જિલ્લા કલેક્ટર ડો. મીના તથા પ્રાંત અધિકારી ભેટારિયાને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાનો એવોર્ડ એનાયત

ખંભાળિયા તા. રરઃ લોકશાહીમાં મતદારો જ સર્વોપરી છે. દેશમાં ચૂંટણીને લોકશાહીના પર્વ ગણવામાં આવે છે. મતદારો મતદાન કરે અને પાત્રતા ધરાવતા મતદારોની નોંધણી થાય, મતદાર જાગૃત થાય તે તંદુરસ્ત લોકશાહીની પાયાની જરૃરિયાત છે.

ભારતમાં ચૂંટણીપંચ દ્વારા સમયાંતરે મતદારયાદી સુધારણા કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને મતદારો માટે ઈ-ઈપીક કાર્ડથી શરૃ કરીને વિવિધ કામગીરી ઓનલાઈન સરળતા/સગવડતાભરી કરવામાં આવી છે.

વાત છે દેવભૂમિ દ્વારકા જિલાની. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી સુધારણા અભિયાનની સર્વેશ્રેષ્ઠ કામગીરી કરવામાં આવતા મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાને તથા રાજ્યમાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે દ્વારકા વિધાનસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારી નિહાર ભેટારિયાને એવોર્ડ મળતા મતદારયાદી સુધારણા કામગીરીમાં રોકાયેલા સર્વે સ્ટાફમાં આનંદની લાગણી પ્રસરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અન્વયે કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ રેકોર્ડબ્રેક ર૬,૬૭પ ફોર્મ ભરાયા હતાં અને જિલ્લામાં ર૩,૮૧૬ થી વધુ મતદારો ઉમેરાયા હતાં. ચાર રવિવારથી ચાલતી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત અંતિમ રવિવારે જિલ્લાના ૬પ૭ મતદાન મથકો પર બીએલઓ પાસે જઈ મોટી સંખ્યામાં લોકોએ મતદાર યાદીમાં પોતાના નામ-સરનામામાં ફેરફાર તેમજ નવયુવાન મતદારોએ પોતાના નામ ઉમેરવા કાર્યવાહી કરી હતી. રેકોર્ડબ્રેક કુલ ૩૬,૬૭પ ફોર્મસ મેળવવામાં આવેલ હતાં જેમાં ૮૧-ખંભાળિયામાં ૧૦,૮૬૦ ફોર્મસ તથા ૮ર-દ્વારકામાં ૧૩,૬૩૭ ફોર્મસ નામ ઉમેરવા માટે કુલ ર૪,૪૯૭ ફોર્મ મળેલા હતાં, જ્યારે ૮૧-ખંભાળિયામાં ૧૮૩૭ ફોર્મ તથા ૮ર-દ્વારકામાં ૩૪૭ર એમ કુલ પ૩૦૯ ફોર્મ નામ કમી કરવા માટે મળેલા હતાં. ૧૬૩૬ ફોર્મ ઓનલાઈન મળેલા હતાં. ફોર્મ નં. ૬ ના ર૩,૮૧૬ ફોર્મસ હળેલ જે પૈકી ૧૮-૧૯ વયજુથમાં ૧૦,૪૯૪ ફોર્મસ મળેલા હતાં. જે નવા મતદાર માટે મળેલ ફોર્મ નં. ૬ માં ૪પ ટકા થતા હતાં.

મતદારયાદી સુધારણા ઝુંબેશ અન્વયે મળેલ તમામ ફોર્મસના હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવેલ નવા નોંધાયેલા યુવા મતદારો આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

કોવિડ-૧૯ ની મહામારીને ધ્યાને લઈ રૃબરૃ સંપર્ક ઓછો થાય તે જરૃરી છે. આ પરિસ્થિતિમાં ટેકનોસેવી યુવા વર્ગ ઓનલાઈન પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ કરે તે આવશ્યક છે. જેથી જિલ્લામાં આવેલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા તેમના કુટુંબીજનોના મતદારયાદીમાં નામ ઉમેરવા સુધારો-વધારો કે કમી કરવા જરૃરી માર્ગદર્શન મળી રહે તે માટે આઠ જેટલા વેબિનાર યોજવામાં આવ્યા હતાં.

મતદાર સુધારણા કાર્યક્રમ અન્વયે મતદારો જાગૃત થાય તે માટે પોસ્ટરો લગાડવામાં આવ્યા. દ્વારકાધીશ મંદિર, બસ સ્ટેન્ડ તેમજ જાહેર સ્થળો, વિવિધ સરકારી કચેરીઓ તેમજ મતદાન મથકમાં બેનર લગાવી તેમજ માહિતી ખાતા દ્વારા અખબારી યાદીઓ મારફત પ્રસિદ્ધિ કરવામાં આવી.

ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા મતદારયાદી સાથે સંકળાયેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, સેક્ટર ઓફિસરો તેમજ બીએલઓ દ્વારા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ દ્વારા તેમજ સ્ટેટ્સમાં રાખીને મહત્તમ લોકો ખાસ કરીને યુવાનો સુધી જાણકારી પહોંચતી કરવામાં આવેલ છે. શિક્ષિત યુવાનો દ્વારા ઓનલાઈન ફોર્મસ ભરવા ઈલેક્શન કમિશનની વેબસાઈટ અને ઓનલાઈન વોટર પોર્ટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રપ મી જાન્યુઆરી ર૦ર૧ ના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી વર્ચ્યુઅલ કરવામાં આવી હતી જેને શાનદાર પ્રતિભાવ મળ્યો હતો.

ડિજિટલ ભારત અંતર્ગત હવે ચૂંટણીકાર્ડ પણ ડિજિટલ થયું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ-ર૦ર૧ માં નવા નોંધાયેલા યુવા મતદારો ડિજિટલ સ્વરૃપમાં પોતાના ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકે તે માટે રપ જાન્યુઆરી-ર૦ર૧ ના રાષ્ટ્રીય મતદાતા દિવસે ચૂંટણીપંચ દ્વારા ઈ-એપીક લોન્ચીંગ કરવામાં આવેલ જે અંતર્ગત યુનિક મોબાઈલ ધરાવતા નવા મતદારો તેમના ઈ-એપીક કાર્ડ ડાઉનલોડ કરીને ડિજિટલી સાચવી શકશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ પ૯૬ર યુનિક મોબાઈલ નંબર ધરાવતા યુવા મતદારો નોંધાયેલા છે. તે પૈકી અત્યાર સુધીમાં ર૪રર મતદારોએ ઈ-એપિક ડાઉનલો કરી લીધા છે. વધુ માહિતી માટે જિલ્લાના ટોલફ્રી હેલ્પલાઈન નંબર ૧૯પ૦ ઉપર પણ સંપર્ક કરવામાં આવે છે.

નવા મતદારોની બહોળી સંખ્યામાં સામેલગીરી દેશને યુવાનોના નેતૃત્વમાં આગળ વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન કલેક્ટર દ્વારા સતત આ બાબતને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું. દેશને મજબૂત કરવા સબળ નેતૃત્વ સાથે જ સંનિષ્ઠ અધિકારીઓની પણ આવશ્યક્તા રહે છે. જે સંનિષ્ઠ અને પ્રેરણાત્મક ભૂમિકા દેવભૂમિ દ્વારકા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ ભજવી. અન્યોને પણ પ્રેરણા આપી છે

- આલેખનઃ ઉષા કોટક

સહાયક માહિતી નિયામક-દેવભૂમિ દ્વારકા

close
Ank Bandh 29 March
close
PPE Kit