મહાનગરોમાં ભાજપનો દબદબોઃ છ મહાપાલિકાઓમાં ફરી વિજય ભણી

સવારથી શરૃ થઈ મતગણતરીઃ બપોરે દેખાયો વિજ્યોલ્લાસઃ ચૂસ્ત બંદોબસ્તઃ સુદૃઢ વ્યવસ્થા

અમદાવાદ તા. ર૩ઃ આજે સવારથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને સુદૃઢ વ્યવસ્થાઓ સાથે મતગણતરી શરૃ થઈ હતી અને બપોર સુધીના ટ્રેન્ડ તથા વિજયના પરિણામો જોતા તમામ ૬ મનપામાં ભાજપનો દબદબો જળવાઈ રહેલો જણાય છે, જો કે આમ આદમી પાર્ટી, બસપા, એઆઈએમઆઈએમ વગેરે પાર્ટીઓએ પણ હાજરી નોંધાવી છે, પરંતુ મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ અને ભાજપ સાથે જ રહી છે.

ગુજરાતની ૬ મહાનગર-પાલિકાઓની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. સવારે ગણતરી શરૃ થઈ, ત્યારે ભાજપ સામે કોંગ્રેસ તથા આપ સ્પર્ધામાં જણાયા, પરંતુ પછી ભાજપ આગળ નીકળી ગયું હતું. બપોરે આવી રહેલા ટ્રેન્ડ તથા વિજયના પરિણામો જોતા ફરીથી તમામ મનપામાં કમળ ખિલી રહ્યું છે અને ભાજપનો દબદબો યથાવત્ રહેલો જણાયો.

જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત સહિત ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ૭પ બેઠકોની ચૂંટણીમાં આજે સવારથી મતગણતરી ચાલી રહી છે. ૧૩,૯૪૬ ઈવીએમ મશીનમાં ભાજપ, કોંગ્રેસ સહિતના રર૭૬ ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થઈ જશે. કોરોના મહામારીને કારણે આ વખતે મતગણતરીની વ્યવસ્થાઓ પણ બદલાઈ છે. કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનો અમલ થઈ રહ્યો હોવાથી પોસ્ટલ સર્વિસ બેલેટ પેપરની ગણતરી માટે કાઉન્ટીંગ સેન્ટરમાં અલાયદી વ્યવસ્થા થઈ છે. કોરોનાને કારણે પહેલી વખત કાઉન્ટીંગ સેન્ટરમાં ભીડ ટાળવા ઉમેદવારો અને તેમના એજન્ટોને પ્રવેશ માટે સમય ફાળવાયો છે. અમદાવાદમાં ગુજરાત કોલેજમાં આવેલા મતગણતરી કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દૃશ્યો જોવા મળ્યા હતાં.

મહાનગરોમાં સારા પરિણામોને જોતા ભાજપ જીતનો જશ્ન મનાવશે અને આ જશ્નમાં સીએમ રૃપાણી હાજર રહે તેવી સંભાવના છે. અમદાવાદ ખાનપુર કાર્યાલયમાં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

બપોરે સુધીમાં આવી રહેલા લીડ (સરસાઈા ના આંકડા જોતા તમામ ૬ મનપામાં ભાજપનો વિજય થશે તેમ જણાતું હતું. હવે વિજેતાઓની જાહેરાત થઈ રહી છે અને પરિણામો આવી રહ્યા છે. તમામ મહાનગરોમાં ભાજપનું શાસન પૂનઃ સ્થાપિત થવા જઈ રહ્યું છે.

બપોરે એક વાગ્યાના સુમારે આવી રહેલા પરિણામો મુજબ અમદાવાદમાં ૧૯ર માંથી ભાજપને ૭૦, કોંગ્રેસને ૧૧ અને અન્યને ર બેઠકો મળી છે, જ્યારે બીજી બેઠકોની ગણતરી ચાલી રહી છે. જામનગરની ૬૪ માંથી ૩ર ના પરિણામો આવ્યા છે, જેમાંથી ભાજપને ર૪, કોંગ્રેસને પ અને અન્યોને ૩ બેઠકો મળી છે.

ભાવનગરમાં બાવનમાંથી ર૯ બેઠકોના પરિણામો આવ્યા છે, જેમાંથી ભાજપને ર૦ અને કોંગ્રેસને ૯ બેઠકો મળી છે. સુરતમાં ૧ર૦ માંથી ૭૪ બેઠકોના પરિણામો આવ્યા છે, જેમાં ભાજપને ૪૬, કોંગ્રેસને ૧૦ અને આમ આદમી પાર્ટીને ૧૮ બેઠકો મળી છે.

વડોદરામાં ૭૬ માંથી ર૮ ના પરિણામો આવ્યા છે, જેમાંથી ભાજપને ર૧ અને કોંગ્રેસને ૭ બેઠકો મળી છે, જ્યારે રાજકોટમાં ૭ર માંથી ૩ર ના પરિણામો આવ્યા છે, તે તમામ ૩ર બેઠકો ભાજપના ફાળે ગઈ છે.

આ લખાય છે, ત્યારે મતગણતરી ચાલી રહી છે અને ધીમે ધીમે પરિણામો આવી રહ્યા છે. જેનું અંતિમ ચિત્ર દર્શાવતું કોષ્ટક અલગથી પ્રસિદ્ધ કરાયું છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit