Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોનું રૂ. ૧પર૦ કરોડનું બજેટ મંજૂરઃ નગરજનો પર સવાચાર કરોડનો નવો કરબોજ

વર્ષ-ર૦રપ-ર૬ નું જનરલ બોર્ડમાં બજેટ પ્રસ્તૂતઃ તે પહેલા વિકાસ કામોની રૂપરેખા તથા ભાવિ આયોજનની વિગતો અપાઈ

જામનગર તા. ૧૯: જામનગર મહાનગરપાલિકાના કમિશનરે રજૂ કરેલ વર્ષ ર૦રપ-ર૬ ના બજેટમાં સુધારા વેરા વધારા દરખાસ્તમાં સ્ટેન્ડીંગ કમિટીએ કાપ મૂકીને રૂ. ૪ કરોડ રપ લાખના વેરા વધારા સામેનું બજેટ સ્ટેન્ડીંગ કમિટીએ મંજુર કર્યું હતું. આ પછી આજે મળેલી બજેટ અન્વયેની સામાન્ય સભામાં ચેરમેન દ્વારા કુલ રૂપિયા ૧પર૦ કરોડનું અંદાજપત્ર ચેરમેન નિલેષ કગથરા દ્વારા સામાન્ય સભામાં અધ્યક્ષ-મેયર વિનોદ ખીમસૂર્યાને સુપ્રત કર્યું હતું જેના ઉપર કોર્પોરેટરો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા આજે ટાઉનહોલમાં મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ઈન્ચાર્જ કમિશ્નર એવા કલેક્ટર કેતન ઠક્કર, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટિ ઈજનેર અને આસી. કમિશનર ભાવેશ જાની, આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મલ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગરનગરપાલિકા સ્ટે. કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ વર્ષ ર૦રપ-ર૬ નું બજેટ સામાન્ય સભામાં રજૂ કર્યું હતું. જેમાં ઉઘડતી પુરાંત રૂ. ૩૮૪.૦૩ કરોડ, વર્ષ દરમિયાન આવક રૂ. ૧૪૩૪.૮પ કરોડ મળી કુલ ૧૮૧૮.૮૬ કરોડ અને વર્ષ દરમિયાન રૂ. ૧પર૦.૯ર કરોડ અને બંધ પુરાંત રૂ. ર૯૭.૯૩ કરોડ દર્શાવાઈ છે.

ચાલુ નાણાકીય વર્ષમાં કરવામાં આવેલ વિકાસ કર્યાનો રિપોર્ટ રજૂ કરતા ચેરમેનએ જણાવ્યું હતું કે, સર્વન્સ પ્લાનિંગ ગવર્નન્સ સાથે સર્વિસ, પ્લાનિંગ ગવર્નન્સ સિટીઝન મોબાઈલ, એપ્લિકેશન અને ઓફિસર્સ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. વધુ બે મોબાઈલ ટેક્સ કલેક્શન વાનનું લોકાર્પણ કરાયું છે. એક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થયું છે, જ્યારે નવા બે આરોગ્ય કેન્દ્રનું કામ પ્રગતિમાં છે. ઉપરાંત ચાર નવા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે. એમ્યુઝમેન્ટ પાર્કના બે હોલમાં યોગા તથા ઝમ્બા સ્ટુડિયોની કામગીરી તથા રણમલ તળાવમાં આવેલા હોલમાં લાયબ્રેરી, નવા ગેમઝોનના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. શહેરમાં ૧,૧૬,૬૯૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ચાર ટીપી સ્કિમની કામગીરી શરૂ થયેલ છે. જે મંજુર થયેથી વિકાસની તકો વધશે.

પમ્પ હાઉસમાં સોલાર પાવર ઈન્સ્ટોલેશન કરવામાં આવે છે. તથા એમ્યુઝમેન્ટ પાર્કમાં સોલાર ટ્રી ટૂંક સમયમાં ઈન્સ્ટોલેશન કરવામાં આવનાર છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા નવી ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનના કામો ડી.આઈ. પાઈપ લાઈન નાખવાનું કામ, નાઘેડીમાં ૩૦ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ, ૧ કરોડ લીટર ક્ષમતાનો સમ્પ, ૧૮ લાખ લીટરની કેપેસીટીનો ઈએસઆર વગેરેનું કામ પ્રગતિમાં છે. રણજીતસાગર ડેમના સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન માટે સર્વે કામગીરી તથા ડીપીઆરની કામગીરી ચાલુ છે.

વોર્ડ નં. ૬, ૭, ૮, ૧૧, ૧૪, ૧૫ અને ૧૬માં ભૂગર્ભ ગટર નેટવર્કનું કામ પૂર્ણ થયું છે. ઢીચડા પાસે ૩૦ એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ પ્રગતિમાં છે. લાઈટના માર્ગોને સ્ટ્રીટ લાઈટથી સુશોભીત કરવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

સ્વચ્છ જામનગર સ્વસ્થ જામનગર અન્વયે સ્વિપર મશીન, એકદો બેક લોડર રોડ સ્વિપર, મોબાઈલ ટોયલેટ, ફ્રન્ટ લોડર, લોબેડ ટ્રેઈલર, નાલા કલીનર વગેરે સાધનો ખરીદવામાં આવ્યા છે. ઈલે. બસ ચાર્જીંગ સ્ટેશન, બસ ડેપોનું કામ, સોલાર સીસ્ટમ સાથે પ્રગતિ હેઠળ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના કામો પ્રગતિ હેઠળ છે.

સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બીજા રેઈન વોટર હાર્વેસ્ટીંગના કામો પૂર્ણ થયા છે. તથા ઉપરાંત અન્ય નવા કામો ટૂંક સમયમાં શરૂ થશે. અનેક રોડ, રસ્તાના કામો પૂર્ણ થયા છે અને અનેક કામો પ્રગતિ હેઠળ છે.

પાયલોટ બંગલાથી માનસરોવર (પંચવટી) સુધી માર્ગોનું ગૌરવ પથ તરીકેનું કામ ચાલુ છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સીસી રોડ-બ્લોક, કોમ્યુનીટી હોલ-નાવણી બેન્ચના કામો પ્રગતિ હેઠળ છે. ૫૩ માંથી ૨૦ નંદઘરના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. રંગમતિ નદી ઉપર રિવર ફ્રન્ટનું કામ ગ્રાન્ટ મળ્યેથી શરૂ કરવામાં આવનાર છે.

મલ્ટી પર્પઝ ઓડિટોરીયમનું કામ ટેન્ડર પ્રક્રિયામાં છે. સાયન્સ નોલેજ પાર્ક પ્રગતિ હેઠળ છે. બે ફાયર સ્ટેશનનું કામ, સીવીક સેન્ટરનું કામ, પ્રગતિ હેઠળ છે. ઢોરના નવા બે ડબ્બા બનાવવાનું આયોજન પૂર્ણ કરાયું છે.

નગરની શાન સમા ફલાયઓવર બ્રીજનું કામ પ્રગતિ હેઠળ છે.

સૈનિક ભવન રેલવે ફાટક ઉપર ઓવરબ્રીજનું કામ, ટૂંક સમયમાં શરૂ થનાર છે.

શહેરની આગવી ઓળખ સમા કામોની વિગતો આપતા ચેરમેનએ જણાવ્યું હતું કે, ગ્રેઈન માર્કેટ, ત્રણ દરવાજાના રેસ્ટોરેશન, કન્ઝર્વેશનનું કામ પૂર્ણ થયું છે. તેવી જ રીતે ભૂજિયા કોઠાનું કામ પ્રગતિ હેઠળ છે.

રિલાયન્સ ઈન્ડ. દ્વારા અદ્યતન પે એન્ડ યુઝ બનાવાયા છે. જેનું લોકાર્પણ થઈ ચૂક્યું છે.

જામનગરમાં ફૂટબોલ મેદાન, ડિજિટલ લાયબ્રેરી, બેડી ચોકીથી વાલસુરા નેવી થઈ રોઝી પોર્ટ સુધીના માર્ગને નેક્લેસ રોડ તરીકે ડેવલોપ કરવા, પીપીપી ધોરણે મીની એમ્યુઝમેન્ટ પાર્ક ડેવલોપ કરવા, પાંચ રોડને ગૌરવપથ તરીકે ડેવલોપ કરવા, દાદા-દાદી ગાર્ડન વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

નવા સીસી રોડ, રઝડતા પશુ નિયંત્રણ માટે ૧ર કરોડની ફાળવણી કરવામાં આવી છે. કરોડોના ખર્ચે ડી.આઈ. પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામો, લાઈટીંગના કામો, ભૂગર્ભ ગટરના કામો, ડ્રેનેજના કામો કરવાનું પણ આયોજન છે. એક નવી ગૌશાળા બનાવવાનું પણ આયોજન ઘડી કઢાયું છે.

કાલાવડ નાકાથી કલ્યાણચોક સુધી નવા અન્નપૂર્ણા મંદિર સુધી હૈયાત બ્રીજના સ્થળે રૂ. ર૦ કરોડના ખર્ચે નવો બ્રીજ બનાવવા, વિશાલ હોટલ પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે. પ૦ ઈલેકટ્રીક બસો શહરેમાં દોડાવવા આયોજન છે. માંડવી ટાવરની ગ્રાન્ટ મળ્યે કામ શરૂ કરાશે.

નવા આરોગ્ય કેન્દ્રનું અદ્યતન સોફ્ટવેર દ્વારા સંચાલન, કાલાવડ-લાલપુર રોડ ઉપર નવા ફાયર સ્ટેશન, અદ્યતન ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરી બનશે.

કમિશનર દ્વારા રૂ. ૧૧ કરોડ ૮૪ લાખનો બોજ સુચવાયો હતો. તેમાં કાપ મુકીને રૂ. ૪ કરોડ ૨૫ લાખનો કર દર વધારો માન્ય રખાયો છે. ખાસ કરીને પાણી ચાર્જમાં આર્થિક રૂ. ૧૦૦નો વધારો માન્ય રખાયો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજયના કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરા અને રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, અને રિવાબા જાડેજા તેમજ વગેરેનો આ તકે આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

આ સાથે શિક્ષણ સમિતિ અને વી.એમ. મહેતા કોલેજનું બજેટ પણ રજૂ થયું હતું. આ બજેટ અંગેની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના અસ્લમ ખીલજીએ જણાવ્યુ હતું કે, કાલાવડ નાકા બ્રીજનું કામ સત્વરે શરૂ કરવામાં આવે, માંડવી ટાવર માટે સાત વર્ષથી રજૂઆત કરવામાં આવે છે. તેને જલદી સ્વીકારવા આવે. ઉપરાંત સ્ટ્રીટ લાઈટની વ્યાપક ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરી હતી. આ તકે ચેરમેને જણાવ્યું હતુ કે, અમારા કામમાં વિશ્વાસ રાખજો બધું થઈ જશે. વધુમાં અસ્લમ ખીલજીએ જુગ્નું ક્રિકેટ મેદાન યથાવત જાળવી રાખવા પણ રજૂઆત કરી હતી. ત્યાં નવો રોડ કાઢવાની હીલચાલ ચાલતી હોવાનો વિરોધ કર્યો હતો.

આ પછી શાસક પક્ષના કિશન માડમ અને કેશુભાઈ માડમે બજેટને આવકાર્યુ હતું. વિપક્ષના આનંદ રાઠોડે સિકયોરીટી કોન્ટ્રાકટ રદ કરવા માંગણી કરી હતી, અને આરોગ્ય સંકુલ માટે પૈસાના ઉઘરાણાનો વિરોધ  કર્યો હતો. અને વેરા વધારો પાછો ખેંચવા જણાવ્યુ હતું.

આ પછી વિપક્ષના કાસમભાઈ જોખીયાએ ચર્ચામાં ભાગ લેતા શાસક પક્ષના બિનાબેન વચ્ચે જવાબ દેવા ઉભા થતા તેમને ઠેકડા મારવાનું બંધ કરવાનું કહેતા મામલો ગરમાયો હતો. અંતે મામલો થાળે પડયો હતો. પણ સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh