Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત-પાકિસ્તાનની સરહદે અને કુદરતી વાતાવરણમાં પ્રચંડ ગરમી વચ્ચે હવે માવઠાની આગાહીઓ થઈ રહી છે, ત્યારે એવો સવાલ ઉઠી રહ્યો છે કે, ધગધગતી ગરમી હવે માવઠામાં પરિણમશે, તેવી જ રીતે પહલગામ પછી પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરવાની વાતો હવાઈ તો નહીં જાય ને...? મોદી સરકાર કોથળામાંથી બિલાડુ તો નહીં કાઢે ને...? તેવું થાય તો દેશવાસીઓનો વિશ્વાસ તૂટી જશે, જે બુમરેંગ પુરવાર થશે, તે તો રણનીતિકારો જાણતા હશે ને...?
સંજય રાઉત કહે છે કે, સેનાને ખૂલ્લી છૂટ આપવાની વાતો કરીને મોદી સરકાર છટકી જવા માંગે છે, કારણ કે, જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારતીય સેનાને તો પહેલેથી જ છૂટ મળી છે ને...?
કુદરતી ગરમી, વધતુ તાપમાન અને યુદ્ધના ભણકારાની ગરમી નગરથી નેશન સુધી વ્યાપેલી છે, તેવામાં જામનગરની મહાનગરપાલિકાનો માહોલ પણ ગઈકાલે ગરમાગરમ રહ્યો હતો અને ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટે ઈજારો આપવાના મુદ્દે શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે જામી પડી હતી.
સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નરે કચરા કલેકશનનો ઈજારો અઢી વર્ષના બદલે દસ વર્ષ માટે આપવાની દરખાસ્ત કરતા જ વિપક્ષના કોર્પોરેટરો અને નેતાઓએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને દેખાવો યોજી ધરણાં કર્યા હતા, તેમ મનપાનું તાપમાન પણ કુદરતી ગરમીની સાથે જાહેર હરિફાઈ કરવા લાગ્યું હતું. વિપક્ષોએ કોને કચરા શેઠનું બિરૂદ આપ્યુ અને સ્ટેન્ડીંગ કમિટીને "સેટિંગ" કંપની તરીકે વર્ણવીને વ્યંગ કર્યો, તે આપણી સામે જ છે ને...?
આ મુદ્દો જામનગરમાં ગઈકાલે "ટોક ઓફ ધ ટાઉન" તો બન્યો જ હતો, પરંતુ મનરેગા, કિસાન કાયદા અને રાષ્ટ્રીય કક્ષાએ નીતિ આધારિત વસતિ ગણત્રીની જેમ જામનગર મનપાના શાસકોએ પણ રોલબેક (પીછેહઠ) કરીને ૯૦૦ કરોડ રૂપિયામાં દસ વર્ષ માટે ઈજારો આપી દેવાની દરખાસ્ત પેન્ડીંગ રાખવી પડી હતી.
અહીં સમજવા જેવી વાત એ પણ છે કે, આ દરખાસ્ત હજુ રદ્દ નથી, પરંતુ "પેન્ડીગ" છે, તેથી તે પુનઃ પ્રસ્તૂત થાય કે વર્ષો ઘટાડવા સહિતા કેટલાક સુધારા કરીને નવેસરથી રજૂ થશે, તેવી પ્રબળ સંભાવનાઓ તો રહેવાની જ છે.
આ પ્રબળ સંભાવના એટલા માટે છે કે, સ્ટેન્ડીંગ કમિટીએ જ આ મુદ્દો સમિતિએ કાઢેલી "કવેરી" સંતોષાઈ નહીં હોવાથી પેન્ડીંગ રખાઈ હોવાનું જણાવીને વિપક્ષને તો ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાની આદત પડી ગઈ છે, તેવો પરોક્ષ પ્રતિપ્રહાર કર્યો છે.
સ્ટેન્ડીંગ કમિટીએ ગઈકાલે લગભગ સાડાચાર કરોડના ખર્ચઓને બહાલી આપી, તેમાં કેટલાક ઈન્ફ્રાસ્ટ્રકચરના જનઉપયોગી કામો થયા છે, જ્યારે ટ્રીગાર્ડની ખરીદી જેવા કેટલાક ખર્ચાઓના સંદર્ભે ચર્ચાઓ પણ થઈ રહી છે. એવું કહી શકાય કે અત્યારે ૯૦૦ કરોડની કચરા દરખાસ્ત ભલે અભેરાઈએ ચડી ગઈ હોય, પરંતુ સર્વવ્યાપી અને સર્વપક્ષિય "સેટિંગ" કરીને આ જ દરખાસ્ત (બે-ત્રણ ટૂકડામાં) ચોક્કસ ઈજારેદાર માટે મંજૂર થાય છે કે નહીં, તેના પર નગરના બિનપક્ષીય જાગૃત નાગરિકોએ નજર રાખવી પડશે, તેવો વ્યંગ થાય, તેમાં દમ છે.
રાજકોટ મનપાએ પણ ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટે ૧૧૦૦ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હોય તો એવું કહી શકાય કે આ પ્રકારની કોન્ટ્રાક્ટ પદ્ધતિ કદાચ રાજ્યકક્ષાએ જ નક્કી થઈ હોય અને જામ્યુકોના શાસકો-તંત્રોએ તો માત્ર અનુસરણ જ કરવાનું હશે... એવી અટકળો પણ થઈ રહી છે કે, જામ્યુકોના શાસકો કે તંત્રોએ જામનગર ડોર-ટુ-ડોર કચરા કલેકશનના કોન્ટ્રાક્ટ માટે કદાચ આરએમસી પાસેથી લેશન લીધું હશે...!
જો કે, રાજકોટમાં ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટેના કોન્ટ્રાક્ટમાં જે કડક નિયમો અને આકરી શરતો રાખવામાં આવી છે, તેવી જ શરતો તથા નિયમોનો સમાવેશ જામનગર મહાનરગપાલિકા તથા ઈજારેદાર વચ્ચે થતા કરારમાં સમાવેશ કરાવવો જોઈએ, અને જો સમાવેશ કરાયો જ હોય, તો તે છૂપાવવાના બદલે આરએમસીની જેમ પબ્લિક ડોમેનમાં મૂકીને તેનો હકીકતે ચૂસ્ત અમલ થાય અને કોઈની લાજ ન કાઢવી પડે, તેવી વાસ્તવિક પારદર્શકતા દાખવવી જોઈએ.
કચરો કલેકશન કરતી ગાડીઓમાંથી રોડ પર કચરો વેરાય તો પેન્ટલ્ટી, કચરા વાહનોની આજુબાજુ કોથળામાં ટિંગાળવાની મનાઈ, મનફાવે તેવી રીતે કચરાવાહનોનું સ્ટોપેજ, ગૃહિણીઓ તથા નાગરિકો પોતાનો કચરો ઠાલવી શકે, ત્યાં સુધી કચરાવાહન ફરજીયાતપણે થોભે તેવી વ્યવસ્થા પહેલેથી વિસ્તારવાર ટાઈમ-ટેબલ, કચરાવાહન દ્વારા નિયત ગીતો વગાડવાની સાથે-સાથે વ્હીસલ વગાડવાની વ્યવસ્થા અને સાંકડી ગલીઓમાંથી કચરા કલેકશન માટે વ્હીલબરો દ્વારા કચરો ગલીના નાકે ઊભતી કચરાવાહન સુધી પહોંચાડવાની વ્યવસ્થા થવી જોઈએ.
આ ઉપરાંત આરએમસીએ વહેલી સવારથી બપોર સુધી રહેણાંક વિસ્તારો, બપોરના સમયે બજારો તથા વ્યાપાર-ઉદ્યોગના વિસ્તારો અને રાત્રિના સમયે હોટલો, રેસ્ટોરન્ટોનો કચરો એકત્રિત કરવાની જે વ્યવસ્થા કરી છે, તેને જામનગરની સ્થિતિને અનુરૂપ કેટલા પ્રમાણમાં લાગુ કરી શકાય તેમ છે, તેનો અભ્યાસ કરીને અમલ કરવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial