ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત

અમદાવાદ તા. ૩ઃ ગુજરાત મોટર વ્હીકલ ડીપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી મોટરવાહન વિભાગના અધિકારીઓની વિવિધ માંગણીઓના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાંથી ચેકપોસ્ટ નાબુદ કરવાનો રાજય સરકારનો નિર્ણય આવકાર્ય છે. પણ ચેકપોસ્ટ પોઈન્ટ પર ફરજ બજાવતા અધિકારીઓ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે.

ગુજરાતના જુદા-જુદા નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ફાળવવામાં આવેલ ચેકપોઈન્ટ પર હાલ રાઉન્ડ ધી કલોક અધિકારીઓ દ્વારા ડ્યૂટી કરવામાં આવે છે. રાજ્યના મુખ્ય નેશનલ હાઈવે પરના ટોલનાકા પરથી રોજના ૮ થી ૧૦ હજાર વાહનોની અવરજવાર થાય છે. એની સામે માત્ર એકલ-દોકલ અધિકારી અને એક સિક્યુરીટી ગાર્ડ મારફત અસરકારક ચેકીંગ થઈ શકતું નથી. ઘણાં ઓફેન્સીવ વાહનો પણ શિક્ષાત્મક કાર્યવાહી કર્યા વગરના પસાર થઈ જાય છે. સરકારી ડ્રાઈવર અને ગાર્ડ પણ અપૂરતા છે. જો એક શહેરના ટ્રાફિક સિગ્નલ પર પણ ૩ થી ૪ લોકો ફરજ બજાવતા હોય છે, જ્યાં તેમને માત્ર વાહનોની અવરજવર પરજ નિયંત્રણ કરવાનું હોય છે, જ્યોર ટોલનાકા પર વાહનો થોભાવવા, દસ્તાવેજ ચકાસવા અને આગળની કાર્યવાહી કરવા માટે હાલનો સ્ટાફ પર્યાપ્ત નથી. આવા સંજોગોમાં અસરકારક અને જવાબદારીપૂર્ણ કાર્યવાહી કરવા માટે વધારાનો સ્ટાફ અનિવાર્ય છે.

ચેકપોઈન્ટ પર કોઈ પણ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રકચર નથી. નાતો લાઈટોની સુવિધા, ના કોઈ બેઠક વ્યવસ્થા, ના શૌચાલયની વ્યવસ્થા, ના તો ઠંડી, તડકો કે વરસાદ સામે રક્ષણ મળે છે. આ માટે તાત્કાલિક ધોરણે શૌચાલયની વ્યવસ્થા, આરામ થઈ શકે તેવી સગવડથી સજ્જ તેમજ ઈલેક્ટ્રીક સંશાધનો ચાલી શકે તેવી સુવિધા સાથેનું કન્ટેઈનર ફાળવવામાં આવે તેવી માંગણી છે. ચેકપોઈન્ટ પર છેલ્લા એક સપ્તાહથી ફરજ બજાવી રહેલા અધિકારીઓ ૮ કલાકની શિફટ પૂરી કર્યા પછી તેમની રહેવા, જમવા અને સુવાની વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ૧૬ કલાકના ઓફમાં ક્યાં જવું અને ક્યાં સુવુ એ પ્રશ્ન છે. સાપ્તાહિક માત્ર એક ઓફના કારણે પોતપોતાના વતન કે નિવાસસ્થાન સુધી પણ પહોંચી શકાતું નથી. છેલ્લા કેટલાય સમયથી વર્ષમાં લગભગ બે વાર થતી સામૂહિક બદલીઓના કારણે પરિવારની સ્થિરતા અને બાળકોના ભણતર અંગે પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

ચેક પોઈન્ટ પર ઘણા અધિકારીઓને છેલ્લા ત્રણ થી ચાર માસથી સતત ચેકીંગની કામગીરીમાં જોતરી રાખવામાં આવેલા છે. જો કોઈ પણ માણસ ૯૦ થી ૧૨૦ દિવસ સુધી સતત નાઈટ ચેકીંગ કરે તો એના શરીરનું બાયોજિકલ સ્ટ્રકચર ખોરવાઈ જાય છે અને લાંબા ગાળે ઘણી ગંભીર બીમારીઓનો ભોગ પણ બની શકે છે. લો એન્ડ ઓર્ડર સંભાળતા પોલીસ ખાતાના અધિકારીઓમાં પણ સાપ્તાહિક બે નાઈટ આપવામાં આવે છે. એ પણ રાત્રિના ૧૧ થી સવારના ૫. તો મોટર વાહન ખાતામાં રોડ ચેકીંગના આવા અમાનુષી ઓર્ડર અટકવા જોઈએ. માનવાધિકારો અને કુદરતી ન્યાય પણ આ પ્રકારની જોહુકમીની પરવાનગી આપતા નથી. માટે ચેકપોઈન્ટ પર કરવામાં આવી રહેલ ચેકીંગની કામગીરીનું સુપરવિઝન પ્રાદેશિક કચેરીને સોંપવામાં આવેલ છે પરંતુ પ્રાદેશિક કચેરીને જ સિફટ રોટેશન અને અધિકારીઓની ફેરબદલી કરી ચેકીંગની કાર્યદક્ષતામાં વધારો કરવા મંજુરી આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

 આવનારા સમયમાં આવી રહેલું બાયોમેટ્રીક મોટર વાહન ખાતાના ફિલ્ડ ઈન્સ્પેકટરો માટે હિતાવહ નથી. ફિલ્ડ ઈન્સપેક્ટર્સને ચેકીંગ અર્થે ગમે ત્યારે જવાનું હોય છે, એક્ષીડેન્ટ ફેટલ કેસ એનાલિસીસમાં, કોર્ટમેટરમાં, અણધારીને ઓચિંતી તપાસમાં જવાનું તેમજ બાતમીના આધારે ગમે ત્યારે વાહનોના ચેકીંગમાં જવાનું હોઈ કોઈ પણ સમયે અવરજવર કરવી પડતી હોય છે. મોટર વાહન ખાતાના અધિકારીઓ માત્ર ૧૦ઃ૩૦ થી ૬ઃ૧૦ નહિં પરંતુ જરૃર પડ્યે ૨૪ કલાક ફરજ માટે હાજર જ હોય છે. માટે આ પ્રકારે બાયોમેટ્રીક સીસ્ટમ અધિકારીઓ પર થોપી દેવી તદૃન અનુચિત છે. મોટર વાહન ખાતુ રેવન્યુના નેજા હેઠળ જ આવે છે. રેવન્યુ ખાતાના ફિલ્ડ ઓફિસર જેવા કે તલાટી, મામલતદાર, સરકલ ,ડીડીઓ, ટીડીઓ તેમની ફિલ્ડ ડ્યુટીના કારણે બાયોમેટ્રીક્સમાંથી બાકાત જ છે. સરકારના પરિપત્ર ક્રમાંક 'પરચ-૧૦૯૮-૩૦૪-વસુતાપ્ર-૧'તા. ૩૧-૩-૧૯૯૯ અનુસાર રાજ્યપત્રિત અધિકારીઓને બાયોમેટ્રીક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.  તા. ૧૬ સપ્ટેમ્બરના પસાર થયેલા મોટર વેહિકલ બીલ પછી રાજ્યની તમામ કચેરીઓમાં લોકોને ભારે ધસારો જોવા મળેલ, આમ છતા દરેક જાહેર રજાઓ અને શનિ રવિની રજાઓમાં પણ મોડી રાત સુધી કચેરીઓ ચાલુ રાખી લોકોને સંતોષકારક સેવાઓ આપી છે. બાયોમેટ્રીક્સ ત્યારે પણ નહોતું જ. જો આ વ્યવસ્થા અધિકારીઓ પર ઠોકી બેસાડવામાં આવશે તો એમની નિષ્ઠા અને કર્તવ્યપરાયણતા બંને પર અસર થઈ શકે છે. ફિલ્ડ સાથે સંકળાયેલા અધિકારીઓ પર વિશ્વાસ મૂકી તેમની ફિલ્ડ લિબર્ટી ન જોખમાય અને કામગીરીની અસરકારકતા જળવાઈ રહે તે માટે બાયોમેટ્રીક્સની અમલવારીનો નિર્ણય મોકૂફ રાખવા દરખાસ્ત છે.

લોકોના સ્પર્શતા મોટા નિર્ણય કરવામાં આવે ત્યારે ટેકનીકલ અધિકારીઓની કમિટિ રચી એમના સૂચનો લેવામાં આવે. દરેક રિજિયોનલ ઓફિસ પાસેથી પણ પ્રતિભાવો મંગાવવામાં આવે. તાજેતરમાં ખાતાના અધિકારીઓ પોતાને મુંજવતા લોકાભિમૂખ પ્રશ્નો ક્યાં રજુ કરે એ પ્રશ્ન છે! હાલ તો દરેક અધિકારી એક ખૌફમાં જીવે છે જેની ખરાઈ કરવાની પણ છૂટ છે. આવું ખૌફ ભરેલું વાતાવરણ ડિપાર્ટમેન્ટ માટે આદર્શ નથી.

મોટર વાહન ખાતાના અધિકારીઓ એનફોર્સમેન્ટ સાથે સંકળાયેલા છે. પરિણામે સરકારી કાર્યવાહી દરમિયાન તેઓને વારંવાર ઓવરલોડ, માફિયા, રેતીમાફિયા તથા ઘણા અસામાજિક તત્ત્વોનો સામનો પણ કરવો પડતો હોય છે. આવા લોકો અધિકારી સામે ખોટા આક્ષેપ, વિવાદ અને ખોટી ફરિયાદ કરી મનોબળ તોડવાના પ્રયાસો કરતા જ હોય છે. હાલ બહુચર્ચિત સોશ્યલ મીડિયા જેવા કે ટ્વીટર અને ફેસબુકના માધ્યમથી પણ બદનામ કરતા હોય છે. આવા સમયે અધિકારીનો પક્ષ જાણ્યા વિના સીધા તપાસના આદેશ કરી અધિકારીને આવા અસામાજિક તત્ત્વો સામે પરાસ્ત કરવામાં આવી રહ્યા છે. સરકારી હથિયાર વગર ફરજ બજાવતા છેવાડાના ચેકપોઈન્ટ પર અધિકારીઓ પર ફાયરીંગના બનાવો પણ બની રહ્યા છે. પરંતુ અધિકારી પ્રત્યે જો આજ અભિગમ રહેશે, તો આવનાર સમયમાં સરકારના રેવન્યુ માટે સંઘર્ષ કરવાનું સાહસ ટાળશે.

આ માંગણી વાજબી અને માનવાઅધિકારોના ક્ષેત્રમાં હોઈ આ પૂર્વે એસોસિએશન દ્વારા ક્યારેય પણ આ પ્રકારની માંગણી કરવામાં આવી નથી. પરંતુ હાલ ઊભા કરવામાં આવેલા વાતાવરણમાં જો ૧૦ દિવસમાં માંગણીઓનો સ્વીકાર નહીં થાય તો આગામી સમયમાં સામૂહિક વિરોધના કાર્યક્રમો આપવા મજબૂર થવું પડશે. તેવી ચીમકી આવેદનપત્રના અંતે આપવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit