Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ખોડીયાર કોલોનીનો દિગ્જામ સર્કલ સુધીનો રસ્તો સિક્સ લાઈન થવાનો છે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થશે, તેવો દાવો કરાયો છે, જો જે પ્રકારે દાવો કરવામાં આવી રહ્યો છે, તેવી જ સુવિધાઓ સાથે જો ગુણવત્તા સભર નવીનીકરણ, આધુનિકરણ અને વિસ્તૃતિકરણ થશે, તો કદાચ ટ્રાફિક સમસ્યા હળવી પણ થાય, પરંતુ તે પહેલા ઘણાં પાસાઓનો વિચાર પણ કરવો પડે તેમ છે.
જો કે, આ પ્રકારના ડેવલપમેન્ટની જરૂર છે જ, અને એવું ઈચ્છિયે આ જ પ્રકારના આયોજનો થતા રહે, પરંતુ લોકો એવું કહે છે કે નવા આયોજનોનો અમલ કરતા પહેલા પહેલાના અધુરા કે લટકી પડેલા કામો પૂરા કરવા જોઈએ અથવા નવા કામોની સાથે સાથે અગાઉના કામો પણ સંપન્ન થાય, તેની દરકાર કરવી જોઈએ., અન્યથા આ પ્રકારના આયોજનો અને તેની પબ્લિસિટી માત્ર સ્ટંટ જેવા જ લાગે અને તંત્રો તથા શાસકોની નિયત અથવા તો આવડત પર નગરજનોને આશંકા ઉપજે, તે સ્વાભાવિક છે.
જામનગરની ફરતે જે વર્તમાન રીંગરોડ છે, તેના વિસ્તૃતિકરણને વર્ષો લાગી ગયા, છતાં હજુ પણ કામ અધુરૃં જ છે. કામની શરૂઆત થયા પછી કેટલાક સ્થળે રોડની બંને તરફના કાયમી અને હંગામી પ્રકારના દબાણો દૂર કરાયા અને તે પછી જુદા જુદા વિકાસ કામો માટે ખોદકામો થતા રહ્યા અને ફરી ડામર પાથરીને સડકો બનાવાતી રહી, પરંતુ તે રીંગરોડનું કામ ચાલતુ જ રહ્યું...ચાલતુ જ રહ્યું અને હજુ પણ ચાલી જ રહ્યું છે...
જામનગર જેવી સ્થિતિ હાલારના અન્ય શહેરોની પણ છે...ખંભાળીયાની ઘી નદીની ગાંડી વેલ એટલી જીદ્દી છે કે તેને ત્રિપલ એન્જિનની સરકાર કે પછી ત્રિપલ એન્જિનની ભ્રષ્ટાચારની જમાત પણ હટાવી શકી નથી. ખંભાળીયામાં ઈમારતો વધી છે પરંતુ ઈન્ફ્રાસ્ટ્રકચર વધ્યું નથી, અદ્યતન એપાર્ટમેન્ટો તથા આધુનિક સુવિધાઓ સાથેના રહેણાંક વિસ્તારો વધ્યા છે, પરંતુ તેને સંબંધિત માળખાકિય સુવિધાઓ વધી રહી નથી. સંચાર અને ઈનટરનેટ આધારિત ડિજિટલ સેવાઓ વિકસી રહી છે, પરંતુ નગરની મોટા ભાગની બેંકીંગ અને ટપાલ સેવાઓને લઈને અવાર નવાર ફરિયાદો ઉઠતી જ રહે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો તેને વર્ષો વીતી ગયા, પરંતુ આ જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં જિલ્લા મથક જેવી સુવિધાઓ તો ઠીક, એક નિયોજીત નગર જેવી સુવિધાઓ પણ પૂરેપૂરી વિકસી શકી નથી. નગરમાંથી સરકારી કચેરીઓ બહાર ખસેડાઈ અને ગીચ શહેરમાંથી સરકારી બાબુઓ પોતે હવા-ઉજાસવાળા ખુલ્લા સંકુલો બનાવીને ત્યાં કચેરીઓ લઈ ગયા, પરંતુ મૂળ ખંભાળીયાને એવુંને એવું જ છોડી દીધું. આ જિલ્લો નવો બન્યો ત્યારે જિલ્લાનું મુખ્ય મથક ખંભાળીયા રાખવું કે દ્વારકા રાખવું તેની ખેંચતાણ થઈ હતી, હજુ પણ સચિવાલયના કેટલાક વિભાગો કદાચ દેવભૂમિ દ્વારકા જિલ્લાના નામ મુજબ દ્વારકાને પાટનગર માનીને કયાંક ગફલત કરતા હોય, તેવા અહેવાલો એ સૂચવે છે કે સરકારમાં કેવું લોલંલોલ ચાલે છે...
દેવભૂમિ દ્વારકા જિલ્લો થયો અને તેનું પાટનગર (હેડ કવાર્ટર) જામ-ખંભાળીયા રહેશે, તેવું જાહેર થયા પછી ખંભાળીયામાં તમામ જિલ્લા કચેરીઓ તબક્કાવાર કાર્યરત થવી જોઈતી હતી. પરંતુ વર્ષો વિત્યા પછી પણ હજુ ઘણી કચેરીઓ કાં તો જામનગરથી ચલાવાઈ રહી છે, અથવા તો હજુ બંને જિલ્લાઓ વચ્ચે તંત્રો અટવાયા કરે છે. દૃષ્ટાંત તરીકે હજુ ખંભાળીયામાં ગ્રાહક સુરક્ષાની જિલ્લાકક્ષાની કચેરી કે લેબર કોર્ટ પણ હજુ મળી નથી, તેથી એવો વ્યંગ પણ થઈ રહ્યો છે કે ખંભાળીયાને જિલ્લાનું મથક ભલે બનાવાયુ હોય, પરંતુ જિલ્લા મથક જેવું ગણીને તેનો વિકાસ થયો નથી. એવી આલોચના પણ સંભળાઈ કે ત્રિપલ એન્જિનની સરકારે શ્રમિકો અને ગરીબોની સુવિધાઓ માટે ગ્રાહક સુરક્ષા કે લેબર કોર્ટની માંગણીઓ કે રજૂઆતો સાંભળતી નથી, જ્યારે મોટા માથાઓ કે મોટી કંપનીઓની અનુકૂળતા માટે મેગા વિકાસ પ્રોજેકટો ઊભા કરવામાં કોઈએ "રજૂઆત" પણ કરવી પડતી નથી !
યાત્રાધામ દ્વારકા વિશ્વ વિખ્યાત યાત્રાનું ધામ હોવાથી દ્વારકા મંડળના ધાર્મિક પર્યટન સ્થળોનો વિકાસ થાય છે, પરંતુ એ જ તાલુકાઓ ગામડાઓની મૂળભૂત જરૂરિયાતો પણ સંતોષાતી નહીં હોવાની રાવ પણ ઉઠતી રહે છે. હાલારની અન્ય નગરપાલિકાઓમાં પણ આવી જ સ્થિતિ છે, એટલે જ કહી શકાય કે... "કહાની હર શહર કી...કહાની હર ગાંવ કી"
ગઈકાલે જ ખંભાળીયાની નગરપાલિકાના વોર્ડોની નવરચનાના સમાચાર આવ્યા હતા, અને નવા સીમાંકન મુજબ વર્ગીકરણ પણ જાહેર થયું હતું, ખંભાળીયાની નગરપાલિકાનો કાગળ પર તો ગ્રેડ વધી ગયો, પરંતુ એ નો એ જ સ્ટાફ અને એ ની એ જ સુવિધાઓથી કામ ગબડાવાઈ રહ્યું હોય, તો એ પ્રકારના અપગ્રેડેશનનો શું ફાયદો ? એ પ્રકારના પ્રશ્નો ઉઠે એ સ્વાભાવિક જ છે ને ?
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેટલાક વિસ્તારોને કાનૂની કાર્યવાહી માટે જિલ્લા કક્ષાની સુવિધાઓ ખંભાળીયા હતી, તે બરાબર હતું, પરંતુ તેને દ્વારકા ખસેડાઈ, તે પણ અણઆવડતનું જ દૃષ્ટાંત જ છે ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial