ખંભાળીયા ધોરીમાર્ગ પર છોટા હાથીની પલટીઃ આબાલ વૃદ્ધ સહિત ૨૩ ઘવાયા

જામનગર તા. ૩ઃ જામનગરના ખીમરાણા ગામની એક દીકરીના લગ્ન ગઈકાલે આમરામાં કરવામાં આવ્યા પછી આજે ખીમરાણાથી તેણીનો પરિવાર દીકરીને વાયણું તેડી જવા માટે હરખભેર નીકળ્યો હતો. તે પરિવારના છોટાહાથી વાહને એરપોર્ટ રોડ પર પલટી મારતા આબાલ વૃદ્ધ મળી ત્રેવીસ વ્યક્તિઓને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને ચાર એમ્બ્યુલન્સ મારફત જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા પ્રાગજીભાઈ તથા હંસાબેન ધારવીયા નામના દંપતીના પુત્રી ગીતાબેનના લગ્ન ગઈકાલે જામનગર તાલુકાના આમરા ગામના હસમુખભાઈ સાથે નિરધારવામાં આવ્યા હતાં. ગઈકાલે આ પ્રસંગ રંગેચંગે પૂર્ણ થયા પછી મોડીસાંજે આમરાથી આવેલી જાનને ખીમરાણાના ધારવીયા પરિવારે વિદાય આપી હતી.

ત્યારપછી આજે સવારે જ્ઞાતિના રીવાજ મુજબ ખીમરાણાથી ધારવીયા પરિવાર દીકરીને વાયણુ તેડી જવા માટે લેવા રવાના થયો હતો. સતત ત્રણેક દિવસ સુધી લગ્નમાં મહાલ્યા પછી આજે પુત્રીને ધામધૂમથી વાયણુ તેડી આવવા છોટા હાથી વાહનમાં આબાલ વૃદ્ધ મળી ત્રેવીસેક જેટલા વ્યક્તિઓ આમરા ગામ જવા માટે રવાના થયા હતાં. આ પરિવાર આમરા આવી રહ્યો હોય તેની જાણ વેવાઈ પક્ષને કરવામાં આવી હોય આમરામાં પણ તેઓની આગતાસ્વાગતા માટે તૈયારીઓ કરી લેવામાં આવી હતી.

ઉપરોક્ત પરિવારનું છોટાહાથી વાહન આજે બપોરે જ્યારે બારેક વાગ્યે જામનગરથી ખંભાળીયા વચ્ચેના માર્ગ પર આવેલા એરપોર્ટ રોડ પર પહોંચ્યું ત્યારે કોઈ રીતે પલટી મારી જતા તે વાહનમાં મુસાફરી કરતા બાળકો, સ્ત્રી-પુરૃષો અને વૃદ્ધોની ચીસો ગાજી ઉઠી હતી. ત્યાંથી પસાર થતા અન્ય વાહનો થંભી ગયા હતાં. કોઈએ ૧૦૮ને જાણ કરતા જામનગર તેમજ નજીકના લોકેશન પર હાજર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી હતી. જેમાં વાયણાના ઉત્સવને માણવા હરખભેર જતા દીકરીના પરિવારના ઈજાગ્રસ્તોને તાત્કાલીક જામનગર ખસેડવાની તજવીજ શરૃ કરવામાં આવી હતી.

એક પછી એક ચાર એમ્બ્યુલન્સમાં ૨૩ ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. આ અકસ્માતની જી.જી. હોસ્પિટલ તંત્રને જાણ કરવામાં આવતા સ્ટ્રેચર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રાખી તાત્કાલીક સારવાર આરંભવામાં આવી છે. તે ઉપરાંત આમરામાં પણ ધારવીયા પરિવારના અકસ્માતની જાણ કરાતા આમરાથી પણ વેવાઈ પક્ષ જામનગર દોડી આવ્યો છે. ઈજાગ્રસ્તોમાંથી બે વ્યક્તિને વધુ ઈજા થઈ છે. ખડેપગે રહેલા તબીબી સ્ટાફે યુદ્ધના ધોરણે સારવાર આપવાનું શરૃ કર્યું છે. તેમ છતાં એકસાથે મોટી સખ્યામાં ઈજાગ્રસ્તો આવ્યા હોય એક તબક્કે દોડધામ મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતા સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બનાવના સ્થળે પહોંચ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit