Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એસઆઈઆરની આડમાં ચોક્કસ જ્ઞાતિના હજારો નામો હટાવવાનું ષડ્યંત્રઃ વિક્રમ માડમ

ભાજપના ઈશારે આચરાયેલી ગોબાચારી તથા ડમી નામે અરજી કરનારા સામે કોંગ્રેસ દ્વારા ફોજદારી ફરિયાદ કરવાના ચક્રો ગતિમાનઃ કાનૂની જંગનો લલકાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં સરકારી તંત્ર દ્વારા ભાજપ સરકારના ઈશારે ચોક્કસ વિસ્તાર અને ચોક્કસ વર્ગ/જ્ઞાતિના અસંખ્ય લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાના ષડ્યંત્રનો કોંગ્રેસપક્ષ દ્વારા પર્દાફાશ કરી આ મુદ્દે પોલીસમાં ફોજદારી ફરિયાદ અને ત્યારપછી કાનૂની લડત આપવાનો પડકાર કરવામાં આવ્યો છે.

જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસઆઈઆરની કામગીરીમાં મોટાપાયે ગોબાચારી ચાલતી હોવાના મુદ્દે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, અને આ સમયે જામનગર શહેરના જ ૪૦ જેટલા નાગરિકોને રૂબરૂ હાજર રાખી નામ કમી કરવાની પ્રક્રિયા અંગે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પત્રકાર પરિષદમાં દૃષ્ટાંત રૂપે જ આ અરજદારોને હાજર રાખવામાં આવ્યા હતાં, બાકી હજારો લોકોનું નામ કમી થઈ ગયાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે તેમ જણાવાયું હતું.

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જામનગર શહેર/જિલ્લો તથા હાલારમાં એસઆઈઆરની લોકોના મતાધિકાર છીનવી લેવા જેવી ચાલી રહેલી કામગીરી સામે કોંગ્રેસ દ્વારા ચલાવવમાં આવી રહેલી લડતની વિગતો રજૂ કરી હતી.

પૂર્વ સાંસદ અને હાલારના કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિક્રમભાઈ માડમે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચોક્કસ વિસ્તારના અને ચોક્કસ વર્ગ/જ્ઞાતિના લોકોના નામ કમી કરવાનું ષડ્યંત્ર ભજપના ઈશારે ચાલી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી લઈ રાજ્યમાં છેલ્લા રપ-રપ વર્ષથી ભાજપનું શાસન છે, ત્યારે ભાજપ શા માટે મતદાર યાદીમાંથી નામો કમી કરવાની આટલી કવાયત કરે છે? તેનું કારણ એક જ છે કે સમગ્ર ગુજરાતમાં ભાજપના શાસનમાં ચારેતરફ દરેક ક્ષેત્રમાં ખૂબ જ મોટાપાયે ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો છે અને તે વધુને વધુ વ્યાપક બની રહ્યો હોવાથી ગુજરાતની શાંત અને સમજુ પ્રજા હવે ત્રસ્ત થઈ ગઈ છે, જેથી ભાજપને હવે આગામી ચૂંટણીઓમાં પરાજયનો ખૂબ જ ડર લાગી રહ્યો હોવાથી આવી તદ્ન હીન પ્રકારની હરકતો કરી રહ્યું છે. તેમણે ભાજપના નેતાઓને જણાવ્યું કે તમે આવી કામગીરી કરાવીને મત અને સત્તા માટે દેશના લોકોમાં ઝેરના વાવેતર કરી રહ્યા છો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોટા ગામનું ઉદાહરણ આપી તેમણે જણાવ્યું હતું કે મહદ્અંશે મુસ્લિમ વસ્તી ધરાવતા આ ગામના ૬૦૦ મતદારોમાંથી ગામના અસંખ્ય સહિત ૩૦૦ જેટલા મતદારોના નામ કમી કરી દેવાયા છે. જિલ્લામાં ર૮,૦૦૦ નામો કમી કરાાયા છે ત્યાં ૪૦ જેટલા વ્યક્તિઓ પોલીસમાં ફરિયાદ કરવા રૂબરૂ ગયા તો પોલીસ વિભાગે ફરિયાદ લેવાનો ઈન્કાર કરી દીધો. હવે કોર્ટનો આશરો લેવો પડશે.

જે લોકોના નામ કમી કરવા ફોર્મ નં. ૭ ભરાયા છે તે ફોર્મ રજૂ કરનાર કોઈ છે જ નહીં, ડમી નામ અને ડમી ફોન નંબરો સાથેના ફોર્મ માન્ય રાખી દેવાયા છે. કોંગ્રેસના આગેવાનોએ આવા અનેક ફોર્મ ભરનારાઓ સામે ફોજદારી ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, પ્રાંત અધિકારી, મામલતદાર અને જિલ્લા કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓને પણ ચેતવ્યા છે કે તમે પ્રજાના પૈસે પગાર-સુવિધા લેતા પ્રજાના સેવક તરીકે નોકરી કરો છો! અને એક પ્રકારના 'પાપ'માં પણ ભાગીદાર બની રહ્યા છો. ભાજપ કે સરકાર તમને બચાવવા આગળ નહીં આવે!

જામનગર શહેરના ૪૦ જેટલા પરિવારોમાંથી એક-એક- એક વ્યક્તિને પત્રકારો સમક્ષ બોલાવવામાં આવ્યા હતાં. જેમાંથી એક તો વર્ષોથી સરકારી નોકરી કરતો હોવા છતાં તમે મતદાર નથી, તમે ભારત દેશના નાગરિક નથી, તમે નાગરિક છો તેવા આધાર-પુરાવા રજૂ કરો તેવા ફોન-સૂચના-નોટીસો મળી છે.

કોંગ્રેસના નેતાએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો છે ભાજપના કાર્યાલયમાંથી ફોન નં. ૭ નું વિતરણ કરી આ પ્રકારની ગોબાચારી કરવામાં આવી રહી છે.

કેન્દ્રિય સ્તરે કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તે જ રીતે દરેક શહેર/જિલ્લામાં અદાલતમાં નામ કમી કરનારાને હાજર કરો તેવી માગણી સાથે તેમની સામે તથા જવાબદાર અધિકારીઓ સામે અદાલતમાં ફરિયાદો દાખલ કરવામાં આવશે. બીએલઓ ઉપર દબાણ લાવવાના કારણે આત્મહત્યાના, નોકરી છોડવાના અનેક કિસ્સા ભાજપ સરકાર અને ઉચ્ચ અધિકારીઓના દબાણના કારણે જ થયા છે.

એક-બે વ્યક્તિના ઉદાહરણો રજૂ થયા, જેમાં એક વ્યક્તિએ ૧૧૧ જેટલા ફોર્મ-૭ ભરીને નામ કમી કરવાની હરકત કરી. આ નામની કોઈ વ્યક્તિ જ નથી, તેનો મોબાઈલ નંબર પણ ખોટો હોવાનું જણાવ્યું છે.

આમ એસઆઈઆર કામગીરીમાં ચાલતી ગોબાચારીનો અરજદારોને હાજર રાખીને રીતસર પર્દાફાશ કરી લોકોને જાગૃત થઈ પોતાનો મતાધિકાર છીનવાઈ ન જાય તે માટે લડતમાં જોડાવા હાકલ કરી હતી.

આ પત્રકાર પરિષદમાં મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર સહારાબેન મકવાણા, કોર્પોરેટરો આનંદભાઈ રાઠોડ, કાસમભાઈ જોખિયા, મીડિયા ઈન્ચાર્જ સંજયભાઈ કાંબરિયા, શહેર મહામંત્રી પ્રવિણભાઈ જેઠવા, અન્ય હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh