Advertisement
Author: નોબત સમાચાર

હેમંતભાઈ ખવા ટ્રેકટર લઈને વિધાનસભા પહોંચ્યાઃ ખેડૂતો માટે અપૂરતી જોગવાઈ સામે અનોખું વિરોધ પ્રદર્શન

જામજોધપુરના 'આપ' ના ધારાસભ્ય

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: ગુજરાત વિધાનસભાનું બજેટ રજુ થયું હતું. ત્યારે ખેડૂતોને બજેટમાં ખાસ કોઈ રાહત પેકેજની જાહેરાત ના થતા અને અન્યાયની લાગણી અનુભવતા આમઆદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેકટર લઈને વિરોધ દર્શાવવા વિધાનસભા પહોંચ્યા હતા. સરકારે જે બજેટ રજૂ કર્યું તેમાં ગામડા અને શહેરના બજેટમાં મોટો તફાવત છે તથા બજેટમાં ખેડૂતો માટે કોઈ ખાસ જોગવાઈ કરી નથી, તે મુદ્દાને લઈને ધારાસભ્ય હેમંત ખવા ટ્રેકટર લઈ વિધાનસભા પહોંચ્યા હતા અને અનોખી રીતે સરકાર સમક્ષ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જો કે, પોલીસ વિભાગ દ્વારા તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા અને ટ્રેકટર લઈને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. તેને લઈને ધારાસભ્ય હેમંત ખવાએ એ પણ કહ્યું હતું કે "હું ખેડૂતપુત્ર છું, આતંકવાદી નથી અને આ ટ્રેકટર છે, ટેન્ક નથી."

ધારાસભ્ય હેમંત ખવા ચાલીને વિધાનસભા ગૃહ સુધી પહોંચ્યા હતા અને મીડિયાને સંબોધિત કરીને કહ્યું હતું કે સરકારે જે બજેટ રજૂ કર્યું એ બજેટમાં ગામડાઓ અને ખેડૂતોને ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો છે. શહેરો માટે રૂ।. ૩૩,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે ગામડાઓ માટે ફક્ત ૧૪,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મંત્રીએ ગૃહમાં જ જણાવ્યું કે "શહેરોમાં ૪૮% વસ્તી વસે છે અને ગામડાઓમાં ૫૨% તો આના પરથી સ્પષ્ટ થાય છે કે ૪૮% લોકોને ૩૩ હજાર કરોડ અને ૫૨% લોકોને ફક્ત ૧૪ હજાર કરોડની ફાળવણી કરીને સરકારે અન્યાય કર્યો છે. આ બાબતનો વિરોધ કરવા માટે હું ટ્રેકટર લઈને વિધાનસભા પહોંચ્યો હતો.

ગામડા અને ખેડૂતોના ભોગે શહેરોને વધુ બજેટ ફાળવવામાં આવે, તે અન્યાય છે માટે અમે આ મુદ્દે વિધાનસભામાં પણ રજૂઆત કરીશું. ૪ લાખ કરોડના બજેટમાંથી એગ્રો પ્રોસેસિંગ યુનિટની સ્થાપના માટે ફક્ત રૂ।. ૧૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેવી જ રીતે ટેક્સટાઈલ ઉદ્યોગને રૂ।. ૨૭૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નવા ચેકડેમ બનાવવા માટે ફકત રૂ।. ૮૯૬ કરોડ ફાળવવાની વાત કરી એની સામે અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ ચલાવી શકાય તેના માટે રૂ।. ૨૨૦૦ કરોડની જાહેરાત કરવામાં આવી. જેટલી જરૂરિયાત મેટ્રો રેલની છે તેના કરતા અનેકગણી વધુ જરૂરિયાત લાખો ખેડૂતોને છે,

ચેકડેમ માટે જે રકમની ફાળવણી કરવામાં આવી છે તે ખૂબ જ ઓછી છે. સૌરાષ્ટ્રની ૫૪ માંથી ૫૦ સીટો પર ભાજપના ધારાસભ્યો છે અને ૮ મંત્રીઓ છે ત્યારે સૌની યોજનાને ફક્ત રૂ।. ૪૭૩ કરોડની જોગવાઈ કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં ૧૧ જિલ્લા આવે છે અને ૧૧ જિલ્લા માટે ફક્ત રૂ।. ૪૭૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે ફક્ત એક અમદાવાદ જિલ્લામાં સિંચાઈ માટે રૂ।. ૬૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ રીતે સૌરાષ્ટ્ર, ખેડૂતો અને ગામડાઓને ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો છે. અને આ મુદ્દે વિધાનસભામાં પણ અને રસ્તા પર કાર્યક્રમ યોજી સરકારનું ધ્યાન દોરીશું અને કોશિશ કરીશું કે સરકાર આમાં કોઈ સુધારો લઈ આવે અને ખેડૂતોને, ગામડાને અને સૌરાષ્ટ્રને ન્યાય આપે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh