Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત દેશના પક્ષ-વિપક્ષના નેતાઓ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ વ્યકત કર્યું દુઃખ-મહારાષ્ટ્ર સહિત દેશભરમાં છવાયો શોક

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૮: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા અજિત પવારનું ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થતા મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં શોક છવાયો છે, અને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત અગ્રગણ્ય લોકો દુઃખ વ્યકત કરી રહ્યા છે.

બારામતીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત ૫ લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજિત પવાર સહિત બે પાઇલટ, ૧ ક્રૂ મેમ્બર અને ૧ અન્ય વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહૃાું હતું કે અમને આશા હતી કે અજિત પવાર રાજકારણમાં લાંબી ઈનિંગ રમશે પણ એવું ના થયું. આ ઘટનાને લઈને સમગ્ર મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસ પરથી દાવો કરાયો છે કે, ધુમ્મસને કારણે પાઇલટને એરસ્ટ્રીપ જ દેખાઈ નહોતી જેના કારણે વિમાન રન-વે પર લેન્ડ ન થઈ શક્યું. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી અને લેન્ડિંગ સમયે જ પાઇલટ થાપ ગયાનો દાવો કરાયો છે. જો કે કેટલાક સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના પગલે તે ક્રેશ થઇ ગયું.

 વિમાને ક્રેશ થતાં પહેલા બે વખત લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. અત્યારે એએઆઈબી દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને તેના પછી જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

સુત્રોના જણાવ્યા મુજબ બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજિત પવાર ત્યાં જઇ રહૃાા હતાં. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાન આગમાં લપેટાઈ ગયું છે. ધૂમાડાના ગોટેગોટા ઉડી રહૃાા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત અનેક લોકોના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. અજિત પવારનું અકાળે અવસાનએ એક ન પૂરી શકાય તેવી ખોટ છે. મહારાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં તેમના વિશેષ યોગદાન માટે તેમને હંમેશાં યાદ રાખવામાં આવશે. હું તેમના પરિવાર, સમર્થકો અને પ્રશંસકો પ્રત્યે ઊંડી શોક સંવેદના વ્યકત કરૃં છું.

વડાપ્રધાન મોદીએ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, બારામતી વિમાન દુર્ઘટનાથી ખૂબ દુઃખી છું. અજિત પવાર જનતાના નેતા હતા. પાયાના સ્તરે મજબૂત જોડાણ ધરાવતા હતા. મહારાષ્ટ્રના લોકોની સેવામાં મોખરે રહેનારા મહેનતુ વ્યકિત તરીકે તેમનું સન્માન કરવામાં આવતું હતું. વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબ તથા પછાત લોકોને સશકત બનાવવાનો તેમનો જુસ્સો પણ પ્રશંસનીય હતો. તેમનું અકાળે અવસાન અત્યંત આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ.

એવું કહેવાય છે કે, અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે જ અધવચ્ચે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. જો કે એનસીપી નેતા માજિદ મેમણે જણાવ્યું કે અજિત પવાર આજે બારામતી આવવાના હતા. વિમાનમાં કુલ ૫ લોકો સવાર હતા. સવારે ૮:૪૫ વાગ્યાની આજુબાજુમાં જ આ વિમાન રન વે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઈ ગયું હતું. ડીજીસીએ દ્વારા આ વિમાન દુર્ઘટનાની પુષ્ટી કરવામાં આવી છે.

અજિત પવારના નિધન પર મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશભરમાં શોકની લહેર દોડી ગઈ છે. પીએમ મોદી તથા કેન્દ્રીય મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ સાથે આ મામલે ચર્ચા કરી ઘટનાની જાણકારી મેળવી હતી. આ સાથે સુપ્રિયા સુલે પણ બારામતી જવા રવાના થયા હતા. બીજી બાજુ વિપક્ષના નેતાઓ સંજય રાઉત, મહેબુબા મુફતી સહિત અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યકત કર્યો હતો.

મુંબઈથી મળતા તાજા અહેવાલો મુજબ આ અકસ્માતમાં અજિત પવાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સ્થાનિક મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબો તેમને બચાવી શકયા નહોતા. રિપોર્ટ અનુસાર, વિમાનમાં સવાર જે ૫ લોકોના મોત થયા છે, જેમાં અજિત પવારના પીએસઓ અને બે ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh