| | |

વડાપ્રધાને પ.બંગાળ માટે રૃા.૧૦૦૦ કરોડનું સહાય પેકેજ કર્યુ જાહેર

નવી દિલ્હી તા. રરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ.બંગાળ અને ઓડિશાની મુલાકાતે પહોંચ્યા છે. અમ્ફાન વાવાઝોડાના કારણે થયેલી તબાહીનું હવાઈ નિરીક્ષણ કર્યા પછી તેમણે રૃા. ૧૦૦૦ કરોડનું સહાય પેકેજ પ.બંગાળ માટે જાહેર કર્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમબંગાળમાં અમ્ફાન તોફાનથી થયેલા વિનાશનું હવાઈ સર્વેક્ષણ કર્યુ. તેમણે કેન્દ્રની તરફથી પશ્ચિમબંગાળને ૧૦૦૦ કરોડ રૃપિયાની મદદ કરવાની જાહેરાત કરી. તેમણે આશા વ્યક્ત કરી કે બંગાળ ફરીથી બેઠું થઈ જશે. પી.એમ. મોદીએ કહ્યું કે, આ દુઃખની ઘડીમાં કેન્દ્ર સરકાર પશ્ચિમબંગાળની સાથે છે. પશ્ચિમ બંગાળમાં મહા વાવાઝોડા અમ્ફાનના લીધે ભયંકર વિનાશ સર્જાયો છે. અહીં છેલ્લા ર૮૩ વર્ષમાં સૌથી ભયાનક તોફાન આવ્યું હતું. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમ્ફાનથી પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું. સર્વે કર્યા પછી પીએમ મોદીએ પશ્ચિમ બંગાળ માટે મદદની જાહેરાત કરી છે. આ સિવાય ટૂંક સમયમાં જ કેન્દ્રની એક ટીમ રાજ્યમાં આવીને વિસ્તારથી સર્વે કરશે.

હવાઈ સર્વે પછી પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશમાં કોરોના વાઈરસનું સંકટ છે ત્યારે પૂર્વ ક્ષેત્ર તોફાનથી પ્રભાવિત થયું છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર બન્ને સરકારોએ આ વાવાઝોડાને લઈ તૈયારીઓ કરી હતી, પરંતુ તેમ છતાંય ૮૦ લોકોના જીવ બચાવી શક્યા નથી. આ વાવાઝોડાના લીધે ઘણી સંપત્તિને નુક્સાન થયું છે.

વાવાઝોડાના કારણે મૃતકોના પરિવારો માટે રૃપિયા બે લાખ અને ઘાયલોને રૃપિયા પ૦ હજારની કેન્દ્રિય સહાયની જાહેરાત પણ વડાપ્રધાને કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમાંથી આવેલું આ સદીનું સૌથી તાકાતવર વાવાઝોડું અમ્ફાન પશ્ચિમ બંગાળ-ઓરિસ્સામાં વિનાશ કરીને બાંગ્લાદેશ તરફ આગળ વધી ગયું છે. તેના કારણે આસામ, અરૃણાચલ પ્રદેશ અને મેઘાલયમાં આજે ભારે વરસાદ રહેવાની શક્યતા છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મૃતકોની સંખ્યા ૭૬ થઈ ગઈ છે. તેમાંથી ૧૯ લોકોના મોત તો કોલકાતામાં જ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી આજે કોલકાતા જવા રવાના થયા હતાં. તેઓ બંગાળ-ઓરિસ્સામાં એરિયલ સર્વે કરીને નુક્સાનની માહિતી મેળવી હતી. તેઓ ૮૩ દિવસ પછી દિલ્હીની બહાર નીકળ્યા છે. આ પહેલા તેઓ ર૯ ફેબ્રુઆરીએ પ્રયાગરાજ અને ચિત્રકૂટની મુલાકાતે ગયા હતાં. મમતા બેનર્જીએ ગુરુવારે વડાપ્રધાન મોદીને પશ્ચિમ બંગાળ આવીને અહીંના નુક્સાનને જોવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતુંકે મેં આજ સુધી આવી બરબાદી નથી જોઈ. હું વડાપ્રધાનને અપીલ કરીશ કે તેઓ બંગાળ આવે અને અહીંની સ્થિતિ જોવે. તે પછી વડાપ્રધાન આજે પ. બંગાળ પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વાવાઝોડાના કારણે રાજ્યને એક લાખ કરોડનું નુક્સાન થયું છે. સાથ ર૪ પરગણા જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે. અહીં તાજેતરમાં જ બનાવેલી ઘણી બિલ્ડિંગો બરબાદ થઈ ગઈ છે. કોલકાતા સહિત અન્ય વિસ્તારોમાં પણ વીજળી અને કેબલના થાંભલાઓ સહિત ટેલિફોન અને ઈન્ટરનેટ ઈાલનોને પણ નુક્સાન થયું છે. ૧ર૦૦ થી વધારે મોબાઈલ ટાવર ખરાબ થઈ ગયા છે. ઘણાં વિસ્તારોમાં નેટવર્ક ઠપ થઈ ગયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit