દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અડધા-પોણા ઈંચના વરસાદી ઝાપટાંઃ ૧૯મી સુધી વરસાદની આગાહી

ખંભાળીયા તા. ૧૭ઃ દ્વારકા જિલ્લામાં   અડધા-પોણા ઈંચના વરસાદી ઝાપટાં પડતા મગફળી ખેતરોમાં હોય તેવા ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે જ હવામાન આગાહીકાર કનુભાઈ કણજારીયાએ ૧૬/૧૦ ના રાત્રિથી ૧૯-૧૦-ર૦ર૦ સુધી વરસાદી ઝાપટાની આગાહી કરી હતી, તે સાચી પડી અને ગઈકાલે સાંજે તથા રાત્રે દ્વારકા જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટા સાથે અડધાથી પોણા ઈંચ વરસાદ પડ્યો હતો. ખંભાળીયા - પોરબંદર રોડ પર ખીરસરા ધતુરીયા તથા કલ્યાણપુર તાલુકામાં સણખલા સૂર્યાવદર, દૂધીયા ચૂર સહિતના ગામોમાં પણ અડધાથી પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. તો ભાણવડ શહેર તથા આસપાસના દસેક ગામોમાં પણ અડધાથી પોણો ઈંચ વરસાદ પડતા પાણી ફરી વળ્યા હતાં.

કમોસમી વરસાદથી તથા હાલ ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન થઈ ગયું હોય, મોટાભાગના ખેડૂતોએ ખેતરમાં મગફળી ઉપાડી પાથરા બનાવી રાખ્યા હોય, તેના પર વરસાદ પડતા સ્થિતિ એવી થઈ ગઈ કે, મગફળીને પાણી લાગતા કાળી પડી જતાં હવે વેંચાય નહીં તથા બિયારણમાં પણ ઉપયોગ ના આવે તેવી સ્થિતિ થતાં ખેડૂતો કફોડી સ્થિતિમાં મૂકાયા છે.

close
Ank Bandh
close
PPE Kit