જામજોધપુરના સત્તાપર પાસે કોઝ-વે પરથી તણાયો પરિવારઃ ત્રણના મૃત્યુઃ એક બાળકી હજુ લાપતા

જામજોધ૫ુર તા. ૩૦ઃ જામજોધપુરના ઉદેપુરમાં ભાઈના ઘેર આંટો મારવા આવેલા બહેન તથા બે ભાણેજ સહિત ચાર વ્યક્તિઓ ગઈકાલે સત્તાપર નજીકના કોઝ-વે પરથી વહેતા વરસાદી વહેણમાં તણાય ગયા પછી ભાઈ-બહેનનો મૃતદેહ સાંજે મળી આવ્યો હતો. તે પછી પાણીમાં ગરકાવ બે બાળકીઓને શોધવાની જહેમત શરૃ કરાતા આજે સવારે એક બાળકીનો મૃતદેહ મળ્યો છે. જ્યારે હજી એક બાળકી પાણીમાં ગુમ છે. આ બનાવે ભરવાડ પરિવારને સ્તબ્ધ બનાવી દીધો છે.

આ ચકચારી બનાવની વધુ વિગત મુજબ જામજોધ૫ુર તાલુકાના ઉદેપુર ગામમાં રહેતા આવળાભાઈ ભોજાભાઈ સીંધવ (ઉ.વ. ૨૭) નામના ભરવાડ યુવાનને ત્યાં તેબમના પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામમાં રહેતા બહેન મંજુબેન રામાભાઈ સોલંકી પોતાના ત્રણ સંતાન, આનંદી (ઉ.વ. ૧૦), જીનલ (ઉ.વ. ૨.૫), આશિષ (ઉ.વ. ૮) સાથે આંટો મારવા માટે આવ્યા હતાં. જ્યાં બાળકોએ મામાના ઘેર ધીંગા મસ્તી કરી રજાની મોજ માણી હતી જ્યારે થોડા દિવસ સુધી મંજુબેન તથા આવળભાઈ, ભાઈ-બહેન સાથે રહ્યા હતાં.

ત્યારપછી ગઈકાલે બહેન મંજુબેને પોતાના ભાઈ આવળાભાઈને સાસરે મૂકી જવાનું કહેતા ગઈકાલે બપોરે અઢીએક વાગ્યે આવળાભાઈ ભાણેજ આશિષ, ભાણેજી જીનલ, આનંદી તથા બહેન મંજુબેન સાથે ઘરેથી નીકળ્યા હતાં. પાંચેય વ્યક્તિઓ ઉદેપુરથી સતાપર વચ્ચે આવેલા કોઝ-વે પર પહોંચ્યા ત્યારે કોઝ-વે પરથી સાવ ઓછું વરસાદી પાણી વહેતું હતું. તેથી આવળાભાઈએ પોતાના આઠ વર્ષના ભાણેજ આશિષને તેડી લઈ કોઝ-વે પાર કરાવ્યો હતો. સામા કાંઠે ભાણેજને મૂકી આવ્યા પછી આવળાભાઈ ફરીથી બીજા કાંઠે આવી મંજુબેન તથા આનંદી અને જીનલ સાથે કોઝ-વે પસાર કરતા હતાં.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતાપર-ઉદેપુરના ડુંગરાળ પંથકમાં અવિરત મેઘમહેર વરસી રહી છે જેના કારણે તે વિસ્તાર લીલોછમ બન્યો છે અને ડુંગરમાંથી ઝરણાં સ્વરૃપે વરસાદી પાણી વહેવાનું શરૃ થયું છે. ગઈકાલે બપોરે આવળાભાઈ, મંજુબેન અને બન્ને માસુમ બાળકીઓ જ્યારે બરાબર કોઝ-વેની વચ્ચે પહોંચ્યા ત્યારે ડુંગરમાંથી ઝરણા સ્વરૃપે વહેતું પાણી અચાનક જ ધોધમાર વહેવા લાગતા ચારેય વ્યક્તિઓ વહેણમાં તણાઈ ગયા હતાં.

ઉપરોક્ત બનાવ વેળાએ બન્ને તરફ હાજર લોકોમાં ધ્રાસકો પ્રસર્યો હતો. તુરત જ સ્થાનિક તરવૈયાઓને બોલાવી લેવામાં આવ્યા હતાં અને મામલતદાર સહિતનો સ્ટાફ બનાવના સ્થળે ધસી આવ્યો હતો. ધસમસતા વહેતા વહેણમાં તરવૈયાઓએ ઝંપલાવી ચારેય વ્યક્તિઓની શોધ શરૃ કર્યા પછી થોડી કલાકોમાં આવળાભાઈ અને મંજુબેનના મૃતદેહ પાણીમાંથી સાંપડ્યા હતાં જ્યારે આનંદી તથા જીનલ મળી આવ્યા ન હતાં.

મોડીરાત્રી સુધી બન્ને બાળકીઓને શોધવાની તજવીજ કરાયા પછી આજે સવારે આનંદી (ઉ.વ. ૧૦)નો મૃતદેહ પાણીના વહેણમાંથી સાંપડ્યો છે જ્યારે આ લખાય છે ત્યારે અઢી વર્ષની બાળકી જીનલ મળી આવી નથી. તેણીને શોધવા માટે તજવીજ કરવામાં આવી રહી છે.

આ બનાવ અંગે મંજુબેનના પતિ રામાભાઈ ધનાભાઈ સોલંકીએ પોલીસને જાણ કરતા જામજોધપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મામાના ઘેર આવેલા ભરવાડ પરિવાર પર મોતનો ઓછાયો પડતા ભારે ગમગીની પ્રસરી ગઈ છે.

close
Ank Bandh
close
PPE Kit