેરની અનેક સ્કૂલોના વિદ્યાર્થીઓ તથા શહેરીજનો જોડાયા હતાં. જામનગરના પ્રદર્શન મેદાનથી આ સાયકલ સ્પર્ધા શરૃ કરવામાં આવી હતી. જ્યાં સેલ્ફી  બુથ પણ ઉભા કરવામાં આવ્યા હતાં. તેમજ સામાન્ય લોકોને સાયકલથી થતાં ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જામનગર શહેરને પ્રદુષણ મુક્ત તેમજ સ્વચ્છ બનાવવાનાં આ વોટ ફોર અર્થ (સાયકલ રેસ)નું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટી-શર્ટ તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. આ સ્પર્ધાના વિજેતાઓને લોહાણા અગ્રણી અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલ (બાબુલાલ જીવણદાસ લાલ ટ્રસ્ટ) દ્વારા આકર્ષક સાયકલો ઈનામમાં આપવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તેમજ વિજેતાઓને ઈનામ આપવામાં માટે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, કલેકટર રવિશંકર, સ્ટે. ચેરમેન સુભાષભાઈ જોષી,  જીતુભાઈ લાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ સ્પર્ધામાં જામનગર મહાનગરપાલિકા, જામનગર વન વિભાગ, હર્ષ પોલીપેક, કેતન ઈલેકટ્રોનીક દ્વારા પણ આર્થીક સહયોગ મળ્યો હતો. સ્પર્ધાને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા, મિતેષ બુધ્ધભટ્ટી, દિનેશભાઈ રબારી સહિતના સંસ્થાના મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી. છોકરાવની ગેટેગરીમાં પ્રથમ પાર્થ ગુસાણી, દ્વિતીય હર્ષરાજસિંહ જાડેજા તેમજ ત્રીજા ક્રમે મિહીર દોમડીયા તેમજ છોકરીઓમાં પ્રથમ પ્રિયંકા કુમારી, દ્વિતીય રવીના બોહરા તેમજ ત્રીજા ક્રમે રશ્મિ નિરંજન વિજેતા થયા હતાં.  (તસ્વીરઃ નિર્મલ કારિયા)

close
Nobat Subscription