જામનગર તા. ૭ઃ ગઈકાલે રાજ્ય સરકારે જાહેર કરેલી નવી ગાઈડ લાઈન્સ મુજબ હવે રાત્રે ૮ થી સવારે ૬નો નાઈટ ફર્ફ્યુ જાહેર થયો છે અને લગ્ન પ્રસંગ વગેરેમાં મહેમાનોની હાજરીની મર્યાદા તો રાખી, સાથે સાથે મોરવા હડફ અને ગાંધીનગરમાં ચૂંટણી પણ ચાલુ જ રહી, એટલું જ નહીં, તેના પ્રચાર માટે સભાઓ-રેલીઓ માટે પણ શરતી છૂટછાટની છટકબારીઓ રખાઈ હોવાની વાતો સાંભળીને લોકો કહી રહ્યા છે કે યે લોગ નહીં સુધરેંગે...!
સામાન્ય રીતે ચૂંટણીઓ જાહેર થઈ જાય, તે પછી તેને અટકાવી શકાતી નથી તેથી કદાચ ચૂંટણી પંચે તો કોરોનાની સાવધાનીઓ સાથે મતદાન કરવાની તૈયારી બતાવી હશે પરંતુ રાજ્ય સરકારે ધાર્યું હોત, તો રાજકીય પક્ષોને પ્રચાર-પધ્ધતિ બદલીને રેલીઓ, સભાઓ કે મિટીંગાના વિકલ્પો આપવાના બદલે ઓનલાઈન પધ્ધતિ અપનાવવા અને કર્ણાે પકર્ણ અથવા બે-ત્રણના ગૃપમાં ઘેર-ઘેર ફરીને કાર્યકરો દ્વારા પ્રચાર કરાવવાની સૂચના આપી શકાઈ હોત અથવા સ્વૈચ્છિક રીતે આવા નિયંત્રણોનું પાલન કરવા ભાજપ સહિતના રાજકીય પક્ષોને અપીલ પણ કરી શકાઈ હોત, પણ હમ નહીં સુધરેંગે...!
ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી કદાચ ચૂંટણી પંચ તેને મોકૂફ ન રાખી શકે, કે પાછળ ન ઠેલી શકે, તો પણ આ મુદ્દે ચૂંટણી સુધારા થવા જોઈએ. તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોએ કેટલાક નગરો-ગામડાઓના લોકોએ જાહેર કરેલા સ્વૈચ્છિક લોકડાઉનમાંથી ઘડો લઈને સ્વયંમ પહેલ કરીને ગાંધીનગર અને મોરવા હડફની ચૂંટણી માટે કોઈપણ મેળાવડા, મિટીંગો, સભાઓ કે રેલીઓ યોજવાના વિકલ્પે ઓનલાઈન, મિડીયા, અખબારો અને સોશ્યલ મિડીયા તથા વ્યક્તિગત સંપર્ક કરીને પ્રચાર કરવાની જાહેરાત કરવી જોઈએ, અન્યથા લોકોમાં હવે એવી છાપ ઉભી થવા લાગી છે કે, નિયમો માત્ર જનતા માટે જ છે, નેતાઓ માટે નથી...! જાણે કે ગાંડી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે...!
કેટલાક લોકો હવે નેતાઓને ઉદ્દેશીને અવનવા કટાક્ષો કરી રહ્યા છે અને સોશ્યલ મિડીયામાં તો નેતાગણની જાણે ફિલ્મ ઉતરી રહી છે, કેટલાક લોકો નેતાઓને જ કોરોનાના સુપર સ્પ્રેડર ગણાવીને મતદારોને સલાહ આપી રહ્યા છે કે મતદાન કરવા અવશ્ય જજો, પરંતુ નેતાઓની મિટીંગો કે રેલીઓમાં ભીડ કરીને કોરોનાના સુપર સ્પ્રેડર ન બની જતા હો...!
એ પણ હકીકત છે કે કોરોના સામેનો જંગ લાંબો ચાલવાનો હોવાથી હવે બધુ બંધ કરીને લાંબો સમય ઘરે બેસવું પાલવે તેમ નથી, પરંતુ નાના-મોટા ગામડાઓ અને કેટલાક નગરોના લોકોની જેમ હવે જ્યાં જ્યાં વધુ સંક્રમણ હોય ત્યાં સ્વૈચ્છિક પ્રતિબંધો લાદવાની દિશામાં આગળ વધવું પડશે.