કોરોનાએ ફરી ચપેટમાં લેતા હવે ગુજરાતમાં પણ તકેદારીના પગલાં વધારાયા... ઈચ્છો ત્યારે સવાર!?

ચૂંટણી ટાણે જ કેસોમાં ઘટાડો કેમ થઈ જાય છે?ઃ હાઈકોર્ટની ટકોર સમજો...

અમદાવાદ તા. ૨૩ઃ એક કહેવત છે કે 'જાગ્યા ત્યારથી સવાર', પરંતુ ગુજરાતમાં કોરોનાના કેસો તથા સંક્રમણની દૃષ્ટિએ એવું કહી શકાય કે 'ઈચ્છો ત્યારે સવાર!'

આવું એટલા માટે લખવું પડે છે કે, ૬ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂરી થઈ ત્યારે હવે રાજ્યમાં કોરોનાને લઈને કેટલાક કદમ ઝડપભેર ઊઠાવાઈ રહ્યા છે, કારણ કે રાજ્યમાં કોરોનાના કેસો અને સંક્રમણ ફરીથી વધવા લાગ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સાથે સાથે જ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર ફરી વધવા લાગ્યો છે અને કેસો વધવા લાગ્યા છે, પરંતુ ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી હોવાથી કદાચ તંત્રો 'લિબરલ' રહ્યા હશે!

હવે ગુજરાતમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફથી આવતા લોકોનું રાજ્યોની સરહદ પર સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ અમદાવાદમાં બંધ કરી દેવાયેલા કોરોનાના ટેસ્ટીંગની વ્યવસ્થા ધરાવતા ડોમ ફરી શરૃ કરી દેવાયા છે. આનુ કારણ એ છે કે કોરોનાના સંક્રમણમાં ફરી વધારો થવા લાગ્યો છે. મહારાષ્ટ્રમાં પાંચ મંત્રીઓ (પ્રધાનો) અને ઘણા ધારાસભ્યો (પક્ષાપક્ષી વગર) કોરોનાની ચપેટમાં આવી ગયા છે. મધ્યપ્રદેશમાં પણ અચાનક કેસો વધવા લાગ્યા છે. આ બધા કારણોસર ગુજરાતનું તંત્ર સફાળુ જાગ્યું છે!

ગઈકાલે ગુજરાતમાં નવા કેસોનો આંકડો ૩૦૦ ને વટાવી ગયો, તે પછી તંત્રોમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યમાં કોરોનાના ગઈકાલના આંકડા જોઈએ તો ગઈકાલ સુધીમાં કોરોનાના કુલ કેસનો આંકડો ર,૬૭,૪૧૯ સુધી પહોંચ્યો હતો, જ્યારે મૃતાંક ૪૪૦૬ થયો છે, જો કે ગઈકાલ સુધીમાં ર,૬૧,ર૮૧ દર્દીઓ સાજા પણ થઈ ગયા છે.

રાજ્યમાં છેલ્લા એક પખવાડિયામાં સંક્રમણ વધવા લાગ્યું. અમદાવાદમાં ૬૩ ટકા, સુરતમાં ૧૦૮ ટકા, રાજકોટમાં બે દિવસમાં જ ૯૦ ટકા કેસો વધી ગયા હતાં, જ્યારે વડોદરામાં છેલ્લા એક અઠવાડિયામાં ત્રણગણા કેસો નોંધાયા હતાં.

હવે તંત્રો દોડાદોડી કરવા લાગ્યા છે. મેગાસિટીઝ મ્હાનગરો) માં કોરોનાને લઈને તકેદારીના કડક પગલાં ફરીથી વાસ્તવિક રીતે અમલમાં મૂકાઈ રહ્યા છે અને ચૂંટણી સમયે 'લિબરલ' થયેલા તંત્રો હવે ફરીથી દંડો લઈને દંડ ફટકારવાની ઝડપ અનેકગણી વધારી દેશે!

ચૂંટણીના પ્રચાર દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક વગરના ચહેરા રોજીંદા દૃશ્યો બની ગયા હતાં, પરંતુ તે સમયે 'ધૃતરાષ્ટ્ર' બની ગયેલા તંત્રોને હવે ફરીથી 'સંજય દૃષ્ટિ' આવી જશે અને સામાન્ય લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની શીખામણોના ઘોડાપૂર આવશે. એટલું જ નહીં, હજાર રૃપિયાવાળા મેમા પણ કદાચ મોટી સંખ્યામાં ફાટશે.

જો કે, જે નગર પાલિકાઓની ચૂંટણી ર૮ મી ફેબ્રુઆરીના દિવસે થવાની છે, ત્યાં પૂરજોશમાં ચાલી રહેલા પ્રચાર દરમિયાન ધૃતરાષ્ટ્રની જેમ તંત્રો હમણા થોડા 'લિબરલ' રહેશે, તેવું અનુભવે અનુમાન લગાવી શકાય ખરૃ!

લોકોમાં એવું કુતૂહલ સર્જાયો છે કે, કોરોનાના વાઈરસના જુના અને નવા સ્ટ્રેનોએ પણ કદાચ ચૂંટણી સમયે 'આચારસંહિતા' બનાવી હોવી જોઈએ, જેમાં ફેલાવા પર સ્વયંભૂ અંકુશ રાખી શકાય. આ કારણે જ કટાક્ષમાં કહી શકાય કે ચૂંટણી ટાણે જ સંક્રમણ ઘટી જાય છે, તે કદાચ કોવિડ-૧૯ વાઈરસની આ સ્વયંભૂ આચારસંહિતાના કારણે જ હશે!

ઘણાં લોકો એવો સવાલ ઊઠાવી પણ રહ્યા છે કે, કોરોનાનું સંક્રમણ મોટાભાગે ચૂંટણી ટાણે જ કેમ ઘટી જતું હશે? જુદી જુદી ચૂંટણીઓ સમયે જ કોરોનાના કેસોની સંખ્યા મોટાભાગના સ્થળે કેમ ઘટી જતી હશે!

ગુજરાત હાઈકોર્ટે પણ એક કેસની સુનાવણી દરમિયાન ટકોર કરી છે કે પાલિકા-પંચાયતોની ચૂંટણીઓ દરમિયાન બેદરકારીના કારણે આપણે ફરી લોકડાઉન તરફ ધકેલાઈ રહ્યા છીએ?

મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં કડક પ્રતિબંધો મૂકાયા છે, જ્યારે કેટલાક શહેરોમાં આંશિક લોકડાઉન પણ લગાવી દેવાયું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટૂંક સમયમાં સંપૂર્ણ લોકડાઉનના સંકેતો પણ આપ્યા છે. ગુજરાતમાં ખુદ મુખ્યમંત્રી કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતાં અને મહારાષ્ટ્રમાં પણ કેટલાક મંત્રીઓને કોરોનાનું સંક્રમણ થયું છે.

મહારાષ્ટ્ર સરકારે લીધેલા કડક કદમ અને લોકોના જીવ બચાવવા જરૃર પડ્યે લોકડાઉનની તૈયારી કરી, તેને ટીકાકારો અને વિશ્લેષકો મોડેથી કરાયેલી કાર્યવાહી ગણાવતા કહે છે કે, 'જાગ્યા ત્યારથી સવાર'... જ્યારે ગુજરાતમાં મનપાની ચૂંટણી પૂરી થવાની રાહ જોવામાં આવી અને છેક હવે તંત્રો સફાળા જાગ્યા છે, તેના માટે ટીકાકારો કટાક્ષ કરતા કહી રહ્યા છે કે, 'ગુજરાતમાં તો ઈચ્છો ત્યારે જ થાય સવાર!'

close
Ank Bandh 29 March
close
PPE Kit