ખંભાળીયા તા. ૩૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય રાજય કે જિલ્લા, શહેરમાંથી આવનાર લોકોને ફરજીયાત ૧૪ દિવસ સુધી સરકારી કોરેન્ટાઈનમાં રાખવાનો નિયમ સમગ્ર રાજ્યમાં એકમાત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેક્ટરે અમલમાં મૂક્યો છે અને આ નિયમની અમલવારી ફળીભૂત થઈ રહી હોય તેમ છેલ્લા જે દસેક કોરોના પોઝિટિવ કેસ આવ્યા તે તમામ સરકારી કોરેન્ટાઈનમાં બહારથી આવેલા લોકોના જ આવ્યા છે. તેથી સરકારી તંત્રને રાહત થઈ છે અને સંક્રમણનો ફેલાવો પણ આગળ વધી શક્યો નથી.
હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આઠ કેસ એક્ટીવ કેસ છે. જામનગર અને ખંભાળીયાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી સાત દરદીની સ્થિતિ સ્થિર છે, અને એક દરદી વેન્ટીલેટર પર છે.
ખંભાળીયામાં તાલુકા શાળા નં. ૪ પાસેનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ વિસ્તારના આગેવાન વીરપાર ગઢવીએ થોડો રસ્તો ખૂલ્લો કરી નાખવા માંગણી કરી છે.