રાજકોટ, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એકથી અઢી ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન

જામનગર તા. ૩૦ઃ સૌરાષ્ટ્રમાં ગઈકાલથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં એકથી અઢી ઈંચ જેવો વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે. જ્યારે હાલારમાં આજે સવારથી કાળા ડીબાંગ વાદળો છવાયા છે, ભારે બફારો છે, પણ વરસાદ મનમૂકીને વરસતો નથી. જો કે, ક્યાંક છૂટો છવાયો વરસાદ કે બે-પાંચ મિનિટના ઝાંપટા પડ્યા છે.

રાજકોટ શહેરમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગોંડલમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ પડતા ચારે તરફ પાણી-પાણી થઈ ગયા હતાં. અમરેલી જિલ્લાના લાઠી, રાજુલા, જાફરાબાદમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં ગોંડલ ઉપરાંત જામકંડોરણામાં એક ઈંચ, લોધીકામાં અડધો ઈંચ, જેતપુરમાં અડધા ઈંચ ચોટીલા તથા  કોટડા સાંગાણીમાં પણ અડધા ઈંચ જેવો વરસાદ પડ્યો છે.

જુનાગઢ તથા ગીર સોમનાથ પંથકમાં માણાવદરમાં એક ઈંચ, કેશોદમાં એક ઈંચ, વંથલીમાં એક ઈંચ, તાલાલામાં એક ઈંચ, મેંદરડામાં અડધો ઈંચ તેમજ જુનાગઢ શહેરમાં અડધા ઈંચ જેવો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ગુજરાતના તેર જિલ્લાઓના વિવિધ તાલુકા પંથકમાં એકથી બે ઈંચ જેવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તા. ર૯મી જૂનથી ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે વરસાદ શરૃ થયો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit