Advertisement
Author: નોબત સમાચાર

સોના-ચાંદીના ભાવોમાં તોતિંગ ગાબડુઃ રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

રેકોર્ડબ્રેક સપાટી આંબ્યા પછી ચાંદી ૧.૨૯ લાખ તૂટી, સોનું દસ ગ્રામ દીઠ ૩૩ હજાર જેવું ગબડયુઃ આસમાની તેજી પછી માર્કેટ ધરાશાયીઃ બ્લેક ફ્રાઈ ડે...

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૩૧: ગઈકાલે બુલિયન માર્કેટ માટે બ્લેક ફ્રાઈ-ડે પુરવાર થયો છે અને સોના-ચાંદીના ભાવોમાં એકદમ કડાકો બોલતા સોના-ચાંદીના સેકટરના રોકાણકારોને કરોડો રૂપિયા ગુમાવવા પડયા છે. ગોલ્ડ માર્કેટમાં પણ ઐતિહાસિક ધોવાણ થયુ છે. પહેલાં તેજીની ટોચે પહોંચ્યા પછી થયેલા ધોવાણના કારણો તથા વૈશ્વિક પ્રવાહોના તારણો કાઢવામાં આવી રહ્યા છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અને બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાર વિશ્લેષકોની પરપોટા ફૂટવાની આગાહી સાચી સાબિત થઈ છે. શુક્રવારે કિમતી ધાતુઓ માટે ઐતિહાસિક ઘટાડો થયો હતો. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં પ્રતિકિલો રૂ।. ૧.૨૯ લાખનો ઘટાડો થયો હતો, જ્યારે સોનામાં પણ એક જ ઝટકામાં રૂ।.૩૩,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો થયો હતો. આજે પણ સવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીમાં આવી રહેલી આ ક્રેશ જેવી પરિસ્થિતિએ રોકાણકારોને ચિતામાં મૂકી દીધા હતા.

હકીકતમાં, ગુરુવારે, એમસીએકસ પર ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂ।.૪,૨૦,૦૦૦ ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તે હવે ઘટીને  રૂ।.૨,૯૧,૦૦૦ પ્રતિ કિલો થઈ ગયા છે. આનો અર્થ એ છે કે ચાંદીના ભાવ ૨૪ કલાકમાં રૂ।.૧,૨૯,૦૦૦ ઘટ્યા છે. તેવી જ રીતે, એમસીએકસ પર સોનાના ભાવ, જે પ્રતિ ૧૦ ગ્રામ રૂ।.૧,૮૩,૯૬૨ની નજીક પહોંચ્યા હતા, તે હવે ઘટીને રૂ।.૧,૫૦,૮૪૯ પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગયા છે. આનો અર્થ એ છે કે સોનાના ભાવમાં પણ આશરે રૂ।.૩૩,૧૧૩નો ઘટાડો થયો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએકસ) પર સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી વધઘટ થઈ રહી છે. ગુરુવારે નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો, પરંતુ શુક્રવારે આ ઉછાળો અટકી ગયો હતો. આ પાછળના કારણો રોકાણકારો દ્વારા નફા-બુકિગ, નબળો પડી રહેલો યુએસ ડોલર, ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દર સ્થિર રાખવા અને યુએસમાં ઊંચો ફુગાવા હતા.

સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડો માત્ર સ્થાનિક બજારોમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ જોવા મળ્યો હતો. કોમેક્ષ પર ચાંદીના ભાવ, જે ડોલર ૧૧૯ પ્રતિ ઔંસના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા, તે નોંધપાત્ર ઘટાડા પછી હવે ડોલર ૮૫,૨૫૦ પ્રતિ ઔંસ પર આવી ગયા છે. સોનાના ભાવ, જે ડોલર૫,૫૦૦ પ્રતિ ઔંસને વટાવી ગયા હતા, તે હવે ડોલર ૪,૮૭૯.૬૦ પ્રતિ ઔંસ પર આવી ગયા છે.

સોનાના બજારમાં અત્યારે જે થઈ રહૃાું છે તે ઈતિહાસમાં ક્યારેય નથી થયું. છેલ્લા ૨૪ કલાકમાં સોનાના માર્કેટ કેપમાં જે ધોવાણ થયું છે, તેણે આખા વિશ્વના અર્થતંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગઈકાલે જ સોનામાં એક જ દિવસમાં મોટી ઉથલ પાથલ વચ્ચે ભયાનક ક્રેશની સ્થિતિ પણ જોવા મળી. સોનું એક જ દિવસમાં લગભગ ૩૩૦૦૦ રૂપિયાથી વધુ તૂટીને ૧૫૦૦૦૦ પ્રતિ ગ્રામની આસપાસ આવી ગયું હતું.

તાજા અહેવાલો મુજબ, સોનાના બજારમાં છેલ્લા ૨૪ કલાકમાં ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સોનાએ તેના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી અંદાજે ૬.૩ ટ્રિલિયન (૫૨૫ લાખ કરોડથી વધુ) ગુમાવ્યા છે. આ ઘટાડો એટલો મોટો છે કે તેની સરખામણી વિશ્વના ઘણા મોટા દેશોની જીડીપી સાથે પણ થઈ શકે તેમ નથી.

જો આ નુકસાનની ગણતરી સમય મુજબ કરવામાં આવે તો આ આંકડા વધુ ભયાનક લાગે છે. છેલ્લા ૨૪ કલાકમાં સતત દર કલાકે ૨૬૩ બિલિયન ડોલરનું નુકસાન અને દર મિનિટે અંદાજે ૪.૩૮ બિલિયન ડોલરનું નુકસાન થયું છે.

આ પ્રકારનો 'ડ્રો-ડાઉન' સોનાના હજારો વર્ષના ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી. ગત અઠવાડિયે સોનામાં જે વોલેટિલિટી જોવા મળી હતી, આજના કડાકાએ તેના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

નિષ્ણાતોના મતે, આ માત્ર એક સામાન્ય ઘટાડો નથી પણ 'હિસ્ટોરિક ટ્રેડિંગ કન્ડિશન' છે. મોટા સંસ્થાકીય રોકાણકારો દ્વારા એકસાથે કરવામાં આવેલી વેચવાલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા આર્થિક સમીકરણો આ માટે જવાબદાર હોઈ શકે છે.

બુલિયન બજારની બરબાદીના કારણો અને સંભાવનાઓ...

અવિરત તેજી પછી બુલિયન માર્કેટને બરબાદ કરવાના કારણો ચર્ચાઈ રહ્યા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કેવિન વોશને ફેડરલ રિઝર્વના આગામી પ્રમુખ બનાવવાની જાહેરાત કરી દીધી છે. ફેડના વ્યાજદરો ઘટવાની આશામાં રોકાણકારોએ ચાંદી અને સોનામાંથી રોકાણ પાછું ખેંચવાનું શરૂ કર્યું છે. તેને આ કડાકાનું મહત્ત્વપૂર્ણ કારણ ગણવામાં આવે છે. તે ઉપરાંત ચાંદી પહેલાથી જ ૪ લાખનો ઐતિહાસિક લેવલ ક્રોસ કરી ચૂકી હતી. જેના કારણે નફાખોરી પણ થઈ હતી. તેમજ અમેરિકામાં સંભવિત શટડાઉન ટાળવા માટે ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે સમજૂતી થઈ જતાં ડોલરના ઈન્ડેકસમાં પણ ઉછાળો આવ્યો હતો, તે પણ આ બરબાદીના મૂળ કારણોમાં ગણી શકાય. જો કે, નિષ્ણાતોનું માનવું છે કે શોર્ટ ટર્મમાં ભલે સોના-ચાંદી બજારમાં ઉથલ પાથલ જોવા મળે પણ સપ્લાયની અછત અને વધતી માગને પગલે ચાંદી ફરી ૪ લાખને ક્રોસ કરી શકે છે. જો કે અમુક નિષ્ણાતો કહે છે કે ચાંદીની ચમકથી સાવચેત રહેવાની જરૂર છે. ભવિષ્યમાં હજુ કિંમતમાં કરેકશન આવી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh