| | |

રાજકોટમાં મહિલા એ.એસ.આઈ. અને પોલીસ કોન્સ્ટેબલનો માથામાં ગોળી ધરબી આપઘાત

જામનગર તા. ૧૧ઃ રાજકોટના ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં આજે સવારે એક મહિલા એ.એસ.આઈ. તથા તેમના જ પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલે પોતાના માથામાં સર્વીસ રિવોલ્વર વડે ગોળી ધરબી સામુહિક આત્મહત્યા કરી લેતાં પોલીસ કાફલો દોડયો છે. પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. મૃતક મહિલા એસએસઆઈ મુળ જામજોધપુરના વતની હતાં.

રાજકોટના સૌરાષ્ટ્ર યુનિ. પોલીસ મથકમાં ફરજ બજાવતા વુમન એએસઆઈ ખુશ્બુબેન રાજેશભાઈ કાનાબાર (ઉ.વ. ૨૮) તેમજ આજ પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફના ફરજ બજાવતા પો.કો. રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા (ઉ.વ. ૩૦) નામના બંને વ્યક્તિઓએ આજે સવારે રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના ઈ-૪૦૨ નંબરના ખુશ્બુબેનના રહેણાકમાં સર્વિસ રિવોલ્વર વડે પોતાના માથામાં ગોળી ધરબી આત્મહત્યા કરી લેતા બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતાં.

મૂળ જામજોધપુરના રહેવાસી અને ત્રણેક વર્ષ પહેલાં જ પોલીસબેડામાં ભરતી થઈ આસી. સબ ઈન્સ્પેક્ટર તરીકે નિમણૂક પામેલા ખુશ્બુબેન રાજેશભાઈ કાનાબારના રહેણાકમાં અચાનક રિવોલ્વરમાંથી ફાયર થયો હોય તેવો ઘડાકો સંભળાતા પાડોશીઓ દોડી આવ્યા હતાં. કોઈએ પોલીસને બનાવની જાણ કરતા ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો અને ક્રાઈમ બ્રાન્ચની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ધસી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે ખુશ્બુબેન તથા રવિરાજસિંહને ચકાસતા બંને મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર પંડીત દિનદયાલ નગર ગુ.હા. બોર્ડના ક્વાર્ટરમાં રહેતા ખુશ્બુબેન યુનિ. પોલીસ મથકમાં ફરજ બજાવતા હતાં. તેઓના જ પોલીસ મથકના ડી સ્ટાફના કોન્સ્ટેબલ રવિરાજસિંહ પણ આજે ત્યાં આવ્યા હશે અને બંનેએ કોઈ કારણથી ખુશ્બુબેનની સર્વિસ રિવોલ્રથી પોતાના માથામાં ગોળીઓ ધરબી અકળ કારણસર આત્મહત્યા વ્હોરી લીધી છે. આ બનાવ પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલા એએસઆઈએ તે ક્વાર્ટર ભાડેથી રાખ્યું હોવાનું ખુલ્યું છે અને પો.કો. રવિરાજસિંહ નજીકમાં જ આવેલી એ.જી. સોસાયટીમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit