Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજના યુગમાં એક નવી વાત વારંવાર સાંભળવા મળે છે ડેટા એ નવું તેલ છે.
પરંતુ આ માત્ર કહેવત નથી, એક કડવી હકીકત છે. આજના સમયમાં માણસ શું ખરીદે છે, શું જુએ છે, શું વિચારે છે આ બધું જ કોઈને કોઈ કંપની માટે માહિતી બની ગયું છે. અને આ માહિતી હવે માત્ર જાણકારી નથી, પરંતુ સત્તા મેળવવાનો સાધન બની ગઈ છે.
ડિજિટલ યુગે બજારનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલ્યું છે. પહેલાં વેપારનો આધાર માલ અને સેવા પર હતો, હવે માહિતી અને તેના ઉપયોગ પર છે. મોટી કંપનીઓ હવે માત્ર સેવાઓ આપતી નથી, પરંતુ લોકોના વર્તનને સમજીને તેને પોતાના ફાયદામાં વાળી લે છે. આથી એક ગંભીર પ્રશ્ન ઊભો થાય છે શું આપણી હાલની કાનૂની વ્યવસ્થા આ નવા પ્રકારના બજારને સંભાળી શકે છે?ભારતમાં સ્પર્ધા સંબંધિત કાનૂની માળખું મુખ્યત્વે કોમ્પિટીશન એકટ, ૨૦૦૨ હેઠળ રચાયેલું છે. આ કાયદાનો મુખ્ય હેતુ બજારમાં સમાન તક જળવાઈ રહે, કોઈ એક સંસ્થા પોતાની મજબૂત સ્થિતિનો દુરૂપયોગ ન કરે અને ગ્રાહકોને યોગ્ય પસંદગી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. પરંતુ આ કાયદો બનાવવામાં આવ્યો ત્યારે ડિજિટલ યુગનું આજ જેવું પ્રભુત્વ નહોતું. માહિતી, ગણતરીયુક્ત પ્રક્રિયાઓ અને ડિજિટલ માધ્યમો દ્વારા બજાર પર નિયંત્રણ મેળવવાની પરિસ્થિતિ ત્યારે વિચારવામાં આવી નહોતી. પરિણામે, આજના સમયમાં કાયદો અને બજાર વચ્ચે અંતર ઊભું થતું જોવા મળે છે.
ભારતમાં સ્પર્ધા સંબંધિત કાયદા બનાવવામાં આવ્યા ત્યારે બજાર પરંપરાગત હતું. તે સમયના કાયદા એ વિચાર સાથે રચાયા હતા કે જો કોઈ વેપારી વધુ ભાવ વસૂલે, સ્પર્ધકોને દૂર કરે અથવા ગેરવર્તન કરે તો તેની સામે કાર્યવાહી કરી શકાય. પરંતુ આજે સમસ્યા એ નથી કે કોઈ ખુલ્લેઆમ ગેરવર્તન કરે છે. આજે સમસ્યા એ છે કે કોઈ કંપની પાસે એટલી માહિતી છે કે તે પોતે જ બજાર બની જાય છે.ભારતના સ્પર્ધા આયોગે પણ કેટલીક બાબતોમાં નોંધ્યું છે કે ડિજિટલ ક્ષેત્રમાં માહિતીનો સંગ્રહ અને તેનો વ્યાપક ઉપયોગ બજારમાં પ્રવેશ માટે અદૃશ્ય અવરોધ ઊભો કરી શકે છે. પરંપરાગત રીતે બજારમાં અવરોધનો અર્થ ભૌતિક કે નાણાકીય મર્યાદાઓ હતો, પરંતુ હવે માહિતી પોતે જ સૌથી મોટો અવરોધ બની ગઈ છે. કોઈ નવી સંસ્થા પાસે તેવા પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ ન હોય, તો તે સ્પર્ધામાં ટકી શકતી નથી. આથી સ્પર્ધા દેખાવમાં ચાલુ રહે છે, પરંતુ વાસ્તવમાં તે મર્યાદિત બની જાય છે.
જ્યારે કોઈ એક સંસ્થા લાખો લોકોની માહિતી ધરાવે છે, ત્યારે તે પોતાની સેવા વધુ અસરકારક બનાવી શકે છે. બીજી તરફ, નવી કંપનીઓ માટે એ સ્તરે પહોંચવું લગભગ અશક્ય બની જાય છે. આ પરિસ્થિતિમાં સ્પર્ધા ધીમે ધીમે ઘટે છે, પણ કોઈ સ્પષ્ટ ગેરકાયદેસર કૃત્ય દેખાતું નથી. એટલે કાયદા માટે આ પરિસ્થિતિને પકડવી મુશ્કેલ બની જાય છે.
આવો જ પ્રશ્ન આપણને મનોરંજન ક્ષેત્રમાં પણ જોવા મળે છે. જ્યારે કોઈ એક જ માધ્યમ મોટા પ્રમાણમાં ગ્રાહકો અને થિયેટરોને જોડે છે, ત્યારે તેની પાસે એવી મજબૂત સ્થિતિ ઊભી થાય છે કે બીજા માટે જગ્યા જ રહેતી નથી. પરંતુ કાયદો આ સ્થિતિને દુરૂપયોગ તરીકે સાબિત કરી શકતો નથી, કારણ કે અહીં બધું દેખાવમાં નિયમસર ચાલતું હોય છે.અહીં એક વધુ મહત્વની બાબત ધ્યાનમાં લેવાની છે માહિતીનો પ્રશ્ન માત્ર સ્પર્ધા સુધી મર્યાદિત નથી, પરંતુ વ્યક્તિગત ગોપનીયતા સાથે પણ જોડાયેલો છે. જ્યારે મોટી સંસ્થાઓ લોકોની આદતો, પસંદગીઓ અને વર્તન વિશે વિશાળ પ્રમાણમાં માહિતી એકત્ર કરે છે, ત્યારે તે માત્ર બજાર પર નહીં, પરંતુ વ્યક્તિના જીવન પર પણ પ્રભાવ પાડે છે. આથી માહિતીના ઉપયોગને નિયંત્રિત કરવા માટે સ્પર્ધા કાયદા સાથે અન્ય કાનૂની વ્યવસ્થાઓ વચ્ચે સંકલન જરૂરી બની જાય છે.
આજના સમયમાં નુકસાન હંમેશા દેખાતું નથી. કોઈ એક ઘટના નહીં, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા દ્વારા બજારમાં અસમાનતા ઊભી થાય છે. માહિતીનો સંગ્રહ, તેનો ઉપયોગ અને તેના આધારે લેવાતા નિર્ણયો આ બધું મળીને એવી સ્થિતિ બનાવે છે કે જ્યાં સ્પર્ધા માત્ર નામ પૂરતી રહે છે.
વિશ્વમાં હવે એક નવી ચર્ચા શરૂ થઈ છે કે શું માહિતી પોતે જ એક આવશ્યક સાધન ગણવી જોઈએ? જેમ કોઈ રસ્તો, બંદર કે વીજળી વિના વિકાસ શક્ય નથી, તેમ આજે માહિતી વિના સ્પર્ધા શક્ય નથી. જો કોઈ એક કંપની પાસે વિશાળ પ્રમાણમાં માહિતી હોય, તો બીજી કંપનીઓ માટે સમાન સ્તરે સ્પર્ધા કરવી શક્ય રહેતી નથી.
પરંતુ અહીં એક બીજો પ્રશ્ન પણ છે જો કંપનીઓને તેમની માહિતી વહેંચવા માટે બાંધ્ય બનાવવામાં આવે, તો શું તે નવી શોધ અને વિકાસને નુકસાન પહોંચાડશે? એટલે આ મુદ્દો માત્ર કાયદાનો નથી, પરંતુ સંતુલન શોધવાનો છે.
ભારતમાં હાલની કાનૂની વ્યવસ્થા મોટાભાગે ત્યારે જ કાર્ય કરે છે જ્યારે નુકસાન થઈ ગયું હોય. પ રંતુ માહિતી આધારિત બજારમાં, જ્યારે સુધી નુકસાન સ્પષ્ટ થાય છે, ત્યારે સુધી બજાર પહેલેથી જ થોડા લોકોના કબજામાં જઈ ચૂકેલું હોય છે. એટલે કાયદો ઘણી વખત મોડો પડી જાય છે.
આ પરિસ્થિતિમાં હવે સમય આવી ગયો છે કે કાયદા અને નીતિઓને નવા યુગ અનુસાર બદલવામાં આવે. માહિતીના સંગ્રહ અને ઉપયોગ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા હોવી જોઈએ. બજારમાં સમાન તક રહે તે માટે નવા માપદંડો વિકસાવવા પડશે. વિશ્વના કેટલાક દેશોએ આ બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદામાં સુધારા કરવાની શરૂઆત કરી છે. ત્યાં ડિજિટલ બજાર માટે ખાસ નિયમો બનાવવામાં આવી રહૃાા છે, જેથી માહિતીના અતિસંગ્રહ અને તેના આધારે ઊભી થતી એકાધિકારી સ્થિતિને રોકી શકાય. ભારત માટે પણ આ એક મહત્વપૂર્ણ સંકેત છે કે જો સમયસર કાનૂની ફેરફાર ન કરવામાં આવે, તો બજારમાં સમાનતા જાળવવી મુશ્કેલ બની શકે છે.
અંતે વાત એટલી જ છે કે માહિતી હવે માત્ર માહિતી નથી રહી. તે સત્તા છે, નિયંત્રણ છે અને પ્રભાવ છે. જો કાયદો સમયસર બદલાશે નહીં, તો બજાર થોડા લોકોના હાથમાં સીમિત થઈ જશે અને સા માન્ય માણસ માટે પસંદગીનો અધિકાર માત્ર દેખાવ પૂરતો રહી જશે.
આથી હવે પ્રશ્ન માત્ર કાનૂની નથી તે આપણા ભવિષ્યનો પ્રશ્ન છે. તે માટે નવા માપદંડો વિકસાવવા પડશે. વિશ્વના કેટલાક દેશોએ આ બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદામાં સુધારા કરવાની શરૂઆત કરી છે. ત્યાં ડિજિટલ બજાર માટે ખાસ નિયમો બનાવવામાં આવી રહૃાા છે, જેથી માહિતીના અતિસંગ્રહ અને તેના આધારે ઊભી થતી એકાધિકારી
સ્થિતિને રોકી શકાય. ભારત માટે પણ આ એક મહત્વપૂર્ણ સંકેત છે કે જો સમયસર કાનૂની ફેરફાર ન કરવામાં આવે, તો બજારમાં સમાનતા જાળવવી મુશ્કેલ બની શકે છે.
અંતે વાત એટલી જ છે કે માહિતી હવે માત્ર માહિતી નથી રહી. તે સત્તા છે, નિયંત્રણ છે અને પ્રભાવ છે. જો કાયદો સમયસર બદલાશે નહીં, તો બજાર થોડા લોકોના હાથમાં સીમિત થઈ જશે અને સામાન્ય માણસ માટે પસંદગીનો અધિકાર માત્ર દેખાવ પૂરતો રહી જશે.
આથી હવે પ્રશ્ન માત્ર કાનૂની નથી તે આપણા ભવિષ્યનો પ્રશ્ન છે.
ધ્વનિ લાખાણી એડવોકેટ, ગુજ. હાઈકોર્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial