ખંભાળીયાના આંબરડી ગામમાં ખેતરમાં જામેલો જુગાર ઝડપાયોઃ સાતની ધરપકડ

જામનગર તા. ૧૯ઃ ખંભાળીયાના આંબરડી ગામના એક ખેતરમાંથી ગઈકાલે પોલીસે સાત શખ્સોને તીનપત્તી રમતા પકડી પાડ્યા છે જ્યારે દેવપરામાંથી ત્રણ મહિલા સહિત પાંચ પત્તાપ્રેમી પકડાયા છે ઉપરાંત દ્વારકામાં ત્રણ શખ્સ તીનપત્તી રમતા ઝડપાયા છે.

ખંભાળીયા તાલુકાના આંબરડી ગામની કરાર વાડી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં કેટલાક શખ્સો એકત્ર થઈ ખેતર માલિકને નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે ખંભાળીયા પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા કારૃભાઈ જેન્તિલાલ પાઠકના ખેતરની ઓરડીમાં કારૃભાઈને નાલ આપી તીનપત્તી રમતા દિનેશ ગગાભાઈ ગાગીયા, રમેશ જેસાભાઈ ભાટુ, રહીમ ઉર્ફે ફારૃક અલીભાઈ અલુવસીયા, અરજણભાઈ હમીરભાઈ કરમુર, રાજેશ કાન્તિલાલ વાછાણી તથા ભીમસીભાઈ દેવસીભાઈ વસરા નામના છ શખ્સો મળી આવ્યા હતાં. પટ્ટમાંથી રૃા. ૨૮૭૫૦ રોકડા અને એક મોબાઈલ કબજે કરી પોલીસે જુગારધારાની કલમ ૪,૫ હેઠળ સાતેય આરોપી સામે ગુન્હો નોંધ્યો છે.

દ્વારકા તાલુકાના મીઠાપુર નજીકના દેવપરા ગામમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા જેસાભા વલયાભા માણેક, વલયાભા નાનાભા માણેક, સુંદરબેન કનૈયાભા, કમાબાઈ વલયાભા, પાચીબેન રાયમલભા માણેક નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૩૨૪૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

દ્વારકામાં નરસંગ ટેકરી નજીકના ગયા કોઠા રોડ પર બાવળની ઝાડીઓમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા જસવંતસિંહ વાઢેર, ઈબ્રાહીમ ભીખુભાઈ ભીખલાણી, ફારૃક સુલેમાન શેખ નામના ત્રણ શખ્સોને પોલીસે પકડી લઈ રૃા. ૨૩૩૦ ઝબ્બે લીધા છે.

ઓખાના બસ સ્ટેશન પાસેથી ગઈકાલે બપોરે પોલીસે હસમુખ મહેન્દ્રભાઈ જાખરીયા ઉર્ફે કડા ખારવા નામના શખ્સને જાહેરમાં વર્લીના આંકડા લેતો પકડી પાડ્યો હતો.

close
Ank Bandh
close
PPE Kit