સબરીમાલા કેસની સુપ્રિમ કોર્ટના નવ જજોની ખંડપીઠની સુનાવણી

નવી દિલ્હી તા. ૧૩ઃ આજે સુપ્રિમ કોર્ટની નવ જજોની ખંડપીઠ સબરીમાલા મુદ્દે પાંચ જજોની ખંડપીઠે આપેલા ચૂકાદા સામે થયેલી પુનર્વિચારણા અરજીની સુનાવણી કરશે.

સુપ્રિમ કોર્ટની નવ ન્યાયમૂર્તિની બનેલી ખંડપીઠ સોમવારે કેરળના સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશ તેમજ મુસ્લિમ અને પારસી મહિલાઓ સાથે થતા ભેદભાવને લગતા કેસ પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડે ખંડપીઠની અધ્યક્ષતા કરશે.

આ ખંડપીઠમાં અન્ય ન્યાયમૂર્તિઓમાં આર. ભાનુમતિ, અશોક ભૂષણ,  નાગેશ્વર રાવ, એમ.એમ. શાંતનાગૌદર, એસ.એ. નાઝીર, આર. સુભાષ રેડ્ડી, બી.આર. ગવઈ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ જજોની બનેલી ખંડપીઠે આ વિષયમાં ૩-ર થી ચૂકાદો આપ્યો હતો. ત્યારપછી નવ જજોની બનેલી ખંડપીઠની રચના કરવામાં આવી હતી. ર૮ મી સપ્ટેમ્બર ર૦૧૮ ના ઐતિહાસિક ચૂકાદા સામે દાખલ પુનઃવિચાર અરજીને ધ્યાનમાં લઈ મોટી ખંડપીઠને ચૂકાદો આપવા કેસ સોંપવામાં આવ્યો હતો. આ ચૂકાદામાં સુપ્રિમ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ માટે મંજુરી આપી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, કેરળના સબરીમાલા મંદિરમાં ૧૦ વર્ષથી પ૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. ખાસ કરીને ૧પ વર્ષથી ઉપરની છોકરીઓ અને મહિલાઓ આ મંદિરમાં જઈ શકતી નથી. અહીં ફક્ત નાની છોકરીઓ અને વૃદ્ધ મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવે છે. તેની પાછળની માન્યતા એવી છે કે ભગવાન અયપ્પા બ્રહ્મચારી હતાં, ત્યારે યુવા છોકરીઓ અને મહિલાઓને મંદિરમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. સબરીમાલા મંદિરમાં પ્રત્યેક વર્ષ નવેમ્બરથી જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુઓ અયપ્પા ભગવાનના દર્શન માટે જાય છે. વર્ષના બાકીના સમયમાં આ મંદિર ભક્તો માટે બંધ રહે છે. ભગવાન અયપ્પાના ભક્તો માટે મકર સંક્રાંતિનો દિવસ ખાસ હોય છે. માટે તે દિવસે સૌથી વધારે ભક્તો મંદિર જાય છે.

close
Ank Bandh
close
PPE Kit