Advertisement
Author: નોબત સમાચાર

જાયવા-લૈયારા વચ્ચે અકસ્માતમાં ધ્રોલના પ્રૌઢનું મૃત્યુઃ દરેડ પાસે હિટ એન્ડ રનનો બનાવ

જાંબુડા પાટીયા પાસે મોટરની હડફેટે બાઈકચાલકનું મૃત્યુઃ ખાખરા પાસે અકસ્માતમાં બેને ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ વધુ એક વખત રક્તરંજિત થયો છે. ગયા સપ્તાહે સર્જાયેલા અકસ્માતના સ્થળ પાસે જ-લૈયારાથી જાયવા વચ્ચે આજે સવારે વધુ એક અકસ્માતમાં ધ્રોલના પ્રૌઢનો ભોગ લેવાયો છે. બુધવારે બપોરે જાંબુડા પાટીયા પાસે અકસ્માતમાં રાજસ્થાનના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. લાલપુર બાયપાસથી દરેડ વચ્ચે રવિવારે સર્જાયેલા હિટ એન્ડ રનના બનાવમાં ઘવાયેલા પ્રૌઢ પર કાળનો પંજો પડ્યો છે. રવિવારે સાંજે ધ્રોલના સણોસરા ગામના પાટીયે એક બાઈકને મોટરે ટક્કર મારતા ખાખરા ગામના બે મિત્ર ઘવાયા છે.

જામનગરથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર જાયવા ગામ પાસે ગયા શનિવારે એક ટેન્કરની પાછળ કીયા કંપનીની મોટર ઘૂસી ગયા પછી ધ્રોલના યુવાનના મૃત્યુના અહેવાલ પછી આજે સવારે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં પેટ્રોલપંપમાં નોકરી કરતા અને ધ્રોલની મોચી બજારમાં રહેતા રાજેશભાઈ વિનુભાઈ વાજાર (ઉ.વ.૪૫)નું મૃત્યુ થયું છે.

ધ્રોલથી લૈયારા વચ્ચે જાયવા ગામ પાસે આજે સવારે રાજેશભાઈ પોતાના મોટરસાયકલ પર પસાર થતા હતા ત્યારે જીજે-૬-એલકે ૨૧૩૫ નંબરની મોટરે તેઓને ઠોકર મારતા રાજેશભાઈ રોડ પર બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા. આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવના પગલે ધ્રોલમાં અરેરાટી પ્રસરી ગઈ છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ધસી ગયો હતો.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જાંબુડા ગામના પાટીયા પાસે બુધવારે સાંજે ભવાનીસિંગ ભેરૂસિંગ રાજપૂત (ઉ.વ.૪૯) નામના યુવાન ત્યાં આવેલી એક હોટલે ચા પીવા માટે જીજે-૧૦-ઈબી ૬૬૨ નંબરના મોટરસાયકલમાં આવ્યા હતા.

મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ટોંક ગામના વતની આ યુવાન જ્યારે ચા પીને ટ્રાન્સપોર્ટની એક ઓફિસ તરફ જવા માટે નીકળ્યા ત્યારે હોટલથી થોડે દૂર તેઓને જીજે-૧૦-એસી ૨૨૯૦ નંબરની મોટરે ટક્કર મારી દીધી હતી. રોડ પર પછડાયેલા ભવાનીસિંગને માથાના પાછળના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. સારવારમાં લઈ જવાયેલા ભવાનીસિંગનું મૃત્યુ નિપજ્યું છે. તેમના ભાઈ ભરતસિંગ રાજપૂતે મોટરચાલક સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ ઉત્તરપ્રદેશના સીકંદરપુરા જિલ્લાના હજપુરા ગામના વતની અને હાલમાં દરેડમાં વસવાટ કરતા બાબુરામ છોટેલાલ રાજભર નામના પ્રૌઢ ગયા રવિવારે રાત્રે અગિયારેક વાગ્યે લાલપુર બાયપાસથી દરેડ તરફ જતા હતા ત્યારે તેઓને એક અજાણ્યું વાહન ચગદી નાખીને નાસી છૂટ્યું છે. ગંભીર ઈજા પામેલા બાબુરામને સારવારમાં લઈ જવાયા પછી ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પુત્રી લક્ષ્મીબેન રાજભરે અજાણ્યા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી હિટ એન્ડ રનના આ બનાવની તપાસ શરૂ કરી છે.

ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં વસવાટ કરતા બટુકસિંહ હઠુભા જાડેજા નામના પ્રૌઢ તથા તેમના મિત્ર વિરમભાઈ ગયા રવિવારે સાંજે લતીપર ગામમાં ભેંસ જોવા માટે આવ્યા હતા. ત્યાંથી બંને મિત્રો મોટરસાયકલ નં.જીજે-૩-સીએન ૧૩૭૬માં ખાખરા ગામ જવા નીકળ્યા હતા.

આ વેળાએ વિરમભાઈ બાઈક ચલાવતા હતા. તેઓ ખાખરા પાસે પહોંચ્યા પછી ગામમાં જવા માટે જ્યારે રોડ ક્રોસ કરતા હતા ત્યારે રાજકોટ તરફથી પુરપાટ ધસી આવેલી જીજે-૩-એનએફ ૩૨૬૮ નંબરની મોટરે બાઈકને હડફેટે લીધુ હતું. આ અકસ્માતમાં બટુકસિંહને હાથમાં ફ્રેક્ચર થયું છે અને વિરમભાઈનો પગ ભાંગી ગયો છે. ધ્રોલ પોલીસ મથકમાં બટુકસિંહે ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh