Advertisement
Author: નોબત સમાચાર

હનીટ્રેપના બંને આરોપીના રિમાન્ડ આજે થશે પૂર્ણઃ વધુ એક હનીટ્રેપની ફરિયાદની તજવીજ

તપાસમાં ૬ લાખ કબજેઃ જામનગરના પોલીસમેન તથા હોમગાર્ડઝ સભ્યની શોધખોળ યથાવતઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૦: રાજકોટના વેપારી વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી દ્વારકા નજીક ઓખામઢી પાસે રોકી રૂ.૧ કરોડ ૨૦ લાખ પડાવી લેવાના પ્રકરણમાં ઝડપાયેલી યુવતી તથા તેના સાગરિતના આજે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. આ ગુન્હામાં જામનગરના પોલીસ કર્મચારી તથા હોમગાર્ડઝની શોધ કરાઈ રહી છે. આ ટોળકી દ્વારા અગાઉ પણ એક હનીટ્રેપ ગોઠવી ચૂકવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની વિધિવત ફરિયાદ આગામી દિવસોમાં નોંેંધાઈ શકે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી પાસે ગયા સપ્તાહે રાજકોટના નરેશભાઈ સોરઠીયા નામના ૬૪ વર્ષના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી જામનગરની નીકિતા ઉર્ફે આરશુસિંગ અને તેના સાગરિત જીમ ટ્રેનર પર્વત વાસ્કોર્ટે જામનગર પોલીસ હેડકવાર્ટર માં ફરજ બજાવતા સંજય કરંગીયાને જામનગર હોમગાર્ડઝમાં ફરજ બજાવતા અજય નામના શખ્સે રૂ.૧ કરોડ ૨૦ લાખ પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.

થોડા સમય પહેલાં મોબાઈલ પર ટીન્ડર નામની એપ્લીકેશનના માધ્યમથી નીકિતા ઉર્ફે આરષુસિંગ રાજકોટના વેપારી નરેશભાઈ સોરઠીયાના સંપર્કમાં આવી હતી. આ યુવતીએ મળવાના બહાને નરેશભાઈને બોલાવ્યા પછી દ્વારકા દર્શન કર્યા પછી સંબંધની શરૂઆત કરીએ તેમ જણાવી આવી જવા ઈજન આપતા નરેશભાઈ પોતાની મર્સીડીઝ મોટર લઈને રાજકોટથી આવ્યા હતા અને બંને વ્યક્તિ દ્વારકા જવા રવાના થયા હતા ત્યારે કુરંગા નજીક ટોલનાકાથી આગળ અને ઓખામઢી પાસે નંબર પ્લેટ વગરની સફેદ રંગની સ્વીફટ મોટરમાં ધસી આવેલા અને પોલીસની વર્દી પહેરેલા બે શખ્સે તેઓને રોકાવી તલાશીના બહાને નીકિતાના પર્સમાંથી પાવડર ભરેલી કોથળી કાઢી હતી અને તે પાવડર ડ્રગ્સ હોવાનું જણાવી પોલીસ મથકે આવી જવા સૂચના આપતા ગભરાયેલા નરેશભાઈએ મામલાની પતાવટ માટે કહેતા નીકિતાએ રૂ.૧૦ કરોડમાં સમાધાન કરાવી આપ્યું હતું અને તેના પછી નરેશભાઈએ પોતાના પુત્રને કહી દ્વારકામાં આંગડીયામાં રૂ.૧ કરોડ ૨૦ લાખ મંગાવી તે રકમ સંજય તથા અજયને આપી હતી.

ત્યારપછી પરત ફરતી વખતે નીકિતા અને બીજા શખ્સો ભળેલા હોવાની શંકા પડતા નરેશભાઈએ માર્ગમાં નીકિતા સાથે તેની વાત કરી હતી અને ઉશ્કેરાયેલી નીકિતાએ નરેશભાઈને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારપછી આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં નીકિતા તથા તેનો સાગરિત પર્વત ઝડપાઈ ગયા હતા. બંને આરોપીને આજ સુધીના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા.

આ વ્યક્તિઓની ડીવાયએસપી વિસ્મય માનસેતાના વડપણ હેઠળ સ્ટાફે પૂછપરછ હાથ ધરી હતી. આજે રિમાન્ડ પૂર્ણ થતાં બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ કરવામાં આવી છે અને નાસી છૂટેલા પોલીસમેન સંજય કરંગીયા અને તેના સાગરિત અજયના સગડ દબાવાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ કર્મચારી સંજય કરંગીયા સામે સાત-આઠ વર્ષ પહેલાં જામનગરમાં એક મહિલા સાથે શરૂ સેક્શન રોડ પર અકસ્માત સર્જાયા પછી હાથ ઉપાડી લેવાનો ગુન્હો જે તે વખતે નોંધાયો હતો. આ મહિલા હાલમાં રાજકારણમાં સક્રિય છે જે તે વખતે સંજય સામે ગુન્હો નોંધાયો હતો અને તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.

ત્યારપછી ફરીથી ફરજ પર લેવામાં આવેલા આ શખ્સે પોતાના સાગરિતો સાથે મળી હનીટ્રેપનો સાણસો ગોઠવ્યો હતો પરંતુ તેમાં પણ ગુન્હો નોંધાઈ ગયો છે.

આ બાવના સંદર્ભમાં ડીવાયએસપી માનસેતાએ જણાવ્યું છે કે, સ્વીફટ મોટર, પોલીસની નંબર પ્લેટ, યુનિફોર્મ વગેરે કબજે કરાયા છે. જ્યારે આરોપીઓની રિમાન્ડ દરમિયાન રૂ.૬ લાખ રોકડા એક આરોપીના ઘરેથી કબજે થયા છે અને આ ટોળકીએ રાજકોટના નરેશભાઈ ઉપરાંત અન્ય એક હનીટ્રેપ પણ પાર પાડી હોવાના સંકેતો મળી રહ્યા છે ત્યારે આ ગુન્હાની પણ નજીકના દિવસોમાં નોંધ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh