હાલાર સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો થતાં રવિપાકને નુક્સાન

જામનગર/અમદાવાદ તા. ૧૩ઃ છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીમાં ઘટાડા પછી આજે સવારે અચાનક વાતાવરણ પલટાયું હતું અને હાલાર સહિત સૌરાષ્ટ્ર-ઉ. ગુજરાતમાં માવઠું થતાં રવિપાકને નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે, અને ખેડૂતોને એક વધુ ફટકો લાગ્યો છે.

જામનગરમાં આજ સવારે વાતાવરણમાં  એકાએક પલટો જોવા મળ્યો હતો અને વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા વરસ્યા હતાં. હાલારના અનેક નગરોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. આ કમોસમી વરસાદી ઝાપટું ખેડૂતો માટે વધુ એક વખત મુસીબત સમાન સાબિત થશે તેમ જાણવા મળે છે.

હાલમાં શિયાળાની કડકડતી ઠંડીની સીઝનમાં ગઈકાલે ઠંડી ગાયબ થઈ ગઈ હતી અને આજે વહેલી સવારે એકાએક ધાબળિયું વાતાવરણ જોવા મળ્યું હતું. જામનગર શહેરમાં આજે વહેલી સવારે બદલાયેલા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા વરસ્યા હતાં. તો જિલ્લાના અન્ય શહેરોમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હોવાના વાવડ પણ મળી રહ્યા છે. જામજોધપુર પંથકમાં વરસાદી ઝાપટું વરસતા માર્ગો ભીના થઈ ગયા હતાં. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થયો છે. કારણ કે તેના રવિ પાકને નુક્સાન થવાનો ભય સતાવી રહ્યો છે. તો સંક્રાંતિના પર્વ ટાંકણે જ વરસાદી માહોલ જોવા મળતા પતંગ વિક્રેતાઓમાં માયુસી જોવા મળી હતી.

ખંભાળિયાના સલાયામાં પણ આજે વહેલી સવારે ચારેક વાગ્યે દસ મિનિટ માટે વરસાદી માવઠું વરસ્યું હતું. આથી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતાં. તો રાત્રે વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.

તો ખંભાળિયા, ભાણવડ તથા કલ્યાણપુર પંથકમાં અનેક ગામોમાં આજે વહેલી સવારે છ વાગ્યે આકાશમાં વાદળોની ભારે જમાવટ જોવા મળી હતી અને વરસાદ થયો હતો. શિયાળામાં ઠંડીના માહોલમાં ચોમાસાનો માહોલ જોવા મળતા લોકો મુસીબતમાં મૂકાઈ ગયા હતાં.

આ પંથકમાં અનેક ગામોમાં વરસાદી ઝાપટા વરસતા ચોતરફ પાણી ચાલતા થયા હોવાનું જોવા મળ્યું હતું. આ કમોસમી માવઠાથી ખેતીના પાકને ભારે નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. જીરૃના પાકને ભારે નુક્સાનીની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે ખેડૂતોને છેવટ સુધી વરસાદે પરેશાન કર્યા છે. આથી ખેડૂતોની મુશ્કેલી વધી છે.

જિલ્લાના ધ્રોળ પંથકમાં પણ આજે બદલાયેલા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા વરસ્યા હોવાના વાવડ મળ્યા છે. આમ સમગ્ર હાલાર પંથકમાં કમોસમી વરસાદી છાંટા, માવઠા, ઝાપટાએ લોકોની મુસીબત વધારી હતી.

છેલ્લા એક દિવસથી તાપમાન વધી જતા ઠંડી ઘટી હતી, પણ આજે સવારથી વાતાવરણ પલટાયું છે. કચ્છ અને દ્વારકામાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે. અગાઉ હવામાન વિભાગે બે દિવસ રાજ્યમાં કોસમી વરસાદની આગાહી કરી હતી. અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધતા સોમવારે અમદાવાદ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટાથી લઈને માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે મોડી રાતે દ્વારકા અને કચ્છમાં હળવો વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં ર દિવસ સુધી ઠંડીમાં ઠુંઠવાયા પછી અમદાવાદમાં એકાએક ઠંડી ગાયબ થઈ ગઈ હતી. બે દિવસ પછી ઠંડીમાં એકાએક ઘટાડો થતાં અમદાવાદીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૧.૮ ડીગ્રી વધીને ર૯.પ ડીગ્રી અને લઘુત્તમ તાપમાન ૩.ર ડીગ્રી વધીને ૧પ.૪ ડીગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં શનિવાર કરતા રવિવારે તાપમાન પ ડીગ્રી વધતા ઠંડી ગાયબ થઈ ગઈ હતી. આજે ધુમ્મસ રહેવાની સાથે વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાની શક્યતા છે.

કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભૂજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતાં. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. માવઠાને પગલે રવિ પાકોમાં નુક્સાન થવાની ભીતિ છે. જીરૃ, ચણા, ઘઉં, બટાટા સહિતના કૃષિ પાકોમાં નુક્સાન થવાની શક્યતા છે.

જામનગર સહિત હાલારમાં ફરી તિવ્ર ઠંડીનો ચમકારો

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૭ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૯.પ ડીગ્રી નોંધાયું હતું. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડી ઘટી ગઈ હતી, પરંતુ આજે સવારથી ફરીથી તિવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા રહ્યું હતું તથા પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૭ કિ.મી.ની રહેવા પામી હતી.

close
Ank Bandh
close
PPE Kit