બેટ-દ્વારકામાં પારકી જમીનને વેચી નાખવાનું આચરાયુ કૌભાંડ

ઓખા તા. ૩૦ઃ ઓખામંડળના બેટ-દ્વારકામાં આવેલી ગાંધીનગરની એક સમિતિની જમીનને બે શખ્સે પોતાની હોવાનું કહી તેમાં પ્લોટીંગ કર્યા પછી વેચાણ કરી નાખ્યાની એક જાગૃત નાગરિકે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા બેટ-દ્વારકામાં અન્યની કેટલીક જમીનને પોતાની ગણાવી વેચી નાખવાનો બે શખ્સોએ તજવીજ કરી હોવાની બેટ-દ્વારકાના જાગૃત નાગરિક ઈબ્રાહીમ એલીયાઝ ખુરેશીએ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યા મુજબ બેટમાં આવેલી કાળીયા ખેતરવાળી જગ્યામાં વિજય ચતુર્થદાસ કાપડી અને ભગવતપ્રસાદ જેન્તિલાલ પાઢ નામના બે શખ્સોએ પ્લોટીંગ પાડી ટાઈટલ ક્લીયર જમીન કરાવી પાકા દસ્તાવેજ બનાવી આપવાનો ભરોસો આપી સોદા કર્યા હતાં.

બેટ-દ્વારકાના અભણ એવા અને ભરોસામાં આવી ગયેલા ૩૦થી ૩૨ જેટલા લોકોએ એક ફૂટના રૃા. ૪૭૫ લેખે કટકે-કટકે પૈસા આપવાનું ઠરાવી સોદા કર્યા હતાં. આ રીતે રૃા. પચાસેક લાખનું ઉઘરાણું કરી લેવામાં આવ્યું હતું. તે પૈકીના કેટલાક લોકોને સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરી આપવામાં આવ્યું હતું.

પ્લોટ ખરીદનાર લોકો પૈકીના કેટલાકે બાંધકામની કામગીરી શરૃ કરતા ઈબ્રાહીમ ખુરેશીએ આ જગ્યા સ્વામી યોગાનંદ શિક્ષણ સમિતિ-ગાંધીનગરની હોવાનું જણાવી સોદો કરનાર બન્ને શખ્સ આ સમિતિમાં ટ્રસ્ટી ન હોવા છતાં અને પાવર ઓફ એટર્ની પણ ધરાવતા ન હોવા છતાં તે જમીન પોતાની માલિકીની ગણાવી અભણ લોકોને છેતરી કૌભાંડ આચરી ગયાનું રજુઆતમાં જણાવવામાં આવ્યું છે. ઈબ્રાહીમ ખુરેશીએ આ અંગે બન્ને વ્યક્તિને પુછતા તેઓને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું પણ જાણવા મળ્યુ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit