જામનગર તા. ર૩ઃ જામનગરમાં પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓ માટે સતત કાર્યરત નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજેન્દ્રસિંહ (વિજયસિંહ) જાડેજાના જન્મદિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.
નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારથી આ સંસ્થાની પ્રવૃત્તિઓથી વાકેફ છે. સંસ્થા દ્વારા વૃક્ષારોપણ, વૃક્ષ પ્રદર્શન, ફ્લાવર શો, કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન વર્કશોપ અને વૃક્ષ પરિચય શિબિર, પક્ષી બચાવો અંતર્ગત ચકલીઓના માળા તથા કુંડાનું વિતરણ, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફ સ્પર્ધા અને પ્રદર્શન તથા વર્ષાદી પાણીના સંગ્રહ સામે જળ સંચય અભિયાન અંતર્ગત કૂવા તથા બોર રિચાર્જ પદ્ધતિનું નિર્દેશન તથા સ્કૂલ-કોલેજોમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અભિયાન, પ્રદૂષણ અટકાવવા સાયકલ રેલી અને ગ્રીન વોક તથા નેચર એન્ડ એડવેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
તદ્ઉપરાંત બાળકોમાં પ્રકૃતિ પ્રેમ કેળવાઈ તે માટે પ્રકૃતિ ચિત્ર સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધા જેવા અનેક વિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગણેશ વિસર્જન પછીના દિવસોમાં આ સંસ્થા દ્વારા છેલ્લા ૬ વર્ષથી બાલાચડી દરિયા કિનારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે. આવનાર દિવસોમાં પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરવા કટિબદ્ધ રહેશે તેમ એક નિવેદનમાં જણાવાયું છે.