જામનગર તા. ૩૦ઃ જામનગરના ભોંયના ઢાળીયા પાસે રહેતા એક દેવીપૂજક પરિવારનો દોઢ વર્ષનો બાળક રમતા-રમતા પાણી ભરેલી કુંડીમાં પડી ગયા પછી મોતને શરણ થયો છે.
જામનગરના સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં આવેલા ભોંયના ઢાળીયા પાસે રહેતા કારાભાઈ વેરશીભાઈ મકવાણા નામના દેવીપૂજક યુવાનનો દોઢ વર્ષનો પુત્ર હાર્દિક ગઈકાલે સાંજે પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે અકસ્માતે નજીકમાં આવેલી પાણી ભરેલી કુંડીમાં પડી ગયો હતો.
ઘરની બહાર રમતો આ બાળક થોડીવાર સુધી જોવા નહીં મળતા મજુરીકામ કરતા પિતા કારાભાઈ અને અન્ય પરિવારજનોએ હાર્દિકની શોધખોળ શરૃ કરી હતી. જેમાં આ બાળક પાણી ભરેલી કુંડીમાંથી મળી આવતા તેને બહાર કાઢી સારવારમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ વધુ પડતું પાણી પી ગયેલો બાળક મોતને શરણ થયો હતો. બનાવની જાણ થતા એ.આર.રાવલ દોડી આવ્યા હતા. તેઓએ કારાભાઈનું નિવેદન નોંધ્યું છે.