અનલોક-રઃ ગુજરાતમાં દુકાનો રાત્રે ૮ વાગ્યા સુધી- રેસ્ટોરન્ટોને રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ

રાત્રિનો કર્ફયુ સમય રાતના ૧૦ થી સવારે પાંચ વાગ્યા સુધી

ગાંધીનગર તા. ૩૦ઃ આજે રાત્રે ૧ર વાગ્યે અનલોક-૧ પૂર્ણ થઈ રહ્યું હોય, કેન્દ્ર સરકારે અનલોક-ટુ ની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ૩૧ જુલાઈ ર૦ર૦ સુધી જાહેર કરેલ અનલોક-ટુ ની ગાઈડલાઈન્સના સંદર્ભમાં આજે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતમાં અનલોક-ટુ ના સમયગાળામાં વધારાની છૂટછાટો જાહેર કરી છે.

જેમાં રાજ્યમાં દુકાનો હવે રાત્રે આઠ વાગ્યા સુધી તેમજ રેસ્ટોરન્ટો રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. અનલોક-૧ માં દુકાનો માટે સાંજે ૭ વાગ્યાનો અને રેસ્ટોરન્ટો માટે રાત્રે ૮ વાગ્યનો સમય હતો તેમાં એક એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રાત્રી કર્ફયુનો સમય રાત્રે ૯ થી સવારે છ સુધીનો હતો તેમાં બે કલાકની રાહત આપવામાં આવી છે. અનલોક-ટુ માં રાત્રિ કર્ફયુનો સમય રાતના ૧૦ થી સવારે પાંચ વાગ્યા સુધીનો રહેશે.

અનલોક-ટુ ની કેન્દ્ર સરકારની જાહેરાત પૂર્વે જ રાજ્ય સરકારે જાહેર કરી દીધું હતું કે ગુજરાત કેન્દ્રની ગાઈડલાઈન્સને અનુસરશે. તેથી ૩૧ મી જુલાઈ સુધી કેન્દ્રની ગાઈડલાઈન્સ પ્રમાણે રાજ્યમાં સિનેમાઘર, શૈક્ષણિક સંસ્થાનો, શિક્ષણના કોચીંગ ક્લાસ, જીમ, સ્વીમીંગ પુલ સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉનના તમામ પ્રતિબંધાત્મક આદેશોનો કડક અમલ ચાલુ રહેશે. સમગ્ર રાજ્યમાં રાત્રી કર્ફયુનો કડક અમલ થશે તેમજ મોઢા પર ફરજિયાત માસ્ક પહેરવું, જાહેરમાં થૂંકવું નહીં, સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવું વગેરેનો પણ કડક અમલ ચાલુ રહેશે. અનલોક-ટુ માં સામાજિક-રાજકીય મેળાવડાઓ ઉપર પણ પ્રતિબંધ ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે. તેમજ કોરોના હજુ પણ બેકાબૂ હોય, ૬પ વર્ષથી વધુ વયના અને ૧૦ વર્ષથી નાના બાળકો, બીમાર વ્યક્તિઓ, સગર્ભાઓને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit