દરેડના લેન્ડ ગ્રેબીંગ કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર કરતી હાઈકોર્ટ

જામનગર તા. ૨૩ઃ જામનગરના દરેડમાં સરકારી જમીન પર દબાણ કરી લેનાર આસામીઓ સામે પોલીસે લેન્ડ ગ્રેબીંગ એકટનો ઉપયોગ શરૃ કરી ધરપકડનો દૌર આરંભતા એક આરોપીએ આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટનો આશરો લીધો હતો. અદાલતે તેને અટકમાં ન લેવાનો હુકમ કર્યો છે. લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુજરાતભરમાં પ્રથમ કિસ્સામાં આ પ્રકારનો હુકમ થવા પામ્યો છે.

જામનગર નજીકના દરેડ ગામમાં સર્વે નંબર ૬૦ પૈકી એક જેના નવા સર્વે ૧૩૧ તથા ૧૩૨ છે. તે સરકારી જમીનમાં કેટલાંક આસામીએ ગેરકાયદે બાંધકામ કરી સોસાયટી ઉભી કરી લીધાની જાણ તંત્રને કરવામાં આવતા ગયા મહિને જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસવડાએ સ્થળ મુલાકાત કરી હતી જેમાં ન્યુ દરેડ નોન ટ્રેડીંગ કોર્પોરેશન (સુચિત)ના નામથી લે-આઉટ પ્લાનનો નકશો તૈયાર કરાવી તે સરકારી જમીનમાં ૧૭૯ સબ પ્લોટ પાડી સોસાયટી બનાવવામાં આવી હોવાનું ફલીત થયું હતું. તે દબાણકારોને એક સપ્તાહમાં પોતાના દબાણો હટાવી લેવા તાકિદ કરી હતી અથવા તેઓની સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો નોંધવાની તંત્રએ સૂચના આપી હતી.

ત્યારપછી પોલીસે ગુન્હા નોંધવાનું શરૃ કરી કુખ્યાત જયેશ પટેલ સાથે સાંઠગાંઠ કરી દબાણ ઉભુ કરનાર વિજય માલાણી સહિત ૪૯ આસામીની ધરપકડ કરી હતી. આરોપીઓએ પોતાના નામના સ્ટેમ્પ પેપર પર અલગ અલગ કરાર કરી જમીન પચાવી પાડવા, વેંચાણ કરવા સહિતના કૃત્ય કર્યા હતાં. કેટલાંક આસામીઓએ અનઅધિકૃત રીતે દુકાનો, ઓફિસ, રહેણાંકનું બાંધકામ કર્યું હતું. તે તમામ સામે તાજેતરમાં જ રાજયમાં અમલી બનાવવામાં આવેલા જમીન પચાવી પાડવા સામેના અધિનિયમ હેઠળ કાર્યવાહી આરંભી દેવાઈ હતી.

ત્યાં આવેલી જમીનના કેટલાક ધારણકર્તાઓનું કોષ્ટક પણ રજુ થયું હતું. જેમાં પ્લોટ નં. ૪૨ના ધારણકર્તા રાજેશ જેઠાભાઈ ચૌહાણને પણ આ કેસમાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેવી ભીતી દેખાતા તેઓએ આગોતરા જામીન મેળવવા માટે રાજયની વડી અદાલતમાં અરજી કરી હતી. તે અરજી સામે તપાસ કરનાર અધિકારીએ સોગંદનામું રજુ કરી જણાવ્યું હતું કે, આ આરોપીએ સરકારી જમીનમાં કોઈ જ માલિકીની ખાત્રી કર્યા વગર પોતાના આર્થિક ફાયદા માટે કાયદાની પ્રક્રિયાને ધ્યાને લીધા વગર રૃા. ૧૦૦ ના સ્ટેમ્પ પર કરાર કરી અનઅધિકૃત કબ્જો કર્યો છે અને આ કેસની હાલમાં તપાસ ચાલુ છે. કેટલાંક આરોપીઓને હજુ અટક કરવાના બાકી છે.

ઉપરોકત સોગંદનામાં સાથે સરકારપક્ષ તરફથી પણ દલીલ કરવામાં આવી હતી કે, સરકારી જમીનના ખોટા દસ્તાવેજ બનાવી ત્યાં નોન ટ્રેડીંગ ઉભું કરી મોટા ભૂમાફિયાઓ જમીનનો કબ્જો કરી લે છે અને કૌભાંડ આચરે છે ત્યારે આ આરોપીને આગોતરા જામીન અપાશે તો બીજા ભૂમાફિયા પણ તેનો લાભ લેશે. તે દલીલ સામે આરોપીના વકીલે દલીલ કરી હતી કે, વર્ષ ૨૦૧૬માં ઉપરોકત જમીન સરકાર હસ્તક થઈ છે અને અરજદારે તે અગાઉ કરાર કર્યા છે અને જેના દસ્તાવેજ રજુ થયા છે. અરજદાર મધ્યમવર્ગના છે, તેઓએ પોતાની મરણમુડીથી ઉપરોકત મિલ્કત વસાવી છે, અરજદારોની કોઈ રજુઆત સાંભળવામાં આવી નથી અને  ગુન્હા નોંધી જેલહવાલે કરવામાં આવી રહ્યા છે તેવો કોઈ કાયદાનો સિધ્ધાંત હોઈ શકે નહીં.

અદાલતે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી રાજેશ જેઠાભાઈ ચૌહાણની ધરપકડ ન કરવા અંગે હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, પ્રેમલ રાચ્છ, વિશાલ જાની, હરદેવસિંહ ગોહિલ, રજનીકાંત નાખવા રોકાયા છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit