Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટરની જવાબદારી છતાં મનપાને સાંકળીને કોણે ખેલ નાખ્યો? કોનો આદેશ હતો? મ્યુનિ. કમિશનર સામે સવાલોઃ જામ્યુકો સલવાણી
જામનગર તા. પઃ જામનગરમાં વડાપ્રધાનના ત્રણ-ચાર કલાકના સમારોહ પાછળ અ...ધ...ધ... રૂપિયા ચાર કરોડના ખર્ચના પ્રકરણમાં ટૂંક સમયમાં નવાજુની થવાના સંકેતો છે.
વડાપ્રધાનના સોમનાથના પ્રવાસ દરમિયાન તેમનું રાત્રિ રોકાણ જામનગર થયું... તેમનું રાત્રે આગમન થયું અને પશ્ચિમ બંગાળમાં ભાજપને બહુમતિ મળવાના કારણોસર તેમનું બહુમાન કરવાનો સમારોહ લાલબંગલા સર્કલમાં યોજાયો. વડાપ્રધાનની હાજરી આ સમારોહમાં માત્ર એક-દોઢ કલાકની હતી, પણ તેમ છતાં ખૂબ મોંઘા અને પ્રસિદ્ધ કલાકારોનો લોકડાયરાનો કાર્યક્રમ યોજાવાના કારણે સમારોહ ત્રણ-ચાર કલાકનો કરવામાં આવ્યો...
લાલબંગલા સર્કલમાં સ્ટેજ બનાવાયું, ભીડભજન મંદિર સુધી ખુરશીઓ ગોઠવાઈ, લાઈટો, સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા તો કરવી જ પડે... વડાપ્રધાનના એરપોર્ટથી લાલબંગલા સુધીના માર્ગના ખાડા પૂરાયા, રસ્તાને શણગારાયા, ભાજપના ચૂંટાયેલા નેતાઓ સહિતના વ્યક્તિઓના બેનરો/હોર્ડીંગ્સ લાગ્યા અને કાર્યક્રમ યોજાઈ ગયો...
પણ આ કાર્યક્રમનું આવી રીતે આયોજન કરવાની સૂચના કે આદેશ મ્યુનિ. કમિશનરને કોણે/ક્યા સરકારી વિભાગે આપ્યો હતો? આ કાર્યક્રમ જો સરકારી કાર્યક્રમ હોય તો તેની પ્રોટોકોલ મુજબ તમામ જવાબદારી જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા કલેક્ટર હસ્તક હોય છે, તો અહીં મહાનગરપાલિકાનું ઈન્વોલ્વમેન્ટ કેમ કરવામાં આવ્યું?
આ ઉપરાંત પ. બંગાળમાં ભાજપને બહુમતિના કારણોસર વડાપ્રધાનનું બહુમાન કરવાનો સમારોહ હતો, તો પછી ભાજપ દ્વારા આયોજન થાય કે મનપા કે સરકારીતંત્ર દ્વારા?
મ્યુનિ. કમિશનરે ખુલાસો આપવો જોઈએ કે કોના આદેશથી મનપાના ખર્ચે આ સમારોહ યોજાયો. શું આ આદેશ લેખિતમાં કે ટેલિફોનિક મળ્યો હતો?
આ સમારોહના આયોજન પાછળ રૂ।. ૪ કરોડના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિએ એક જ ઝાટકે મંજુર કરી દીધી... આટલો મોટો ખર્ચ પ્રજાના ટેક્સ ભંડોળમાંથી કરવાનો હોવા છતાં પૂર્વ મંજુરી કે ઠરાવ જેવી કોઈ પ્રક્રિયા થઈ ન હતી. ખર્ચના આંકડાઓ જાહેર થયા છે તેમાં ભાજપના જ કેટલાક વગદાર નેતાઓના મામકાઓને કમાવી દેવાયા હોય તેવું સ્પષ્ટ થાય છે અને કોઈને પણ ગળે ન ઉતરે તેવી વિગતો સાથેના ખર્ચાના લાખો રૂપિયાના આંકડા ચોંકાવનારા અને ભ્રષ્ટાચારની શંકાને મજબૂત કરનારા તો છે જ.
આ સમારોહમાં જે બે સુપ્રસિદ્ધ કલાકારો કાર્યક્રમ રજૂ કરવા આવ્યા હતાં તેમના માટે કેટલો ખર્ચની દરખાસ્ત થઈ અને મંજુર કરેલો ખર્ચ થયો તેની વિગતો તો સત્તાવાર રીતે જાહેર થઈ જ નથી. તે ખર્ચ જાહેર થાય તો કદાચ કુલ ખર્ચનો આંકડો ૪ કરોડથી પણ વધુ થાય!!
જો કે, આ પ્રકરણ હવે ચર્ચાના ચકડોળે ચડતા અને નગરજનોમાં પણ ભાજપના આ પ્રકારના બેફામ ખર્ચાની ટીકા થઈ રહી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી આ પ્રકરણમાં તપાસનો આદેશ કર્યો હોવાનું અને ચૂકવણા નહીં કરવાની કડક સૂચના આવ્યા હોવાનું જાણવા મળે છે. જોઈએ... સરકાર તો ભાજપની જ છે, અને મનપાના ભાજપના શાસકો તથા મ્યુનિ. કમિશનરના આ આયોજન પ્રકરણમાં કેવુંક વલણ અખત્યાર કરે છે?
આ તો થઈ વડાપ્રધાનના જામનગરના રૂ।. ૪ કરોડના ખર્ચે થયેલા બહુમાન સમારોહની...
પણ આપણા મનપાના શાસકો બેફામ ખર્ચા કરવામાં જરાય પાછીપાની કરતા નથી... પ્રદર્શન ગ્રાઉન્ડમાં સ્વદેશી મેળાનું એક ડોમ ઊભો કરી આયોજન થયું છે. ખૂબ સારી વાત છે કે આ મેળાના સ્થાનિક સ્ટોલ ધારકોને એક મંચ મળ્યો છે, પણ... અહીં તો મામકાઓને કમાવી દેવા માટે અઠવાડિયા સુધી દરરોજ રાત્રે જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું...
જેમાં કલાકારોના ચાર્જ સાઉન્ડ સીસ્ટમ, ખુરશી/સોફા વગેરનો લાખો રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જાણવા મળે છે.
દિવાળીના તહેવારોના દિવસોમાં વેપારીઓ, શ્રમિકો, કોન્ટ્રાક્ટરો કે આમ જનતા સહિત સૌ કોઈ પોતપોતાના કામોમાં ખૂબ વ્યસ્ત હોય છે, ત્યારે રાત્રે આવા કાર્યક્રમોમાં કો જાય? અને પરિણામે દરરોજ રાત્રે યોજાયેલા કાર્યક્રમોમાં સાવ પાંખી હાજરી જોવા મળી... ભાજપના જ નેતાઓ-કાર્યકરો જોવા મળ્યા... અર્થાત્... સમજ્યા/વિચાર્યા વગર આ પ્રકારના 'જલસા'નું અણઘડ આયોજન માત્રને માત્ર મામકાઓને કમાવી દેવા માટે જ કરવામાં આવ્યું હોય તેમ જણાય છે.
પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાત્રે યોજાયેલા કાર્યક્રમોની હારમાળાના ખર્ચની વિગત પણ વિસ્તૃતરીતે જાહેર કરવી જોઈએ, જેથી ક્યા કલાકારને કેટલા ચૂકવ્યા તેની લોકોને ખબર પડે?
બાકી તો... બહુમતિના જોરે ભાજપના સત્તાવાળાઓને મનપાની તિજોરીમાંથી પ્રજાના લાખો રૂપિયાનો ધૂમાડો કરવાની ટેવ પડી ગઈ છે... કારણ કે તેમાં લાગતાવળગતા અનેકનો સીધો અને મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. કોઈ પૂછવાવાળું નથી... કેબીડી!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial