કપાસમાં દવાનો છંટકાવ કરતા શ્રમિકને ઝેરી અસરઃ સારવારમાં મૃત્યુ

જામનગર તા. ૧૧ઃ જામનગરના ગોકુલનગરમાં રહેતા એક આહીર પરિવારને ત્યાં પુત્રનો જન્મ થયા પછી તે બાળકનું તબીયત લથડતા મૃત્યુ નિપજ્યું છે જ્યારે એક બીમાર યુવાન પર કાળનો પંજો પડ્યો છે ઉપરાંત ઝેરી દવાની અસરથી એક શ્રમિક મોતને શરણ થયા છે.

જામનગરના ગોકુલ નગરમાં સાયોના શેરીમાં રહેતા ભીમસીભાઈ માલદેભાઈ ગોજીયા નામના આહીર યુવાનના ૫ત્નીએ ગઈ તા. ૮ની રાત્રે જી.જી. હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારપછી નવજાત શીશુની તબીયત લથડતા આ બાળકનું ગઈકાલે મૃત્યુ થયું છે. પોલીસે ભીમસીભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના ધુંવાવ નાકા પાસે આવેલા કોળીવાસમાં રહેતા ભરતભાઈ કારાભાઈ હાસુન્દ્રા નામના ચાલીસ વર્ષના કોળી યુવાન પાંચેક વર્ષથી ટીબી તથા લીવરની બીમારીથી બીમારીથી પીડાતા હતાં. પથારીવસ બની ગયેલા  આ યુવાનને તબીયત લથડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું મૃત્યુ થયું છે. પોલીસે રમેશભાઈ કારાભાઈનું નિવેદન નોંધી મૃતદેહનું પીએમ કરાવ્યું છે.

કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામમાં મજુરી કામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની રાજુભાઈ નાહુમભાઈ ભુરીયા (ઉ.વ. ૨૦) ગઈ તા. ૬ના દિને કપાસના પાકમાં દવાનો છંટકાવ કરતા હતા ત્યારે ઝેરી અસર થઈ જતા રાજુભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. ખીરમાભાઈ ભુરીયાએ પોલીસને જાણ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit