Advertisement
Author: નોબત સમાચાર

વસંત પંચમી પછી હવે, પ્રજાસત્તાક પર્વ આવી રહ્યું છે ત્યારે, વિવાદો ટાળી

                                                                                                                                                                                                      

ગઈકાલે ભારતે ઉપરા ઉપર બીજી ટી-૨૦ ક્રિકેટ મેચ જીતી લીધા પછી પાંચ ટી-૨૦ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ ૨-૦થી આગળ હોવાથી ક્રિકેટ રસીયાઓ તથા દેશપ્રેમીઓને ન્યુઝીલેન્ડ સામે વન-ડે શ્રેણીમાં થયેલ હારની કળ વળી ગઈ હશે. અને આગામી ટી-૨૦ વર્લ્ડકપ માટે આ મેચનો વિજય જો શ્રેણી વિજયમાં બદલાઈ જાય, તો તે "ટોનિક"નું કામ કરશે. ખાસ કરીને સૂર્યકુમાર યાદવનું ફોર્મ પાછુું આવ્યું અને ઈશાન કિશન તથા શિવમ્ દુબેની ફટકાબાજી પછી ટીમ ઈન્ડિયા જૂસ્સામાં હશે.

બીજી તરફ આગામી વર્લ્ડકપની બુનિયાદ મજબૂત બનાવવામાં આ શ્રેણીમાં ખેલાડીઓ પર થતા પ્રયોગો સફળ થતા ટીમ મેનેજમેન્ટ, સિલેકટરો અને બીસીસીઆઈ પણ ખુશ હશે.

ખેલ જગતમાં જેમ ક્રિકેટની ચર્ચા સૌથી વધુ થતી હોય છે, તેવી જ રીતે રાજનીતિમાં સૌથી વધુ ચર્ચા વિવાદાસ્પદ નિવેદનો, આંતરિક ડખ્ખા, ટાંટિયાખેંચ અને સત્તાની સાઠમારીની સૌથી વધુ ચર્ચા થતી હોય છે, તો બીજી તરફ પરસ્પર તીખા-તમતમતા નિવેદનો આપતા રાજનેતાઓ વચ્ચે પણ એક પ્રકારની ગોઠવણ હોય છે. સામાન્ય જનતા પણ હવે સમજી ગઈ કે વાકચાતુર્ય અને ડ્રામેટિકલ ગોકિરાં કરતા રહેતા નેતાઓ એકબીજાના હિતો અને એજન્ડાઓને આગળ વધારતા હોય છે. નેતાગણની સ્વાર્થી ગૂપ્ત મિલીભગતને રાજકીય એખલાસ અને ખેલદિલી ભરી રાજનીતિના રૂડાં-રૂપાળા આભૂષણો પહેરાવી દેવાતા હોય છે.

આપણે વસંત પંચમીની ઉજવણી કરી અને હવે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નગરોમાં ઠેર-ઠેર વિશેષ પ્રકારની સાફસફાઈ થઈ રહી છે, અને જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ આન-બાન-શાાનથી પ્રજાસત્તાક પર્વ ઉજવવાનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. વસંત પંચમીની ઉજવણીના ભાગરૂપે માતા સરસ્વતીનું પૂજન થાય છે અને પ્રજાસત્તાક પર્વે ભારતમાતાનો જયઘોષ થાય છે.

આપણાં દેશમાં માતૃભક્તિ અને નારીશક્તિ પ્રત્યેનો આદર અને પરંપરાગત સંસ્કૃતિના મૂળમાં વસુધૈવ કુટુંબકમ્ ની ઉત્કૃષ્ટ અને ઉદાર ભાવના છે, તે આ ઉજવણીઓથી પૂરવાર થાય છે આપણો દેશ વિવિધતામાં એકતાનું વિશ્વવિખ્યાત દૃષ્ટાંત છે અને આપણાં દેશમાં દંભ ફરેબ અને ભેદભાવને કોઈ સ્થાન નથી, તે આપણાં બંધારણમાંજ પ્રતિબિંબિત થાય છે.

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના પૂજનની સાથે સાથે વિદ્યા આપનારા ગુરૂજનોનું પણ સન્માન કરવામાં આવે છે.

શિક્ષકો, પ્રાધ્યાપકો અને સનાતન સંસ્કૃતિ મુજબનો ધર્મ-સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતા હોય, તેઓ તેઓના ગુરૂજનો પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરે છે. અને વસંત પંચમી તથા ગુરૂ પૂર્ણિમાના દિવસે આ તમામ ગુરૂજનોનું સન્માન કરીને તેના આશીર્વાદ મેળવવામાં આવતા હોય છે.

આ પ્રકારની સર્વસમાવેશી સંસ્કૃતિ ધરાવતા આપણાં દેશમાં જ્યારે જ્યારે સંતો-ધર્મગુરૂઓની અવગણના, અપમાન કે અનાદર થાય છે, ત્યારે ત્યારે સમગ્ર સંત સમાજ એકજૂથ થઈ જાય છે. ખાસ કરીને રાજસત્તા સાથે કોઈપણ કારણે મતભેદો થાય કે સંઘર્ષ જેવી સ્થિતિ ઊભી થાય છે, ત્યારે ત્યારે જનભાવનાઓ હંમેશાં સત્ય, નિષ્ઠા અને આપણી પરંપરાગત સંસ્કૃતિ તથા આદર્શોની સાથે રહેતી હોય છે.

ટૂંકમાં, આપણા દેશની જનતા એટલી પૂખ્ત અને સમજદાર છે કે તેને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને સ્થિતિને સમજતા સારી રીતે આવડે છે.

દૃષ્ટાંત તરીકે ગયા રવિવારે તા. ૧૮મી જાન્યુઆરીના દિવસે સવારે મૌની અમાવસ્યા હતી અને માઘમેળો ચાલી રહ્યો હતો, તે સમયે સ્વામી અવિમૂક્તેશ્વરાનંદજી અને ત્યાંના તંત્ર વચ્ચે વિવાદ થયો હતો.

આ વિવાદ અંગે જ્યોતિર્મઠના શંકરાચાર્ય અંગે દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદજી સહિતના સંત-મહંતોએ જે પ્રતિક્રિયાઓ આપી છે, તે જોતા યોગી સરકાર ઘેરાઈ રહી હોય, તેમ જણાય છે. તો આ મુદ્દે ઉત્તરપ્રદેશની સરકારમાં જ આંતરિક વિરોધાભાસ હોય, તેવો આભાસ પણ લોકોને થઈ રહ્યો છે.

દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ નાગપુરની ધર્મસભામાં આ પ્રકરણનો ઉલ્લેખ કર્યો, તો વૃંદાવનના સંત સમાજે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવડાવવાની માંગ ઉઠાવી. શંકરાચાર્યની સાથે સાધુ સંતોના કેટલાક સંગઠનોએ હરિદ્વારમાં ધરણાં કર્યા, તો અખાડાના અધ્યક્ષે તંત્ર માફી માંગે, તેવી માંગણી ઉઠાવી છે. આ ઉપરાંત યોગગુરૂ બાબા રામદેવ, મહામંડલેશ્વર રામદાસ મહારાજ, સ્વામી અતુલ કૃષ્ણદાસ મહારાજ, સંત ફલાહારી બાબા વિગેરે પણ વિવિધ પ્રત્યાઘાતો આપ્યા છે, કેટલાક પ્રખ્યાત કથાવાચકોએ પણ આ મુદ્દે પ્રત્યાઘાતો આપ્યા છે. આ બધા પ્રત્યાઘાતોનું તારણ એવું જ નીકળે છે કે જે કાંઈ બન્યુ છે, તે દૂર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છનિય હતું અને હવે આ વિવાદનો સન્માનજનક અને સર્વસ્વીકૃત અંત લાવવાની જવાબદારી ઉત્તરપ્રદેશ સરકાર તથા સંત સમાજે ઉઠાવવી જોઈએ., અને જગદગુરૂ શંકરાચાર્ય ધરણાં છોડે, અને બધાનું માન-સન્માન જળવાઈ રહે તેવો ઉકેલ કાઢવો જોઈએ.

એક તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહે છે કે, સંત અને સન્યાસી માટે ધર્મ અને રાષ્ટ્રથી કોઈ મોટું હોતું નથી, પરંતુ કેટલાક "કપટી" લોકો સનાતન ધર્મને  નબળો પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે, તો ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ શંકરાચાર્ય અવિમૂક્તેશ્વરાનંદજી ત્રિવેણી સંગમમાં ગંગા સ્નાન કરીને વિવાદનો અંત લાવે તેવી વાત કરી રહ્યા છે, તેથી એવું કહી શકાય કે યોગી સરકારમાં જ સ્વામી અવિમૂક્તેશ્વરાનંદજી મહારાજના મુદ્દે મત-મતાંતરો છે, અથવા આ પ્રકારના નિવેદનો કરીને યોગી સરકાર ચાલાકી પૂર્વક દૂધ અને દહીંમાં પગ રાખવાનો પ્રયાસ કરી રહી હોઈ શકે છે...અખિલેશ યાદવે શંકરાચાર્યના અપમાનને તમામ સનાતનીઓનું અપમાન ગણાવ્યું, ત્યારે કેટલાક નેતાઓએ તેને તેમની સરકારનો ભૂતકાળ યાદ કરાવ્યો. આ બધા વચ્ચે યોગી સરકાર આ મુદ્દે બેકફૂટ પર આવેલી જણાય છે.

તાજા અહેવાલો મુજબ શંકરાચાર્ય સ્વામી અવિમૂક્તેશ્વરાનંદજીની ધરણાં દરમ્યાન તબિયત બગડી છે. આ વિવાદે જોર પકડતા અને સંતો-મહંતો-ધર્માચાર્યોના પ્રત્યાઘાતો આવ્યા પછી ઉભય પક્ષે બાંધછોડ કરીને અને જેની ભૂલ હોય, તેમણે ભૂલ સ્વીકારીને અથવા સમગ્ર વિવાદનો સર્વસ્વીકૃત હલ શોધવા મધ્યસ્થી કરીને ઉકેલ લાવવો જોઈએ, તેવા અભિપ્રાયો પણ આવી રહ્યા છે. આ વિવાદ સમાવવા સત્તારૂઢ યોગી સરકારે પહેલ કરીને વધુ સંનિષ્ઠ પ્રયાસો કરવા પડે તેમ છે,અને ઉભય પક્ષે કાનૂની તથા અદાલતી કાર્યવાહીના સંદર્ભે થતા કથિત નિવેદનો અટકાવીને સંતો અને સત્તા વચ્ચેનો સંભવિત સંઘર્ષ ટાળવો જોઈએ, તેવા જનપ્રતિભાવો પણ સંભળાઈ રહ્યા છે, અને એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે આપણી સંસ્કૃતિ અને દેશભક્તિને જોડતા પર્વોની ઉજવણી સમયે આ પ્રકારના વિવાદો ટાળીને રાજધર્મ તથા નાગરિક ધર્મ બજાવવો જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh