મયુરપાર્કમાં ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયા પછી સર્જાયુ આગનું છમકલું

પાર્કીંગના સ્થળે તણખા ઉડતા મચી દોડધામઃ

જામનગર તા. ૩૦ઃ જામનગરના મેહુલ સિનેમેક્સ પાછળ આવેલા મયુર પાર્ક સ્થિત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં વીજ પુરવઠો ખોરવાઈ જવાતા તેમાંથી ઉડેલા તણખા બાજુમાં આવેલા એક ટ્રાવેલ્સના પાર્કીંગના સ્થળે ઉડીને પડતા આગનું છમકલું થયું હતું.

જામનગરના સમર્પણ સર્કલથી મેહુલ સિનેમા વચ્ચેના માર્ગ ઉપર પાછળ આવેલા મયુર પાર્ક નજીકના વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આજે બપોરે કોઈ કારણસર જોરદાર ધડાકો થતાં તેમાંથી તણખા ઉડ્યા હતાં. તે તણખા બાજુમાં જ આવેલા હરસિદ્ધિ ટ્રાવેલ્સ નામની ખાનગી પેઢીના બસ પાર્કીંગના વાડામાં પડતા આગનું છમકલું થયું હતું.

તણખા પડવાના કારણે તે વાડામાં પડેલા કેટલાક માલ-સામાનમાં આગ લાગી હતી જેની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ધસી આવ્યો હતો. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને તાત્કાલીક કાબુમાં લઈ લીધી હતી. આગના કારણે થયેલી નુકસાનીનો અંદાજ મળવા પામ્યો નથી. અચાનક જ આ વિસ્તારમાં જોરદાર ધડાકો સંભળાયા પછી સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તણખાના કારણે આગનું છમકલું થતા આકાશમાં ધુમાડાના ગોટા વચ્ચે ફાયર બ્રિગેડે અગ્નિશમન શરૃ કર્યું હતું અને આવી ગયેલી વીજ કંપનીની ટુકડીએ પણ વીજળી પૂર્વવત કરવા જહેમત શરૃ કરી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit