Advertisement
Author: નોબત સમાચાર

મધ્યવર્તી ચૂંટણીમાં ટ્રમ્પને તમાચોઃ બન્ને ગૃહોમાં ડેમોક્રેટસ બહુમતી ભણી

આડેધડ યુદ્ધો, મનસ્વી નિર્ણયો, અતડા૫ણાને જાકારોઃ રિપબ્લિકનોની પડતીઃ આખો દેશ નારાજઃ હાથના કર્યા હૈયે વાગ્યા... જેવું વાવો તેવું લણો...

                                                                                                                                                                                                      

      વોશિંગ્ટન તા. ૪: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન પાર્ટીનો કારમો પરાજય થયો છે. સેનેટમાં ડેમોક્રેટસને બહુમતી મળી છે. ડેમોક્રેટસનો હવે બંને ગૃહો ઉપર કંટ્રોલ રહેશે. જેથી ટ્રમ્પે પરાજય સ્વીકાર્યો છે અને ડેમો ક્રેટસ સાથે કામ કરવા તૈયાર હોવાનું એલાન કર્યું છે.

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી દરમિયાન, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ ૪૩૫ બેઠકો, સેનેટની ૩૫ બેઠકો અને ૩૬ રાજ્ય ગવર્નરશીપ માટે મતદાન થયું હતું અને મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વિપક્ષી ડેમોક્રેટ્સે સેનેટમાં બહુમતી મેળવી છે.અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓમાં મતદાન પછી શરૂઆતના વલણો બહાર આવવા લાગ્યા છે. અંદાજો દર્શાવે છે કે ડેમોક્રેટિક પાર્ટી આગળ ચાલી રહી છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાછળ રહી ગઈ છે. આ ચૂંટણીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક અગ્નિપરીક્ષા તરીકે જોવામાં આવી રહી છે. આ ચૂંટણીઓ ટ્રમ્પના બે વર્ષના કાર્યકાળના અંતે થઈ રહી છે. યુદ્ધ અને મોંઘવારીએ ટ્રમ્પના પક્ષને પછડાટ આપી છે.

ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં બહુમતી હાંસલ કરી લીધી છે. ત્યાં જ, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ૨૧૮ બેઠકો જીતીને બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. છેલ્લી ૨૧ મિડટર્મ ચૂંટણીઓમાંથી ૧૯ વખત રાષ્ટ્રપતિની પાર્ટી હારી છે. માત્ર ૧૯૯૮માં બિલ ક્લિન્ટન અને ૨૦૦૨માં જ્યોર્જ બુશની પાર્ટીઓએ જીત નોંધાવી હતી. બપોર સુધીની વિગતો મુજબ હાઉસમાં કુલ ૪૩૫ બેઠકો છે અને તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. પ્રારંભિક વલણોમાં વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટી ૨૨૬ બેઠકો પર આગળ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી ૧૩૭ બેઠકો પર આગળ છે.

સેનેટની ૧૦૦ બેઠકોમાંથી ૩૫ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આંકડા મુજબ, અત્યાર સુધીમાં ૩૧ બેઠકોનાં પરિણામો સામે આવી ચૂક્યાં છે. આમાંથી ડેમોક્રેટિક પાર્ટીએ ૧૯ અને રિપબ્લિકન પાર્ટીએ ૧૨ બેઠકો જીતી છે. બાકીની ૪ બેઠકો પર મતગણતરી ચાલુ છે. આ પરિણામોને જોડીને ડેમોક્રેટિક પાર્ટી પાસે ૫૩ અને રિપબ્લિકન પાર્ટી પાસે ૪૩ બેઠકો છે.

ગવર્નરપદની ચૂંટણીઓની કુલ ૩૬ બેઠકોમાંથી ૨૬ રાજ્યોનાં પરિણામો આવી ચૂક્યાં છે. ૧૭ ડેમોક્રેટ્સ અને ૯ રિપબ્લિકનોએ બેઠકો જીતી છે. ૧૦ રાજ્યોમાં મતગણતરી ચાલુ છે. અમેરિકાની ચૂંટણીમાં મિશિગનની સેનેટ બેઠક પર ડેમોક્રેટિક ઉમેદવાર અબ્દુલ અલ સૈયદની જીત લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ૮૦% મતોની ગણતરીમાં તેમને ૫૨% અને તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર માઇક રોજર્સને ૪૬% મત મળ્યા છે.

જો અબ્દુલ જીતશે તો તેઓ અમેરિકન સેનેટમાં પહોંચનારા પ્રથમ મુસ્લિમ સાંસદ બનશે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના મુસ્લિમ હોવા અને ઇઝરાયલ-પેલેસ્ટાઇન મુદ્દે તેમના વલણને લઈને તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

રિપબ્લિકન નેતાઓએ તેમને આતંકવાદ સાથે જોડવાનો પ્રયાસ પણ કર્યો હતો. અબ્દુલે ચૂંટણી પ્રચારમાં સૌ માટે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી, મોંઘવારી ઘટાડવી અને ઇઝરાયલને અમેરિકન સૈન્ય સહાય બંધ કરવા જેવા મુદ્દા ઉઠાવ્યા હતા.

સેનેટમાં કુલ ૧૦૦ બેઠકો છે. હાલમાં રિપબ્લિકન પાર્ટી પાસે ૫૩ બેઠકો છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી પાસે ૪૫ બેઠકો છે. આ ઉપરાંત ૨ અપક્ષ સાંસદો છે, જેઓ ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરે છે. આ રીતે બંને પક્ષો વચ્ચે બેઠકોનું પ્રમાણ ૫૩-૪૭ છે.

બહુમતી માટે ૫૧ સભ્યોનું સમર્થન જરૂરી છે. જોકે, જો બંને પાર્ટીઓ પાસે ૫૦-૫૦ બેઠકો હોય તો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ નિર્ણાયક મત આપી શકે છે.

કાન્સાસમાં ડેમોક્રેટિક પાર્ટીએ ૯૪ વર્ષ બાદ સેનેટની બેઠક જીતી છે. છેલ્લી વખત ૧૯૩૨માં અહીંથી કોઈ ડેમોક્રેટ સેનેટર તરીકે ચૂંટાયા હતા.

આ વખતે ડેમોક્રેટિક ઉમેદવાર એડમ હેમિલ્ટને રિપબ્લિકન ઉમેદવાર અને વર્તમાન સેનેટર રોજર માર્શલને હરાવી દીધા.

૨૦૨૪ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પે કાન્સાસમાં ૧૬%થી વધુ મતોના અંતરથી જીત મેળવી હતી. તેમ છતાં આ વખતે ડેમોક્રેટ્સે અહીં સેનેટની બેઠક જીતી લીધી.

ચૂંટણી જીતનાર એડમ હેમિલ્ટન પાદરી છે. તેઓ અમેરિકાના સૌથી મોટા મેથોડિસ્ટ ચર્ચોમાંના એક 'ચર્ચ ઑફ ધ રિઝરેક્શન'નું નેતૃત્વ કરે છે. ૬૨ વર્ષીય હેમિલ્ટને વર્તમાન રિપબ્લિકન સેનેટર રોજર માર્શલને હરાવ્યા. માર્શલને ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે અને તેઓ તેમની નીતિઓનું સમર્થન કરતા રહૃાા છે. ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ માર્શલના સમર્થનમાં કાન્સાસમાં પ્રચાર કર્યો હતો.

ડેમોક્રેટિક પાર્ટીના ડેબ હોલેન્ડે ઇતિહાસ રચ્યો છે. તેમણે ન્યૂ મેક્સિકોના ગવર્નરની ચૂંટણી જીતી લીધી છે. આ સાથે જ તેઓ અમેરિકાના કોઈ રાજ્યના ગવર્નર બનનાર પ્રથમ મૂળ અમેરિકન મહિલા બની ગયા છે. ડેબ હોલેન્ડ લગુના પ્યુએબ્લો સમુદાયમાંથી આવે છે, જે અમેરિકાના મૂળ નિવાસી સમુદાયોમાંનો એક છે.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મીડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીતનું સ્વાગત કર્યું છે. તેમણે કહૃાું કે અમેરિકન જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. લોકો એવી રાજનીતિ ઇચ્છે છે જે દેશને વિભાજિત કરવાને બદલે લોકોને એક કરે.

ઓબામાએ કહૃાું કે ટ્રમ્પ સરકાર પાસે હજુ બે વર્ષ બાકી છે. આવી સ્થિતિમાં ડેમોક્રેટ્સને જ્યાં પણ ફેરફાર કરવાની તક મળે, ત્યાં કામ કરવું જોઈએ. તેમણે ભવિષ્યમાં થનારા નુકસાનને રોકવા અને દેશના ભવિષ્યની તૈયારી કરવી જોઈએ.

ભારતીય મૂળના ડેમોક્રેટિક સાંસદ રો ખન્નાએ કેલિફોર્નિયાના ૧૭મા સંસદીય મતવિસ્તારમાં ફરીથી જીત મેળવી છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર રિતેશ ટંડનને હરાવ્યા છે. અમેરિકન સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસે પણ તેમની જીતની પુષ્ટિ કરી છે. આ રો ખન્નાની સતત છઠ્ઠી જીત છે. રો ખન્ના ૨૦૧૭થી અમેરિકન સંસદના નીચલા ગૃહના સભ્ય છે. તેઓ ચીનની નીતિઓ, ટેકનોલોજી, વેપાર અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કરતા રહૃાા છે. રિતેશ ટંડન અગાઉ ૨૦૨૦ અને ૨૦૨૨માં પણ તેમની સામે ચૂંટણી લડી ચૂક્યા છે.

ડેમોક્રેટિક પાર્ટી જાન્યુઆરીથી અમેરિકન સંસદના બંને ગૃહો એટલે કે સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સનું નિયંત્રણ સંભાળશે. પાર્ટીએ અત્યાર સુધી સેનેટની ૭ બેઠકો રિપબ્લિકન પાર્ટી પાસેથી છીનવી છે. આ બેઠકો આયોવા, કેન્સાસ, ઓહાયો, મેઈન, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને ટેક્સાસમાં જીતી છે.

ડેમોક્રેટ્સને હાઉસમાં ઓછામાં ઓછી ૨૫૨ બેઠકો મળવાનો અંદાજ છે. આ આંકડો ૨૧૮ બેઠકોના બહુમતી આંકડા કરતાં ઘણો વધારે છે. જોકે, અંતિમ પરિણામોમાં કેટલીક બેઠકોનો આંકડો બદલાઈ શકે છે.

ડેમોક્રેટ્સે ટેક્સાસ, જ્યોર્જિયા, ઓહાયો અને આયોવામાં ગવર્નરની બેઠકો પણ રિપબ્લિકન પાર્ટી પાસેથી છીનવી લીધી છે. ભારતીય મૂળનાં ડેમોક્રેટિક નેતા પ્રમિલા જયપાલે વોશિંગ્ટનના ૭મા સંસદીય ક્ષેત્રમાંથી સતત છઠ્ઠી જીત મેળવી છે.

પ્રમિલા જયપાલ અમેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પહોંચનાર પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા છે. તેમનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. તેઓ ૨૦૧૬માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતાં. પ્રમિલા જયપાલ સંસદમાં પ્રવાસીઓના અધિકારો, વધુ સારી આરોગ્ય સુવિધાઓ અને મહિલાઓના અધિકારો સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવતા રહૃાાં છે.

તાજા અહેવાલો મુજબ અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ખરાબ પ્રદર્શન પછી પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્રુથ સોશિયલ પર દાવો કર્યો કે જો તેઓ બેલેટ પર હોત તો પાર્ટી જંગી બહુમતીથી જીતત. જો કે, ટ્રમ્પે ચૂંટણી પરિણામો સ્વીકારી ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવાની તૈયારી પણ દર્શાવી છે. તેમના આ નિવેદનો હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

 

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh