મારામારીના કેસમાં પંચ તરીકે રહેલા યુવાન પર ત્રણ શખ્સ તૂટી પડ્યા

જામનગર તા. ૩૦ઃ જામનગરના એક યુવાનને મારામારીના કેસમાં પંચ તરીકે રહેવાનું ભારે પડ્યું છે. આ યુવાનને ગઈકાલે રાત્રે ત્રણ શખ્સે ધોકાવી નાખ્યો હતો જ્યારે બેડેશ્વરમાં એક યુવાન પર ધોકાવાળી કરવામાં આવી હતી.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૪૫માંથી ગઈકાલે રાત્રે પસાર થતા જયેશ લક્ષ્મણભાઈ પીલ્લે નામના પરપ્રાંતીય યુવાનને શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસે રહેતા ઈમલા, સાહુડો ઉર્ફે બાઠીયો, જાવલો ઉર્ફે મીંડી નામના ત્રણ શખ્સોએ રોકી લીધા હતાં.

ઉપરોક્ત ત્રણેય શખ્સે જયેશભાઈને ગાળો ભાંડી પાઈપ તથા મુંઠ વડે હુમલો કર્યો હતો. જેમાં જયેશને દાઢીમાં ઈજા પહોંચી હતી. હુમલો કરી ત્રણેય શખ્સો પલાયન થઈ ગયા હતાં. સારવાર માટે ખસેડાયેલા જયેશે આજે વહેલી સવારે ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેણે જણાવ્યા મુજબ સુભાષપરાની શેરી નં. ૧માં ઉપરોક્ત આરોપીઓ પૈકીના ઈમલા તથા બાઠીયા સામે મારામારી કરવા અંગે ફરિયાદ થઈ હતી. જેમાં જયેશભાઈ પીલ્લે પંચ તરીકે સાક્ષીમાં રહ્યા હતાં. તે બાબતનો ખાર રાખી હુમલો કરાયો હતો.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી ગઈકાલે બપોરે પસાર થતા મુઝાહીદ રફીકભાઈ સુમારીયા નામના વાઘેર યુવાનને બેડેશ્વરના જ રહેવાસી હુસેન અનસારી અને સકુલ અનસારી નામના બે શખ્સે રોકી ધોકા, ઢીકાપાટુ વડે હુમલો કરી માર માર્યો હતો. સુભાષ શાકમાર્કેટ નજીકના વાઘેરવાડામાં રહેતા મુઝાહીદના પિતા રફીકભાઈ સાથે અગાઉ બેડેશ્વરના સકુલ અનસારીને બોલાચાલી થઈ હતી. તેનો તેમજ સકુલના પરિવારના એક મહિલા સાથે અગાઉ પ્રેમસંબંધ હોય તેનો પણ ખાર રાખી હુમલો કરાયાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. પોલીસે બન્ને હુમલાખોરની શોધ શરૃ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit