જામનગરમાં ફરી કેસરીયોઃ મનપા પર પુનઃ ભાજપનો કબ્જો

બપોર સુધીમાં જાહેર થયેલા પરિણામો મુજબ ૬૪માંથી ૪૭ બેઠકોમાં ખીલ્યું કમળ

જામનગર તા. ૨૩ઃ જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી પછી આજે સવારથી તેની મતગણતરી ચાલી રહી છે. બપોર સુધીમાં મળી રહેલા એહવાલો મુજબ ૬૪માંથી ૪૩ બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જેથી જામનગર મનપામાં ફરી કેસરીયો લ્હેરાયો છે.

જામનગરમાં ફરી એક વખત કેસરિયો છવાઈ ગયો છે અને મહાનગરપાલિકામાં સત્તાનું સૂકાન સંભાળવા ભાજપે ચૂંટણી મેદાનમાં બાજી મારી છે.

સૌ પ્રથમ વોર્ડ નંબર પાંચનું પરિણામ જાહેર થયું હતું અને ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થઈ હતી. બપોર સુધીમાં શહેરની કુલ ૬૪ બેઠકમાંથી ભાજપને ૪૩ બેઠકો મળી ચૂકી છે. એટલે કે ભાજપ ફરી એક વખત શાસન ધુરા સંભાળશે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે. આ સમયે કોંગ્રેસને પાંચ અને બસપાને ત્રણ બેઠકો મળી ચૂકી છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર અને 'આપ'ના ઉમેદવારનો પરાજય થયો છે, જ્યારે વોર્ડ નંબર ૬ માં ભારે અપસેટ સર્જાયો છે અને બસપાના ત્રણ ઉમેદવારો વિજેતા બન્યા હતાં.

જામનગર મહાનગરપાલિકાની ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે રવિવારે પ૩.૩૮ ટકા જેટલું મતદાન યોજાયા પછી આજે હરિયા કોલેજમાં મત ગણતરી કરવામાં આવી હતી. વર્ષ ર૦૧પ ની ગત્ ચૂંટણીમાં ભાજપને ૩૮ બેઠકો મળી હતી, જ્યારે આજે બપોરે એક વાગ્યા સુધીમાં ૧૧ વોર્ડની ૪૪ બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે જેમાં ભાજપે ૩૬ બેઠકો મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, જ્યારે કોંગ્રેસને પાંચ બેઠકો તેમજ બસપાને ત્રણ બેઠકો મળી ચૂકી છે.

સર્વ પ્રથમ વોર્ડ નંબર પાંચનું પરિણામ જાહેર થયું હતું અને ત્યાં ભાજપની આખી પેનલ વિજેતા થઈ હતી. અહિં ભાજપના કિશન માડમ, આશિષ જોષી, સરોજબેન વિરાણી અને બિનાબેન કોઠારીએ વિજય વાવટો ફરકાવ્યો હતો.

આ પછી વોર્ડ નંબર ૯ મા ભાજપની આખી પેનલ વિજેતા બની છે અને ચારેય ઉમેદવારો ધર્મીનાબેન સોઢા, કુસુમબેન પંડ્યા, ધીરેન મોનાણી અને નિલેષ કગથરા વિજેતા બન્યા છે.

વોર્ડ નંબર ૧૩ માં ભાજપની પેનલ તૂટી છે અને ત્રણ બેઠકો ભાજપને અને એક બેઠક કોંગ્રેસને મળી છે. ભાજપના ત્રણ ઉમેદવારો કેતન નાખવા, બબીતાબેન લાલવાણી અને પ્રવિણાબેન રૃપડિયા તેમજ કોંગ્રેસના ધવલ નંદા વિજેતા થયા છે.

આ પછી વોર્ડ નંબર ૧ માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની છે. જેમાં સમજુબેન પારિયા, જબેદાબેન નોતિયાર, પાલેજા નુરમામદ અને કાસમ જીવા જોખિયા વિજેતા બન્યા છે.

જ્યારે વોર્ડ નંબર ૬ માં બસપાને ત્રણ બેઠક મળી છે. આમ આ વોર્ડમાં ભારે અપસેટ સર્જાયો છે. બસપાના ત્રણ ઉમેદવારો કુરકાન શેખ, જ્યોતિબેન ભારવાડિયા અને રાહુલ બોરિચા વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના જસુબા ઝાલા વિજેતા બન્યા છે. આમ અહિં ભાજપની પેનલ તૂટી છે.

વોર્ડ નંબર ૧૪ માં પણ ભાજપનો કેસરિયો લહેરાયો છે અને આખી પેનલ વિજેતા બની છે. જેમાં શારદાબેન વીંઝડા, લીલાબેન ભદ્રા, જીતેષ શિંગાળા અને મનિષ કટારિયા વિજેતા બન્યા છે.

તેવી જ રીતે વોર્ડ નંબર ૧૦ માં પણ ભાજપની પેનલ વિજેતા બની ચૂકી છે. અહિંના ભાજપના ચારેય ઉમેદવારો આશાબેન રાઠોડ, ક્રિષ્નાબેન સોઢા, મુકેશભાઈ માતંગ અને પાર્થ જેઠવા વિજયી બન્યા છે. તેવી જ રીતે વોર્ડ નંબર સાતમા પણ ભાજપની આખી પેનલ વિજેતા બની છે. જેમાં લાભુબેન બંધિયા, પ્રભાબેન ગોરેચા, અરવિંદભાઈ સભાયા અને ગોપાલ સોરઠિયા વિજેતા બન્યા છે.

વોર્ડ નંબર ર માં પણ ભાજપની આખી પેનલનો વિજય થયો છે. અહિં કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજાનો પરાજય થયો છે. ભાજપના કૃપાબેન ભારાઈ, ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઈ) અને જયરાજસિંહ જાડેજા વિજેતા બન્યા છે.

આ પછી વોર્ડ નં. ૮ નું પરિણામ જાહેર થયું હતું અને ભાજપનો ગઢ ગણાતા આ વોર્ડ ભાજપે જાળવી રાખી આખી પેનલનો વિજય થયો હતો. જેમાં સોનલબેન કણજારીયા, તૃપ્તીબેન ખેતીયા, કેતન ગોસરાણી અને દિવ્યેશ અકબરી વિજેતા બન્યા છે.

જ્યારે વોર્ડ નં. ૧પ માં ભારે અપસેટ સર્જાયો છે. અને ભાજપના ઉમેદવારો શોભનાબેન પઠાણ, હર્ષાબા જાડેજા અને જ્યંતીભાઈ ગોહિલ, જ્યારે કોંગ્રેસના આનંદ રાઠોડ વિજેતા બન્યા છે, અને મરીયમબેન સુમરા, દેવશી આહિર અને શિતલબેન વાઘેલાનો પરાજય થયો છે.

વોર્ડ નં. ૧૧માં ભાજપની પેનલના ચારેય ઉમેદવારો હર્ષાબેન વિરસોડીયા, તરૃણાબેન પરમાર, ધર્મરાજસિંહ જાડેજા અને તપન પરમાર વિજેતા બન્યા છે.

વોર્ડ નં. ૩માં ભાજપની પેનલ વિજેતા બની ચૂકી છે. અહીંના ભાજપના ચારેય ઉમેદવાર અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા, પરાગ પટેલ અને સુભાષ જોષી વિજેતા બન્યા છે.

વોર્ડ નંબર ૧૬માં ભાજપની પેનલા ૪ ઉમેદવારો ગીતાબા જાડેજા, ભારતીબેન ભંડેરી, વિનોદ ખીમસુરીયા અને પાર્થ કોટડીયાનો વિજય થયો છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit