Advertisement
Author: નોબત સમાચાર

મુંબઈમાં વરસાદે વેર્યો વિનાશઃ પરિવહન-જનજીવન ઠપ્પ રૂ।. ૧૦૦૦ કરોડનું નુકસાન

લોનાવાલામાં ૧૦૦૦ વર્ષમાં એકવાર જોવા મળતી કુદરતી આફતઃ ધોધમાર વરસાદથી જળબંબોળઃ ૧૩ના મૃત્યુઃ તબાહી

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૭: માયાનગરી મુંબઈમાં બારેય મેઘ ખાંગા થતા તબાહી મચી છે, અને ૧૩ના મૃત્યુ ઉપરાંત રૂ।. ૧૦૦૦ કરોડથી વધુ નુકસાન થયું છે. પરિવહન અને જનજીવન ઠપ્પ છે. લોનાવાલામાં પણ ૧૦૦૦ વર્ષે આવતી આ કુદરત આફતે વિનાશ વેર્યો છે. મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં ૩ દિવસના ભારે વરસાદ મુંબઈ સહિત પડોશી વિસ્તારોને ઘેરી લીધા છે. મુંબઈ-પુણે, મુંબઈ-અમદાવાદ હાઈવે અને રેલવે વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે, જેથી હજારો મુસાફરો અટવાયા છે. ૧૩ લોકોના મોત થયા છે. હવામાન વિભાગે આગામી ૨ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીએ એનડીઆરએફ ટીમો તૈનાત કરી બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત અને ભારે વરસાદે મુંબઈ સહિતના પડોશી વિસ્તારોને બાનમાં લીધા છે. ભારતના આ આર્થિક પાટનગરને અન્ય રાજ્યો સાથે જોડતી સડક અને રેલવે વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જેના કારણે હજારો મુસાફરો અધવચ્ચે અટવાઈ પડયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યકત કરીને રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદે ફરી એકવાર વિનાશ વેર્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં પડેલા ભારે વરસાદને કારણે રેલ, રોડ અને હવાઈ સેવાઓ લગભગ ઠપ્પ થઈ ગઈ. આ આફતથી ભારતની આર્થિક રાજધાનીમાં વ્યવસાય અને દૈનિક પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ. કેટલાક અંદાજ મુજબ, મુશળધાર વરસાદને કારણે રૂ।. ૧,૦૦૦ કરોડથી વધુનું આર્થિક નુકસાન થયું છે.

ભારે વરસાદ વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે ખાનગી કંપનીઓને સલાહ આપી હતી કે શકય હોય ત્યાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપે. સોમવારે બિન-આવશ્યક અને અર્ધ-સરકારી કચેરીઓ માટે અડધા દિવસની રજા પણ જાહેર કરવામાં આવી હતી. ચિંતાજનક રીતે, ભારતીય હવામાન વિભાગએ ૮ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મુંબઈમાં છેલ્લા ચાર દિવસમાં જુલાઈ મહિનામાં લગભગ ૯૦ ટકા વરસાદ પડી ચૂકયો છે. તેમણે ચેતવણી આપી હતી કે રવિવારે પવનની ગતિ ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની હતી, જે સોમવારે ૫૦-૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધી શકે છે. રવિવારે મુંબઈમાં લગભગ ૩૫૦ વૃક્ષો પડી ગયા, જયારે લગભગ ૪૫૦ વૃક્ષોના થડ તૂટી ગયા. મહારાષ્ટ્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું હતું કે છેલ્લા ૩-૪ દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૩ લોકોના મોત થયા છે.

ફડણવીસે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી હતી. તેમણે પાલઘર અને વસઈ- વિરારનો ઉલ્લેખ એમએમઆરમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો તરીકે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુજરાતથી આવતી ઘણી ટ્રેનોને રોકવામાં આવી છે, અને જરૂર પડે ત્યાં મુસાફરોને રોડ માર્ગે મોકલવામાં આવી રહ્યા છે.

મુંબઈ અને પુણે વચ્ચે આવેલું મહારાષ્ટ્રનું પ્રખ્યાત હિલ સ્ટેશન લોનાવલા કુદરતના પ્રકોપનો ભોગ બન્યું છે. લોનાવલામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આભ ફાટતાં અધધ ૨૬.૩૭ ઈંચ (૬૭૦ મીમી) વરસાદ ખાબકયો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે અને અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લોનાવાલામાં આટલી ટૂંકી અવધિમાં આટલો પ્રચંડ વરસાદ પડવાની સંભાવના ૧,૦૦૦ વર્ષમાં માંડ એકાદ વાર જ હોય છે.

હવામાન વિભાગના પૂણે કેન્દ્રના કલાઈમેંટ રિસર્ચ એન્ડ સર્વિસિસ ડિવિઝનના પૂર્વ વડા કે.એસ. હોલીકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ (ટવિટર) પર આ ઐતિહાસિક વરસાદી ઘટનાનું વિશ્લેષણ શેર કર્યું છે. તેમના અહેવાલ મુજબ, લોનાવાલામાં ૧૬.૩૭ ઈંચ (૪૧૬ મીમી) વરસાદ ૨૫ વર્ષમાં એકવાર, ૧૮.૧૪ ઈંચ (૪૬૧ મીમી) વરસાદ ૫૦ વર્ષમાં એકવાર, ૧૯.૯૨ ઈંચ (૫૦૬ મીમી) વરસાદ ૧૦૦ વર્ષમાં એકવાર, ૨૪.૦૧ ઈંચ (૬૧૦ મીમી) વરસાદ ૫૦૦ વર્ષમાં એકવાર અને ૨૫.૭૧ ઈંચ (૬૫૪ મીમી) વરસાદ ૧,૦૦૦ વર્ષના ગાળામાં એકાદ વાર જ પડવાની સંભાવના હોય છે. ત્યારે આ વખતે પડેલો ૨૬.૩૭ (૬૭૦ મીમી) વરસાદ તમામ ભૂતકાળના રેકોર્ડ તોડી ચૂકયો છે. આ ઉપરાંત, નજીકમાં આવેલા પ્રખ્યાત પ્રવાસન સ્થળ તામ્હિણી ઘાટમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૨૦.૮૬ ઈંચ (૫૩૦ મીમી) જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

કે.એસ. હોસલીકરે વધુમાં જણાવ્યું હતું કે અતિભારે વરસાદના કારણે ભોર ઘાટ સેકશનમાં વ્યાપક પ્રમાણમાં ભેખડો ધસી પડવાની ઘટનાઓ બની છે. જેના સીધા પરિણામે મુંબઈ અને પુણેને જોડતો મુખ્ય એકસપ્રેસ-વે તેમજ કનેકિટંગ રેલવે લિંક સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે. આ માર્ગો પર વાહન વ્યવહાર અને ટ્રેનોની અવર જવર અટકી પડતાં હજારો મુસાફરો અટવાયા છે અને પરિવહન તંત્રને ભારે અસર પહોંચી છે. બીજી તરફ, લોનાવાલા નજીક આવેલી ઈન્દ્રાણી નદી જોખમી સપાટી વટાવીને ઓવરફલો થતાં કાર્લા ગામ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે, જયાંથી એક મહિલા સહિતના સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ભયાનક આપત્તિ વચ્ચે સોમવારે વહેલી સવારે માવલ તહસીલના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પાટણ ગામમાં હૃદયદ્રાવક ઘટના ઘટી હતી. ભારે વરસાદના કારણે ગામમાં એક સાથે ત્રણ જગ્યાએ મોટા ભૂસ્ખલન થયા હતા. લોનવલા ડિવિઝનના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ગજાનન તોમ્પેએ જણાવ્યું હતું કે, વહેલી સવારે જયારે આખો વિસ્તા નિંદ્રાધીન હતો ત્યારે પહાડ પરથી ભેખડ ધસી પડતાં એક મકાન તેની ઝપેટમાં આવી ગયું હતું. અને કાટમાળ નીચે આખું દટાઈ ગયું હતું.

દુર્ઘટના સમયે ઘરની અંદર હાજર એક જ પરિવારના ત્રણ સભ્યો કાટમાળની નીચે ફસાઈ ગયા હતા અને ત્રણેયના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્થાનિક પોલીસ એન સ્થાનિક બચાવ જૂથોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પૂરની સ્થિતિ વચ્ચે રાજકારણ પણ ગરમાયુ છે. વિપક્ષી ધારાસભ્યોએ વિધાનભવનના પગથિયા પર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. શિવસેનાના નેતા અંબાદાસ દાનવેએ 'મિસિંગ લિંક' રોડ પ્રોજેકટના કોંક્રિટ પિલર ધરાશયી થવા અંગે કોન્ટ્રાકટર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. જ્યારે કોંગ્રેસે જોખમી વૃક્ષો અંગે બીએમસીના સર્વે સામે સવાલો ઉઠાવ્યા છે.

મુંબઈ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદઃ

જામનગરથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ્દ

જામનગર તા. ૭: મહારાષ્ટ્ર-મુંબઈમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ટ્રેન સેવાને અસર થવા પામી છે. જામનગર આવન જાવન કરતી કેટલીક ટ્રેનો પણ રદ્ કરવામાં આવી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે પરિણામે ઠેર ઠેર પાણી ભરાયા છે જેમાં રેલવે ટ્રેકનો પણ સમાવેશ થાય છે. ગઈકાલ તા. ૬ના દાદર-પોરબંદર (સૌરાષ્ટ્ર એકસપ્રેસ), મુંબઈ સેન્ટ્રલ-ઓખા (સૌરાષ્ટ્ર મેઈલ), હાપા-મુંબઈ(દુરંતો એકસપ્રેસ) અને મુંબઈ-હાપા (દુરંતો એકસપ્રેસ) ટ્રેન રદ કરવામાં આવી હતી. આજની પોરબંદર-મુંબઈ (સૌરાષ્ટ્ર એકસપ્રેસ) પણ રદ્ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh