| | |

ગુજરાત રાજ્યના નર્સીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે નિકાલ નહીં આવતા ઉગ્ર આંદોલનના મંડાણ

જામનગર તા. ૧૧ઃ ગુજરાત રાજ્યના નર્સીસ કર્મચારીઓના વર્ષોથી અણઉકેલ પડતર પ્રશ્નો અંગે અનેક રજુઆતો કરવા છતાં રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રતિભાવ કે નિરાકરણ માટેની પહેલ થઈ નથી.

ગત તા. ૧૬-૧-૧૯ના દિને સરકારના હકારાત્મક અભિગમની અપેક્ષાએ શાંત આંદોલન કર્યું હતું. અને યુનિફોર્મનો બહિષ્કાર કર્યો હતો.

તા. ૧૮-૬-૧૯ના દિને રાજ્યના સમગ્ર નર્સીસ કર્મચારીઓના પ્રતિનિધિઓની મિટિંગમાં આંદોલનને ઉગ્ર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તે પ્રમાણે તબક્કાવાર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.

હાલ ચાલી રહેલા યુનિફોર્મ બહિષ્કારના આંદોલન સાથે અન્ય કાર્યક્રમો યોજાશે. જેમાં ૧૧-૭, ૧૮-૭ અને ૨૫-૭ એમ દરેક ગુરૃવારે હોસ્પિટલોમાં મુખ્ય જગ્યાએ છાવણી ઉભી કરી એક દિવસીય પ્રતીક ધરણાં-ઉપવાસ કરવામાં આવશે. આ દિવસે સવારે ૧૧ થી ૧૨ સુધી સૂત્રોચ્ચાર કરવામાં આવશે.

તા. ૧ લી ઓગસ્ટે ગાંધીનગરમાં સમગ્ર રાજ્યના તમામ જિલ્લાના નર્સીસ કર્મચારીઓ દ્વારા મહારેલી યોજવામાં આવશે અને રેલી પછી પ્રતિનિધિઓની આગળના આંદોલનાત્મક કાર્યક્રમ ઘડી કાઢવા બેઠક યોજાશે.

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને ૫ાઠવેલા પત્રમાં આંદોલનના કાર્યક્રમની જાણ સાથે યુનાઈટેડ  નર્સીસ ફોરમે તેમની વરસો જુની અણઉકેલ માંગણીઓનો નિકાલ કરવા રજૂઆત કરી છે.

જેમાં જણાવ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટર અને આઉટ સોર્સીંગ પ્રથા સંપૂર્ણ પણે બંધ કરવા, અલગ ડીરેક્ટોરેટ ઓફ નર્સીંગને મંજૂર કરવા, નર્સીસના કેન્દ્રમાં બદલાયેલા નોમેન કલેચરને રાજ્યમાં મંજૂરી આપવા, નર્સ અને દર્દીના રેશીયો પ્રમાણે તમામ હોસ્પિટલો/આરોગ્ય કેન્દ્રોમાં નર્સીસના મહેકમને મંજૂર કરવા, સ્પેશયાલીટી તાલીમ પ્રાપ્ત કરેલ નર્સીસને ખાસ પોસ્ટ સાથે વિશિષ્ટ પગાર ધોરણ આપવા, ઉચ્ચતર અભ્યાસક્રમોમાં સરકારી ફરજો બજાવવા નર્સીસને ચાલુ પગારે પ્રતિ નિયુક્તિની ફરીથી શરૃઆત કરવા, નર્સીગ સ્કૂલ/કોલેજના કાયમી શિક્ષકોને યુજીસીના ધારાધોરણ મુજબ પગાર ધોરણ આપવા, નેશનલ પેન્શન સ્કીમ પૂનઃ ચાલુ કરવા વિગેરે પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી છે.

(તસ્વીરઃ નિર્મલ કારીયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit