રાજ્યસભા બપોર સુધી સ્થગિતઃ કોંગ્રેસનું લોકસભામાંથી વોક આઉટ

નવી દિલ્હી તા. ૧૯ઃ શિયાળું સત્રના બીજા દિવસે સવાર થી જ સંસદના બન્ને ગૃહોમાં વિવિધ મુદ્દે હોબાળો થયો હતો જેથી રાજયસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત થઈ ગઈ હતી, જ્યારે કોંગ્રેસે લોકસભામાંથી વોક આઉટ કર્યું છે.

શિયાળું સત્રના બીજા દિવસે આજે સંસદમાં ખેડૂતોની આવક, કાશ્મીરમાં નેતાઓની ધરપકડ અને જેએનયુના મુદ્દે હોબાળો થયો હતો. ત્યાર પછી રાજયસભાની કાર્યવાહી બપોરે રે વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. વિપક્ષે ખેડૂતોની આવક અંગે લોકસભામાં તાનાશાહી બંધ કરોના નારા લગાવ્યા હતાં. તો બીજી બાજુ લોકસભામાં વાયુ પ્રદુષણ, ક્લાઈમેટ ચેન્જ અને ચિટફંડ સંશોધન બિલ પર પણ ચર્ચા થઈ છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી અને બીજેડી સાંસદ પિનાક મિશ્રા બપોર પછી પ્રદુષણનો મુદ્દો ઉઠાવશે.

પશ્ચિમ બંગાળના જાદવપુરથી સાંસદ મિમી ચક્રવર્તીએ સ્ટ્રીટ ડોગ્સનો મુદ્દો ઉઠાવ્યો છે, તેમણે કહ્યું કે મારી સરકારને અપીલ છે કે પશુ અત્યાચાર વિરૃદ્ધ કડક કાયદો બનાવશે.

અરૃણાચલ પૂર્વથી ભાજપ સાંસદ તાપિર ગાવે કહ્યું કે, ચીન અમારા નેતાઓના પ્રવાસ પર ઓબ્ઝર્વેશન કરે છે. ઘણા વિસ્તારો પર ચીનનો કબ્જો છે. હવે જો બીજે ક્યાંય ડોકલામ હશે તો તે અરૃણાચલ હશે. જો પાકિસ્તાનનો મુદ્દો હોય તો ચર્ચા થાય છે. પણ ચીન આપણી જમીન પર કબ્જો કરી રહ્યું છે અને તેની ક્યાંય પણ ચર્ચા નથી થતી. અરૃણાચલને બીજું ડોકલામ ન બનવા દેશો એ જ મારી અપીલ છે.

ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવવાના મુદ્દે કોંગ્રેસના સાંસદોએ લોકસભામાંથી વોક આઉટ કર્યું હતું, ત્યારે ભારે સુત્રોચ્ચાર થયા હતાં.

ધનબાદથી ભાજપ સાંસદ પશુપતિનાથ સિંહે કહ્યું કે, ધનબાદને દેશના કોલસાના પાટનગર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં ઘણાં બધા ઈન્સ્ટિટ્યૂટ છે. કોલકતા અને રાંચી બાદ વેપારની સ્થિતિ કરતા પણ તે મોટો વિસ્તાર છે ત્યાં એરપોર્ટ ન હોવાના કારણે મુશ્કેલી પડે છે. સરકારને અપીલ કરૃ છું કે ત્યાં એરપોર્ટ શરૃ કરવામાં આવે.

ઝારખંડના ગોડ્ડાથી ભાજપ સાંસદ નિશિકાન્ત દુબેએ કહ્યું કે, મારો વિસ્તાર સાઈબર ક્રાઈમનું પાટનગર બની ગયો છે. હું તમને અપીલ કરૃં છું કે, જે પાર્ટી આતંકવાદ અને નકસલવાદને પ્રોત્સાહન આપી રહી છે તેની પર સકાર શ્વેત પત્ર લાવે અને જણાવે કે તેઓ કાણે છે. હું ઈચ્છું છું કે ઝારખંડમાં સાઈબર ક્રાઈમને અટકાવવા માટે એનઆઈએની એક ઓફિસ ખોલવામાં આવે.

મહારાષ્ટ્રના દિડોરીથી ભાજપ સાંસદ ડો. ભારતી પ્રવીણ પવારે દ્રાક્ષના ખેડૂતોનો મુદ્દો અને તેમની લગતી સમસ્યાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, વેધર સ્ટેશન ઘણી બધી જગ્યાઓએ નથી હોતા આ જ કારણે દૂરના વિસ્તારોમાં રહેતાં ખેડૂતોના નુકસાન અંગેનું મૂલ્યાંકન યોગ્ય રીતે થઈ શકતું નથી. આ જ કારણે વીમા કંપની ત્યાં જઈને મૂલ્યાંકન કરે. આ સાથે જ તેમણે કહ્યું કે, અતિવૃષ્ટિથી હેરાન થયેલા ખેડૂતોને ટૂંક સમયમાં તેમનું વળતર આપવામાં આવે.

મહારાષ્ટ્રના બુલઢાનાના શિવસેના સાંસદ પ્રતાપરાવ જાધવે ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટ ઓફિસમાં લોકોનું ખાતું ખોલાવવા અને યોજનાએાના પૈસા પોસ્ટ ઓફિસમાં મોકલવાની અપીલ કરી છે. તમેણે કહ્યું કે, રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઘણી મુશ્કેલી આવી  રહી છે અને બેંકોની વ્યસ્તતા પણ વધી રહી છે. જો આવું કરવામાં આવશે તો પોસ્ટ ઓફિસની સ્થિતિ પણ સુધરશે.

પશ્ચિમ બંગાળના જયનગરથી સાંસદ પ્રતિમા મંડલે થર્ડ જેન્ડર માટે સેપરેટ પબ્લિક ટોયલેટ ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, પબ્લિક ટોયલેટ જરૃરી વસ્તુ છે. પરંતુ ટ્રાન્સજેન્ડર અને થર્ડ જેન્ડર માટે મુશ્કેલીરૃપ છે. પુરૃષ અને મહિલા માટે તો પબ્લિક ટોયલેટ છે પણ તેમના માટે અલગથી નથી.

ગોરખપુરથી ભાજપ સાંસદ રવિ કિશને કહ્યું કે, જે લોકો આજે અહીંયા વિરોધ કરી રહ્યાં છે. તે લોકો બહાર ખેડૂતોના હિતની વાતો કરે છે જ્યારે વાસ્તવિકતા તો એ છે કે, આ લોકોએ જ ખેડૂતોને ખતમ કરી દીધા છે. અમે ગોરખપુરમાં ખાંડ ખાવાનું શરૃ કર્યુ હતું. હું ખેડૂતનો દીકરો છું. અને ખેતી સાથે જ મોટો થયો છું. દેશ સાથે આ લોકો શું કરવા માંગે છે મને નથી ખબર, યોગીજીને ધન્યવાદ આપવા માંગુ છું કે તેમણે ઘણી બધી ખાંડની મીલો શરૃ કરી. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરૃષોત્તમ રૃપાલાએ કહ્યું કે, શેરડીના ખેડૂતોને ચૂકવણી થાય એ અમારો પણ પ્રયાસ રહે છે. તાત્કાલિક ચૂકવણી થાય એવી સરકાર પણ આશા રાખે છે. યુપી સરકાર સાથે બેસીને અમે ઉપાય શોધવાનો પ્રયાસ કરીશું.

લોકસભા અધ્યક્ષે વિપક્ષી લોકોને સમજાવવા માટે ફરી એક પ્રયાસ કર્યો અને કહ્યું કે, ખેડૂતો સંબંધિત પ્રશ્ન ચાલી રહ્યો છે. ચર્ચા ચાલવા દો, પણ તેમ છતાં પણ વિપક્ષે નારાબાજી બંધ ન કરી તો, લોકસભા અધ્યક્ષે વિપક્ષને ચેતવણી આપતા કહ્યું કે, પહેલા પરંપરા હશે વેલમાં આવીને આસન સાથે વાત કરવાની પણ હવે નથી. આગળથી આવું ન કરતા નહીં તો મારે કાર્યવાહી કરવી પડશે.

કૃષિમંત્રીએ કહ્યું જૈવિક ખેતી વધારવા માટે ઘણી યોજનાઓ છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે, ભારત સરકાર જૈવિક ખેતીની પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જો આપણે ર૦રર સુધી ખેડૂતોની આવક બમણી કરવી હોય તો આપણે ઘણી વસ્તુઓ એક સાથે જ ચલાવવી પડશે.

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, ગૃહમાં ખેડૂતો સાથે જોડાયેલી સમસ્યાઓ પર ચર્ચા થઈ રહી છે તેવા સમયે જ વિપક્ષ નારાબાજી કરી રહ્યો છે. આ સાથે જ તેમણે વિપક્ષની નારાબાજી બંધ કરાવવાની અપીલ કરી હતી. જેથી ચર્ચામાં દરેક સામેલ થઈ શકે.

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ પરાળને ખેતરમાં જ નષ્ટ કરવાના ઉપાયો વિશે જણાવ્યું હતું. આ સાથે જ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપનારી ઘણી કૃષિ યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જૈવિક ખેતીની યોજનાઓનો લાભ ૧પ લાખ ખેડૂતોને મળ્યો છે. જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અમારી સરકાર સતત પ્રયાસ કરી રહી છે.

close
Ank Bandh
close
PPE Kit