ભાણવડના આંબરડી ગામમાં સોનાના ચેઈન માટે યુવકને મહિલા સહિત ત્રણે ઉતાર્યો મોતને ઘાટ

મળવા બોલાવી કળશીયો ઝીંકી આપ્યોે ગળાટુંપોઃ કુવામાં ફેકી દેહનો કર્યો નીકાલઃ

ભાણવડ તા. ૨૩ઃ ભાણવડના આંબરડી ગામના એક યુવાન શનિવારે રહસ્યમય સંજોગોમાં ગુમ થયા પછી ગઈકાલે તેમનો મૃતદેહ ગજાભી આંબરડી ગામના કુવામાંથી મળી આવ્યો હતો. મૃતકના ગળામાંથી તેનો સોનાનો ત્રણ તોલાનો ચેઈન ગુમ હતો અને ગળામાં ચકામુ તેમજ માથામાં ઈજા જોઈ વહેમાયેલી પોલીસે શરૃ કરેલી તપાસમાં એક મહિલા સહિત ત્રણે આ યુવાનને સોનાના ચેઈન માટે મોતને ઘાટ ઉતારી દીધાની વિગત ખુલી છે. મળવા માટે બોલાવી આ યુવાનની ત્રણેએ હત્યા કરી મૃતદેહ કુવામાં ફેકી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે આરોપીઓના સગડ દબાવ્યા છે.

દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના આંબરડી ગામમાં રહેતાં રાણાભાઈ ભીખાભાઈ સાદીયા નામના સાડત્રીસ વર્ષના અનુસૂચિત જાતિના યુવાન ગયા શનિવારે સવારે અગીયારેક વાગ્યે પોતાના ઘરેથી નીકળ્યા પછી સાંજ સુધી ઘેર પરત નહી ફરતા તેમના પત્ની જશુબેન રાણાભાઈ (ઉ.વ.૩૫) સહિતના પરિવારજનોએ શોધ આરંભી હતી.

તે દરમ્યાન ગઈકાલે સાંજે રાણાભાઈનું મૃતદેહ ભાણવડ તાલુકાના ગજાભી આંબરડી ગામના મહેશભાઈ મનસુખભાઈ સાદીયાના ઘર પાસે આવેલા અવાવરૃ કુવામાંથી મળી આવ્યો હતો. જેની કોઈએ પોલીસને જાણ કરતાં દોડી ગયેલા ભાણવડ પોલીસ સ્ટેશનના સ્ટાફે મૃતકના પત્ની સહિતના પરિવારને પણ વિગત આપી હતી.

મૃતકના ગળામાં પોલીસે ચકામુ જોતા અને માથામાં ઈજા જોવા મળતા પોલીસ વહેમાઈ હતી તે દરમ્યાન જ જશુબેને પોતાના પતિ રાણાભાઈ કાયમી રીતે ગળામાં સોનાનો ત્રણ તોલા વજનનો જે ચેઈન પહેરતા તે ચેઈન પણ ન જોતાં પોલીસને જણાવ્યું હતું તેથી રાણાભાઈની હત્યા જ કરવામાં આવી છે તેવી પોલીસની થીયરી મજબુત બની હતી અને પોલીસે તે દિશામાં તપાસ શરૃ કરી હતી.

ગણત્રીની કલાકોમાં ભાણવડના પીએસઆઈ જે.જી. સોલંકી આ બનાવના મુળ સુધી પહોંચી ગયા હતાં. તેઓએ જુદાજુદા વ્યક્તિઓને કરેલી પૂછપરછમાં રાણાભાઈની હત્યા જ થઈ છે તેવી પોલીસની આશંકાને બળ મળે તેવી વિગતો મળી આવી હતી. પોલીસે જેના ઘર પાસે કુવામાંથી મૃતદેહ મળ્યો તે મહેશ મનસુખભાઈને પૂછપરછ કરતાં પોલીસને મહત્વની કડી સાંપડી હતી.

પોલીસ સમક્ષ જાહેર થયેલી વિગત મુજબ મૃતક રાણાભાઈ સાદીયા તથા ગજાભી આંબરડીના શબરીબેન ચીમનભાઈ સાદીયા પરિચયમાં હતાં જેમાં મહેશ મનસુખભાઈ પણ પરિચયમાં હતો. તેઓએ રાણાભાઈના ગળામાં કાયમ માટે સોનાનો જાડો ચેઈન જોયો હતો. તે દરમ્યાન મહેશને થોડા સમયથી આર્થિક તંગી ઘેરી વળી હતી. તેમાંથી નીકળવા માટે મહેશ મથતો હતો. શોર્ટકટમાં પૈસા મળી જાય તેવા રસ્તાની શોધ કરતાં મહેશની નજરમાં રાણાભાઈનો ગળામાં પહેરેલો ચેઈન ચઢી ગયો હતો અને તેણે પોતાની પૈસાની તંગી દુર કરવા શબરીબેનનો અને પોતાના ભાઈ હિતેષ મનસુખભાઈનો સાથ મેળવ્યો હતો. પોતાના મગજમાં જન્મેલા શયતાની વિચારને અમલમાં મુકવા મહેશે જુદાજુદા તુક્કા લગાવ્યા હતાં. જેમાં સફળતા ન મળતા તેણે શબરીબેનને સાથે રાખી કાવતરૃ રચ્યું હતું અને બંન્ને વ્યક્તિએ રાણાભાઈનો ચેઈન હસ્તગત કરી લેવા તેને મોતને ઘાટ ઉતારી દેવા સુધીનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

ઉપરોકત ત્રણેય વ્યક્તિના ઈરાદાથી બેખબર રાણાભાઈને મળવા માટે શબરીબેને ઘેર બોલાવ્યા પછી ઘેર આવેલા રાણાભાઈને અગાઉથી જ ઘરમાં છૂપાઈને રહેલાં મહેશે માથામાં પીત્તળનો કળશીયો ઝીંક્યો હતો. અચાનક થયેલા વારથી હેબતાયા પછી અર્ધબેહોશ જેવા બની ગયેલા રાણાભાઈને મહેશ તેમજ શબરી અને હિતેષ મનસુખભાઈએ દોરડા વડે ગળાટુંપો આપી તેની હત્યા કરી નાખી હતી. ત્યાર પછી રાણાભાઈના ગળામાંથી ઉપરોકત વ્યક્તિઓએ રૃા. ૧ લાખ ૨૦ હજારની કિંમતનો ચેઈન કાઢી લીધો હતો અને મૃતદેહને સગેવગે કરવાનો પ્રયાસ શરૃ કર્યો હતો.

મહેશ તથા હિતેષે પોતાના પર કોઈને શંકા ન પડે તે માટે મૃતકના હાથપગ દોરડા વડે બાંધ્યા પછી મૃતદેહને બનાવના સ્થળથી દૂર મુકી આવવાનું નક્કી કરી મૃતદેહને મોટરસાયકલ પર મુકી ખેતર તરફ જવાના રસ્તે વાહન હંકાર્યું હતું. જયાં રસ્તામાં કુવો આવતા મૃતદેહને કુવામાં નાખી દઈ પૂરાવાનો નાશ કરી નાખ્યો હતો અને પછી  બંન્ને વ્યક્તિ ઘેર ચાલ્યા ગયા હતાં પરંતુ પોલીસની સઘન તપાસમાં ઉપરોકત ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસે જશુબેન રાણાભાઈ સાદીયાની ફરિયાદ પરથી ત્રણેય સામે આઈપીસી ૩૦૨, ૩૯૪, ૧૨૦(બી), ૨૦૧, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધ શરૃ કરી છે. આરોપીઓ સાંજ સુધીમાં પોલીસના સકંજામાં આવી જશે તેમ જણાઈ રહ્યું છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit