Advertisement
Author: નોબત સમાચાર

ભારતના બારેય જયોતિર્લીંગના સાનિધ્યમાં દ્વાદશ જયોતિર્લીંગ કોટી રૂદ્ર મહાયાગ યજ્ઞમાળાનું આયોજન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગેશ્વર જયોતિર્લિંગ સહિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા)ના ઉપક્રમે ચાલુ મહિનામાં દ્વાદશ જયોતિર્લિંગ કોટી રૂદ્ર મહાયાગ યજ્ઞમાળાની ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. આયોજક સંગઠન દ્વારા લાખો વર્ષો પછી કળિયુગમાં સર્વપ્રથમ વખત આવું આયોજન થઈ રહ્યું હોવાનું જણાવાયું છે.

આયોજન અનુસાર ભારત વર્ષમા વિદ્યમાન અને પાવનતીર્થ ગણાતા બારેય જયોતિર્લિંગ સ્થળે તારીખ ૧૯-૨-૨૦૨૬ થી ૨૭-૨-૨૦૨૬ના દિવસો દરમિયાન એક સાથે મળી કુલ ૧૦૮ કુંડી હોમાત્મક યજ્ઞમાળા રચવામાં આવી છે.

આ સંસ્થાના પ્રમુખ અને મુખ્ય આયોજક હાપા (જામનગર)ના હર્ષદભાઈ જી. વ્યાસ દ્વારા જણાવાયું છે કે, વર્ષ ૨૦૨૧ના કોરોના મહામારી સમયગાળાથી આ કાર્યક્રમના આયોજનનું બીજ રોપાયું હતું. જેમાં છેલ્લા છ મહિનાથી તડામાર અને તલસ્પર્શી તૈયારીઓ આરંભી હતી.

દેવાધિદેવ શિવજીને પ્રસન્ન કરવા તેમજ ભકિત થકી જીવનમાં દિવ્યતા લાવવા માટે મહાદેવજીનું અનેક પ્રકારે પૂજન-અર્ચન ભાવિકો કરતા રહે છે. જેમાં રૂદ્રાભિષેકનું સ્થાન મહત્ત્વનું છે. ૧૧ લઘુરૂદ્ર બરાબર ૧ મહા લઘુરૂદ્ર, ૧૧ મહારૂદ્ર બરાબર ૧ અતિરૂદ્ર અને ૧૧ અતિરૂદ્ર બરાબર ૧ કોટીરૂદ્ર મહાયાગ થાય, તેવો વિદ્ધાનો- આચાર્યોનો મત છે. સત્તયુગ અને ત્રેતાયુગમાં ઋષિ-મુનિઓ તેમજ મહારાજાઓ દ્વારા કોટિરૂદ્ર મહાયાગ યોજાતા હતા. જો કે સનાતન ધર્મની પાવન ભૂમિના પ્રસિદ્ધ યાત્રાધામ એવા બારેય જયોતિર્લિંગના સ્થાનકો ઉપર એક સાથે- એક જ સમયે આ યાગની યજ્ઞમાળા રચાતી હોય તેવી સર્વપ્રથમ ઘટના બની રહી છે.

ગુજરાત રાજ્યમાં સોમનાથ તથા દેવભૂમિ દ્વારકા સ્થિત નાગેશ્વર જયોતિર્લિંગ વિદ્યમાન છે. બાકીના ૧૦ જયોતિર્લિંગ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તામીલનાડુ જેવા દુરના રાજ્યમાં સ્થપાયેલા છે. પ્રત્યેક જયોતિર્લિંગના નિર્ધારીત સ્થળે કર્મકાંડી-આચાર્યો, તજજ્ઞો-સંતો- મહામંડલેશ્વરોના માર્ગદર્શન હેઠળ યજ્ઞશાળા નિર્માણ કરાઈ છે. દરેક જયોતિર્લિંગમાં નવકુંડી યજ્ઞ થશે. તેથી કુલ મળી ૧૦૮ કુંડી યજ્ઞમાં પસંદગી પામેલા બ્રાહ્મણ દંપતીઓ યજમાન પદે જોડાશે. યજ્ઞમાળાના નવેય દિવસ આચાર્ય તેમજ કર્મકાંડી ભૂદેવોના રૂદ્રાષ્ટકમ્ના પાઠ સાથે સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૭ એમ દરરોજ આઠ કલાક યજ્ઞમાં આહૂતિ અર્પશે.

આ યજ્ઞમાળાનું કેન્દ્રીય સ્થાન દેવભૂમિ દ્વારકા પાસેનું નાગેશ્વર જયોતિર્લિંગ પરિસર રહેશે. યજ્ઞમાળાનો શુભારંભ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ ત્ર્યંબકેશ્વર જયોતિર્લિંગથી જયારે ગુજરાત રાજયના પૂર્વ કૃષિ કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ રામેશ્વર જયોતિર્લિંગથી દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમનું યુ-ટયુબના માધ્યમથી જીવંત પ્રસારણ શ્રી બ્રહ્મવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ- જામનગરની ચેનલ પર પ્રસારિત થશે. જેમાં સમયાંતરે બારેય જયોતિર્લિંગના પૂજન-હવનના દૃશ્યો પણ પ્રસારિત થશે.

પૂર્વ કૃષિ કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ આ નવ દિવસ દરમિયાન બારેય જયોતિર્લિંગના યજ્ઞસ્થળે જઈને આહૂતિ અર્પણ કરશે. તેમજ તા. ૨૭-૦૨-૨૦૨૬ને સાંજે ૪:૩૦ કલાકે નાગેશ્વર સ્થિત યજ્ઞમાળામાં પૂર્ણાહુતિનું બીડું હોમશે. દ્વાદશ જયોતિર્લિંગ  કોટિ રૂદ્ર યજ્ઞમાળાના પ્રધાન આચાર્ય સરસિયા-ધારીના આચાર્યશ્રી અનિરૂદ્ધભાઈ ઠાકર રહેશે. તેમજ નાગેશ્વરથી જ અન્ય તમામ જયોતિર્લિંગના સ્થાનિક આચાર્યોને જીવંત માર્ગદર્શન-અંગૂલિનિર્દેશ થકી યજ્ઞમાળા સંપન્ન કરશે.

યજ્ઞમાળાના મુખ્ય સ્થળ નાગેશ્વર જયોતિર્લિંગમાં જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, દીપપ્રાગટય થકી શુભારંભ કરાવશે. આ વેળાએ જામનગર શહેરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, રાજ્યના પૂર્વ વિકાસ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર તથા દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. જયારે અન્ય જયોતિર્લિંગની યજ્ઞમાળામાં મહામંડલેશ્વરો-સંતો- મહંતો, જે-તે જયોતિર્લિીંગના પૂજારીઓ અનુકૂળ દિવસોએ જોડાઈને યજ્ઞમાં આહૂતિ અર્પશે.

આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા યજ્ઞમાળા સમિતિના નેજા હેઠળ જામનગર બ્રહ્મસમાજના વિવિધ એકમો, હર્ષદભાઈ વ્યાસ પરિવારના જીતેન્દ્રભાઈ, પાર્થભાઈ, કિશનભાઈ સહિત અન્ય પરિવારજનો, બારેય જયોતિર્લિંગના સ્થળે નિમાયેલા વ્યવસ્થાપકો જહેમત ઉઠાવી રહ્યા છે. દરેક જયોતિર્લિંગના યજ્ઞમાળામાં જોડાનાર યજમાન દંપતીઓ તેમજ વ્યકિતગત ભાવિકો માટે યજ્ઞમાળાની સમિતિ તરફથી મુસાફરી, રોકાણ તેમજ ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh