દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭૦૬૪૧ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી

ખંભાળીયા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીના દ્વારા કલેક્ટર કચેરીમાં પત્રકાર પરિષદનું આયોજન કરી સરકાર દ્વારા ટેકાના ભાવે કરાયેલી મગફળી ખરીદીની વિગતો આપવામાં આવી હતી.

ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૧૯-૨૦૨૦માં એપીએમસીમાં તેમજ જે તે ગામે વી.સી.ઈ. મારફતે તા. ૧-૧૦-૨૦૧૯ થી ૩૧-૧૦-૨૦૧૯ સુધી ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના કુલ ૪૮૪૯૯ ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી.

તા. ૧-૧૧-૨૦૧૯ થી ખરીદ પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧૪ ખરીદ કેન્દ્ર ઉપર ખરીદીની પ્રક્રીયા કરી પ્રતિ ખેડૂત પાસેથી ૨૫૦૦ કિગ્રાની મર્યાદામાં ખરીદી કરવામાં આવી હતી. તા. ૧૨-૦૨-૨૦૨૦ સુધીમાં કુલ ૩૧૨૩૫ ખેડૂતોની કુલ ૭૦૬૪૧ મે.ટન મગફળી ખરીદ કરવામાં આવી છે. આમ ચૂકવવા પાત્ર રકમ રૃા. ૩૫૯.૫૬ કરોડ સામે ૧૫૬૫૦ ખેડૂતોને કુલ રૃા. ૧૮૪.૯૩ કરોડની રકમ અત્યાર સુધીમાં ચૂકવી આપી છે. દરેક ખરીદ કેન્દ્રોમાં મગફળીની ખરીદી અંગેની સમિતિના સભ્યોની રોટેશન મુજબ અન્ય વિભાગોના જેવા કે કૃષિ, પૂરવઠા, પંચાયત, કૃષિ યુનિવર્સિટી સ્ટાફની નિમણૂકના હુકમો કરી ખરીદ પ્રક્રિયા કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા લાવવામાં આવેલ મગફળીનું ગ્રેડીંગ કરવા માટે નિગમ દ્વારા જથ્થાની ગુણવત્તાની ચકાસણી કરવા માટે સરકાર દ્વારા એજન્સી નક્કી કરી મગફળીનું ગ્રેડીંગ કરાવી ખરીદ કરવામાં આવી હતી. દરેક પ્રક્રિયાનું મોનીટરીંગ કરવા નિગમ દ્વારા તમામ ખરીદ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવી મગફળીની ખરીદ પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમજ દરેક ખરીદ કેન્દ્રમાં પોલીસ-હોમગાર્ડની મદદ લઈ સુરક્ષાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પુરવઠા કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit