Advertisement
Author: નોબત સમાચાર

આપણો ટ્રાફિક, એ જ આપણી લાઈફ-સ્ટાઇલ

                                                                                                                                                                                                      

હું છેલ્લા એક વર્ષ થયા ઑસ્ટ્રેલિયામાં હતો. ઓસ્ટ્રેલિયામાં હું ફરવા માટે ગયેલો એટલે ખૂબ જ  ફર્યો. એડીલેડ અને મેલબોર્નના લગભગ બધા જ રસ્તાઓ પર  ફર્યો. ત્યાં મોર્નિંગ વોક પણ કર્યું અને ઈવનિંગ વોક પણ કર્યુ. ૬૦ - ૭૦ ની સ્પીડે આવતા વાહનો વચ્ચે પણ આરામથી રોડ ક્રોસ કર્યા. કોઈ જ ટેન્શન નહીં. કારણ કે રોડ ક્રોસ કરવો હોય ત્યારે આપણે તો ફક્ત ગ્રીન સિગ્નલ જોવાનું, અને રોડ પર દોરેલા જીબ્રા પરથી રોડ ક્રોસ કરી લેવાનો. બાકીની બધી ચિંતા તો વાહન ચાલકે જ કરવાની. કશું થાય તો જવાબદારી વાહન ચાલકની.

રસ્તો ક્રોસ કરતા કોઈ રાહદારીને જુએ એટલે વાહન ચાલક અચૂક બ્રેક મારે -- આપણી જેમ હોર્ન નહીં. ત્યાં હોર્ન તો પંદર વીસ દિવસે માંડ એકાદ વખત સાંભળવા મળે, મોટેભાગે તો એમ્બ્યુલન્સના જ હોર્ન હોય. હું તો ભૂલી જ ગયેલો કે વાહનોમાં હોર્ન  પણ હોય છે...!

અને ઓસ્ટ્રેલિયામાં રખડવાના  આનંદમાં હું તો એ પણ ભૂલી જ ગયેલો કે એક વર્ષ પછી મારે પાછું ભારત આવવાનું છે. એટલે જ હું ઓસ્ટ્રેલિયામાં ફક્ત જીબ્રા  ક્રોસિંગ અને ટ્રાફિક સિગ્નલની લાલ -  લીલી લાઈટો જોઈને જ આરામથી  ફર્યો. હું તો એ પણ ભૂલી જ ગયેલો કે ભારતમાં તો આપણે  ફૂટપાથ પર ચાલતા હોઈએ ત્યારે પણ રોંગ સાઈડમાંથી આવતા, કે રેડ સિગ્નલ જંપ કરીને આવતા વાહનોથી જ વધારે સાવચેત રહેવું પડે છે...

અને મારી આ ઓસ્ટ્રેલિયાની બિન્દાસ અને બેમિસાલ રખડપટ્ટીની કિંમત  આજે હું ચૂકવી રહ્યો છું. ઓસ્ટ્રેલિયાથી પાછા આવ્યાને મને લગભગ બે મહિના થયા. પરંતુ હજુ સુધી મને જામનગરની સડકો પર ટુ વ્હિલર ચલાવવાની હિંમત થતી નથી.

આજ સુધી તો એવું થતું કે હું બેડીગેટ પાસે હોવ ત્યારે મને જો કડક મીઠી ચા પીવાની ઈચ્છા થાય એટલે ફક્ત ૧૦ મિનિટમાં પંચેશ્વર ટાવર પહોંચી જાઉં, -- એ પણ સાંજના ભરચક ટ્રાફિકમાં રોડની વચ્ચે ચાલતા ચાલતા. ચાલવા માટે ફૂટપાથ ? એ વળી શું ?

પરંતુ ઓસ્ટ્રેલિયાથી આવ્યો ત્યારથી મને ફૂટપાથ પર ચાલવાની ખરાબ ટેવ પડી ગઈ છે. એટલે  બેડી ગેઈટ પાસે ફૂટપાથ શોધવામાં જ મારી ૧૦ મિનિટ બગડે છે. પછી ફૂટપાથ પર દસ જ પગલાં ચાલુ છું ત્યાં જોવા મળે છે કે  ફૂટપાથ બંધ..! ક્યાંક ફૂટપાથ પર જ માલ સામાન પથરાયેલો પડ્યો હોય છે તો ક્યાંક દુકાનમાં જગ્યા ન હોવાથી ગ્રાહકો ફૂટપાથ રોકીને ઊભા હોય છે.

પછી તો મારે ફરજિયાત રસ્તા પર જવું પડે છે અને ફક્ત ૧૦ મિનિટનો રસ્તો કાપતા મને ૪૦ મિનિટ લાગે છે.

ટ્રાફિકની આ અવ્યવસ્થા જે આપણા જામનગરમાં અને બીજા બધા શહેરોમાં છે, તે કોઈ મુસીબત નહીં પરંતુ આપણી રાષ્ટ્રીય રમત છે, આપણી લાઈફ સ્ટાઈલ છે, આપણી  ફિલોસોફી છે. અને કેટલાક લોકો માટે તો શહેરની અંદર જ રમવા મળતી એડવેન્ચર  સ્પોર્ટ્સ છે..

શહેરમાં સવાર - સાંજ જોવા મળતો ટ્રાફિક, એ બીજું કશું નહીં પરંતુ આપણા માટે તો યોગ શીખવાની એક ટ્રેનિંગ છે. તમે શહેરના રસ્તાઓ ઉપર જેટલી સરળતાથી અને કોઈ પણ જાતના અકસ્માત વગર પસાર થઈ શકો, તો તમે યોગાભ્યાસ કરવા માટેના પરફેક્ટ કેન્ડિડેટ છો.

બાબા રામદેવ પણ તમને આનાથી વધારે સારો યોગાભ્યાસ કરાવી શકશે નહીં...!!

વિદાય વેળાએ : જીવનમાં જે વાત ખાલી પેટ અને ખાલી ખિસ્સા શીખવાડે છે તે વાત.....

દુનિયાની કોઈપણ યુનિવર્સિટી કે કોઈપણ શિક્ષક  શીખવાડી શકતા નથી...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh