સોનવડીયાથી જામનગર દારૃનો જથ્થો ઠાલવવા આવતી મોટર ઝડપાઈઃ રાજકોટ રેન્જની સાયબર સેલ ત્રાટકી

જામનગર તા. ૩ઃ જામનગરના મોરજર ગામના પાટીયા પાસેથી રાજકોટ રેન્જની સાયબર સેલે જામજોધપુરના સોનવડીયાથી અંગ્રેજી શરાબનો જથ્થો ભરીને આવતી મોટર પકડી પાડી છે. તેમાંથી ૨૬૮ બોટલ મળી છે. ઝડપાયેલા શખ્સે સપ્લાયર તથા બે રીસીવરના નામ ઓકી નાખ્યા છે.

જામજોધ૫ુર તાલુકાના સોનવડીયામાંથી અંગ્રેજી શરાબની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી રાજકોટ સ્થિત સાયબરસેલને મળતા ગઈકાલે રાજકોટ રેન્જની આ સેલના પીએસઆઈ પી.સી. સરવૈયા તથા સ્ટાફે જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામ પાસેથી જામનગર તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી.

તે દરમ્યાન એક એસન્ટ મોટર પૂરપાટ ઝડપે પસાર થતા સાયબર સેલના સ્ટાફે તેને મોરજર ગામના પાટીયા પાસે આંતરી તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૬૮ બોટલ મળી આવી હતી. આથી પોલીસે જીજે-૫-સીજી-૧૮૭૦ નંબરની રૃા. દોઢ લાખની મોટર અને રૃા. ૩૬,૪૦૦નો દારૃનો જથ્થો કબજે કરી મોટરમાં રહેલા જામનગરના ગોકુલનગર નજીકના શિવનગરમાં રહેતા અને વીડિયો શુટીંગનો વ્યવસાય કરતા નિલેશ હેમતભાઈ ડાંગરની મોબાઈલ સાથે ધરપકડ કરી હતી. આ શખ્સની પ્રાથમિક પુછપરછમાં તેણે આ જથ્થો જામજોધપુરના સોનવડીયા ગામના રાજુ ઉર્ફે રાજ્યા રબારીએ મોટરમાં ભરી આપ્યાની અને તે જથ્થો જામનગરના સવદાસ ચાવડા, જગા આંબલીયાને પહોંચાડવાનો હોવાની વિગતો આપી છે. ચારેય શખ્સો સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit