ખંભાળિયા તા. ૨૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ બીજો ગુન્હો નોંધાવા પામ્યો છે. ઓખાના પોલીસ સ્ટેશનમાં માછીમારી મંડળીએ ગેરકાયદે દબાણ કરી જેટીનું બાંધકામ કર્યાની વિગત ખુલ્યા પછી સર્કલ ઈન્સ.એ વિધિવત ફરિયાદ નોંધાવી છે.
દેવભૂમિ દ્વારકાના ઓખામાં આવેલી સાગર માછીમારી સહકારી મંડળીના પ્રમુખ ઈશાક સંઘાર તથા દાઉદ અબ્દુલ ચાવડા સામે સરકારી જમીન તથા સાર્વજનિક રસ્તા પર દબાણ કરી લેવા અંગે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
ઓખામરીન પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે નોંધાયેલા આ ગુન્હાની પ્રાપ્ય વિગત મુજબ ઓખામંડળના ઇન્ચાર્જ સર્કલ ઈન્સ. આર.કે. વસાવાએ આ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ ઓખાના સાગરખેડુ ફીશરમેન એસો. દ્વારા સાગર માછીમારી સહકારી મંડળીના પ્રમુખ વગેરેએ સરકારી જગ્યા પચાવ્યાની વિગત પરથી સર્કલ ઈન્સ. સ્થળ પંચનામા માટે પહોંચ્યા હતાં.
તેઓએ આ સ્થળે ૩૫૦૦ ફૂટમાં કરાયેલું બાંધકામ નિહાળ્યું હતું ત્યાં ૫૦-૫૦ ફૂટની લાંબી ગજીયા પથ્થરની દીવાલો કરી લેવામાં આવી હોવાનું નિહાળ્યા પછી આ દબાણ સાગર સહકારી માછીમારી મંડળીએ કર્યું હોવાનું જણાઈ આવતા ઉપરોકત ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે લેન્ડ ગ્રેબીંગ એકટની કલમ ૫(૮) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જિલ્લા પોલીસવડા સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ અને ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના વડપણ હેઠળ ઓખાના પીએસઆઈ મુુંધવાએ તપાસ આદરી છે. અગાઉ ભાણવડમાં લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો નોંધાયા પછી ગઈકાલે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો, આ એકટ હેઠળ બીજો ગુન્હો નોંધાયો છે.