| | |

આણદાબાવા ચકલામાંથી છ બોટલ સાથે બેની ધરપકડ

જામનગર તા. ૧૧ઃ જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં અંગ્રેજી શરાબની ડિલીવરી આપવા આવેલા અને ડિલીવરી લેવા આવેલા બે શખ્સોને પોલીસે પકડી છ બોટલ ઝબ્બે કરી છે જ્યારે સિક્કા પાટીયા પાસેથી રિક્ષામાં લઈ જવાતી ચોવીસ બોટલ સાથે બે ઝડપાયા છે ઉપરાંત કાલાવડમાંથી એક શખ્સ બે બોટલ સાથે મળી આવ્યો છે.

જામનગરના આણદાબાવા ચકલામાંથી સાંજે પસાર થતા દિગ્વિજય પ્લોટ શેરી નં. ૫૮ના છેવાડે બાળકોના સ્મશાન પાસે રહેતા જયેશ અરવિંદભાઈ સેજપાલ તથા રાજગોર ફળી શેરી નં. ૨માં રહેતા હિરેન રસીકભાઈ આડેસરા નામના બે શખ્સોને સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે પૂર્વ બાતમીના આધારે રોકાવી બંનેને તલાસી લેતા આ શખ્સોના કબજામાંથી અંગ્રેજી શરાબની છ બોટલ મળી આવી હતી. પોલીસે પુછપરછ કરતા જયેશ સેજપાલે આ બોટલ આણદાબાવાના ચકલામાં હિરેન આડેસરાને આપવા આવ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરી છે.

કાલાવડની શીતળા કોલોની પાસેથી ગઈકાલે સાંજે એક ખાનગી ટ્રાવેલ્સમાં ડ્રાયવરની નોકરી કરતા કાલાવડના જ ઈકબાલ મામદભાઈ ભારખાણી નામના શખ્સને પોલીસે અંગ્રેજી શરાબની બે બોટલ સાથે પકડી પાડ્યો છે.

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા સિક્કા પાટીયા પાસેથી ગઈકાલે સાંજે પસાર થતી એક સીએનજી રિક્ષાને પોલીસે રોકાવી તેની તલાસી લેતા તેમાંથી અંગ્રેજી શરાબની ૨૪ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે લાલપુરના નવાગામમાં રહેતો સંજય દોલુભાઈ રાઠોડ ઉર્ફે પીન્ટુ તથા જામનગરના શંકરટેકરીમાં વસવાટ કરતો મિતેશ કારાભાઈ રાઠોડ નામના બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શરાબ, રિક્ષા તથા બે મોબાઈલ મળી કુલ રૃા. ૪૪,૦૦૦નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit