ટ્રાફિકના નિયમોઃ ગરીબ-મધ્યમ-નોકરિયાત-કામદાર-મજૂર વર્ગના લોકોને હેરાનગતિમાંથી મુક્ત રાખવા હેલ્મેટના નિયમોમાં રાહત આપો

જામનગર તા. ૧૧ઃ કેન્દ્ર સરકારના ટ્રાફિકના નિયમોના કડક અમલની માર્ગદર્શન પ્રમાણે દેશની રાજ્ય સરકારો દ્વારા જે તે રાજ્યની સ્થિતિ અને સંજોગો પ્રમાણે તેમાં નાના-મોટા ફેરફાર, સુધારા-વધારા કરી તેનો અમલ કરવાની જાહેરાતો થઈ રહી છે.

તે સંદર્ભમાં ગુજરાત સરકારે પણ તા. ૧૬ મી સપ્ટેમ્બરથી ટ્રાફિકના નિયમોની કડક અમલવારી કરવાની જાહેરાત કરી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ કેન્દ્ર સરકારે સૂચવેલા દંડ અને નિયમોમાં થોડી રાહતો સાથે ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા રાજ્યની જનતાને અપીલ કરી છે. પત્રકાર પરિષદમાં અને સરકારી જાહેર ખબરોમાં ભારપૂર્વક જણાવાયું છે કે, 'સરકારને દંડની રકમ  કે કેસોની સંખ્યામાં કે કેસ કરવામાં રસ નથી. આ નિયમોનો અમલ લોકોને હેરાન કરવા નહીં, પણ નાગરિકોની સલામતિ તથા જિંદગી બચાવવા માટે છે.'

ગુજરાતમાં દંડની રકમમાં અને કેટલાક નિયમોમાં રાહત આપવાનું કામ સરકારે જરૃર કર્યું છે અને માનવ જિંદગી બચાવવા માટે ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપણે પાલન થાય તે પણ એટલું જ મહત્ત્વનું છે.

પણ... વાસ્તવવાદી બનીને પ્રજાને હેરાનગતિ ના થાય તેવા ફેરફાર કે છૂટછાટ કરવાની પણ તાતિ જરૃર છે. ખાસ કરીને ટુ-વ્હીલર વાહનચાલકો માટે ફરજિયાત હેલ્મેટના નિયમોમાં ઘણી રાહત આપવાની જરૃર છે.

રૃપાણીજી, આપ જાણો છો તેમ ગુજરાતમાં ગરીબ, મજૂર, મધ્યમ, નોકરિયાત વર્ગ ઘરમાં લોન લઈને કે સ્વબળે આજના યુગ પ્રમાણે આવશ્યક એવા એકાદ ટુ-વ્હીલર ધરાવતા થયા છે.

કામધંધે, નોકરીએ જવા-આવવા માટે આ નાનો વર્ગ જ ટુ-વ્હીલર ઉપયોગ કરે છે. રોજેરોજનું કમાતા મજૂર વર્ગની હાલત તો એવી છે કે, પેટ્રોલ પંપ પર શરમાતા શરમાતા ૩૦ રૃપિયાનું કે પ૦ રૃપિયાનું પેટ્રોલ ભરાવતા હોય છે.

શાળાએ કે ટ્યુશનમાં બાળકોને તેડવા-મૂકવા માટે મોટાભાગે પરિવારની બહેનો કે માતાઓ ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. આ તમામ વર્ગ ટુ-વ્હીલર વાહનોની લોનના હપ્તા ભરે, પેટ્રોલના ખર્ચ કરે અને આજના સમયમાં મોંઘવારી, મંદી વગેરેનો સામનો કરી ટુ-વ્હીલરને માંડ માંડ મેઈનટેઈન કરે છે. ફરજિયાત હેલ્મેટ માટે સૌ પ્રથમ તો સરકારના નિયમો પ્રમાણે આઈએસઆઈ માર્કવાળી રૃા. ૧૦૦૦ થી ૩૦૦૦ સુધીની હેલ્મેટનો ખર્ચ કરવો પડશે.

આ ઉપરાંત હેલ્મેટ પહેરીને બહાર નીકળ્યા પછી નાની-મોટી ખરીદી કે કામ માટે જ્યાં જ્યાં વાહન ઊભું રાખે ત્યાં હેલ્મેટને ક્યાં રાખવી તે પ્રશ્ન છે. ખાસ કરીને નાના શહેરોમાં આ સમસ્યા મોટી છે અને તેમાં ય સારા-નરસા પ્રસંગોમાં બહેનોને તૈયાર થઈને જવાના સમયે હેલ્મેટ કેવી રીતે પહેરવી, સાચવવી જેવા પ્રશ્નો છે.

જામનગર અને જામનગર જેવા ગુજરાતના અનેક શહેરોમાં રસ્તાઓ સાંકડા છે. મોટા ભાગના રસ્તાઓ પર આડેધડ સ્પીડ બ્રેકર્સ છે. મોટાભાગના રસ્તાઓમાં બારેમાસ કોઈને કોઈ ખોદકામ ચાલતા હોય છે. રસ્તાઓ પર, ફૂટપાથ પર, રસ્તા વચ્ચે રેંકડીઓ, લારી-ગલ્લા, કેબિનો, પાથરણાવાળાના દબાણો છે. બહુમાળી બિલ્ડીંગો, કોમર્શિયલ કોમ્પલેક્ષના પાર્કિંગોમાં દુકાનો બની ગઈ છે. ચોમાસામાં પાણી ભરાયેલા રહે છે. તેથી પાર્ક કરવા માટેની જગ્યા જ રહેતી નથી. આ તમામ બાબતોના કારણે અગાઉ પણ લખ્યું છે તેમ કેટલાક નંબર વગરના વાહનોવાળા કે લાલબ્લુ પટ્ટાવાળા વાહનોવાળા લોકોની જિંદગીને જોખમમાં મૂકીને આવા માર્ગો પર શહેરની વચ્ચે પૂરપાટ વેગે, ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરીને વાહનો ચલાવે છે. તે સિવાયના નિર્દોષ, પોલીસ કેસથી ડર અનુભવતા, કાયદાનું પાલન કરવામાં માનતી શાંત પ્રજા તો પોતાનું તથા અન્યનું બરાબર ધ્યાન રાખીને જ વાહનો ચલાવે છે.

આટલી લાંબી વાસ્તવિક્તા રજૂ કરવા પાછળ એટલો જ હેતુ છે કે  સાહેબ, અન્ય નિયમો-દંડનો ભલે તમારી સરકાર, તમારા તંત્રો અમલ કરાવે, પણ મહેરબાની કરીને હેલ્મેટના નિયમોમાં રાહત આપો. આ નિયમથી તમારા સૂત્ર 'લોકોને હેરાન કરવા માટે અમલ નથી'ને પણ સમર્થન મળશે.

હેલ્મેટના નિયમો માટે દરેક શહેર-જિલ્લામાં લોકસુનાવણીની બેઠકો યોજી લોકોના વાંધા-સૂચનો-મુશ્કેલીઓ-રજૂઆતો જાણી પછી જ તેનો અમલ કરાવો તો પ્રજાને સંતોષ અને રાહત થાય તેવું વાસ્તવવાદી પરિણામ ચોક્કસ આવી શકે છે.

શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપો, ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત જેવા મેટ્રો શહેરોમાં છ મહિના માટે પ્રાયોગિક ધોરણે અમલ કરો, શહેરી વિસ્તારમાં માત્ર સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધી જ હેલ્મેટનો અમલ કરાવો જેવા ફેરફાર થઈ શકે તેમ છે.

હેલ્મેટના નિયમથી લોકોની સલામતિ જળવાય કે ન જળવાય, પણ રાજ્યની મોટાભાગની ટુ-વ્હીલર વાહન ધરાવતી મધ્યમ-ગરીબ વર્ગની જનતાને પારાવાર હેરાનગતિ થશે તે નક્કી છે.

૧૬મી સપ્ટેમ્બરથી અમલવારી શરૃ થાય તે પહેલા હેલ્મેટના મુદ્દે ગંભીરતાપૂર્વક વિચારણા કરી સરકાર સૌને રાહત થાય તેવી જાહેરાત કરે તેવી રાજ્યની સામાન્ય જનતા આશા રાખી રહી છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit