Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહલગામ હૂમલાના પખવાડિયામાં જ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પી.ઓ.કે.માં પરગેટેડ એર સ્ટ્રાઈક કરીને ડ્રોન-મિસાઈલ દ્વારા નવ આતંકી ઠેકાણા ધ્વસ્ત કરી દીધા અને સંખ્યાબંધ આતંકી અસૂરો હણાયા હોવાના અહેવાલો આજે વહેલી સવારે જ આવવા લાગ્યા હતા અને તે પછી ભારતીય સેનાએ પ્રેસ-કોન્ફરન્સ કરી, તે પછી આજે પાકિસ્તાનમાં જે ફફડાટ વ્યાપ્યો છે, તે આપણી સામે જ છે. આ એરસ્ટ્રાઈક આપણા એરસ્પેસમાંથી જ રાફેલ સહિત અત્યાધુનિક વિમાનો દ્વારા થઈ હોવાથી તેને યુદ્ધની વ્યાખ્યા આપી શકાય તેમ નહીં હોવાથી પાકિસ્તાન ગુંચવણમાં મુકાયુ હશે, બીજી તરફ રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ સહિતના વિપક્ષના નેતાઓએ પણ ભારતીય સેનાની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે. જે નોંધનીય છે. "ઓપરેશન સિંદૂર" હેઠળ પાકિસ્તાનના આતંકીઓ તો ચૂર-ચૂર થઈ જ ગયા, પરંતુ શાહબાઝ સરકાર પણ ફફડી ઉઠી હોવાના અહેવાલો આવ્યા અને ભારતીય સેનાના ભૂમિદળ અને વાયુદળના આ સંયુકત ઓપરેશન પછી મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને સાથે સાથે ઓપરેશન સિંદૂર પછી હવે શું ? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. એક તરફ આજે સાયરન વગાડીને ભારતીય નાગરિકોને યુદ્ધની સ્થિતિ માટે પ્રશિક્ષણ આપવાના આયોજનો થયા છે, તો બીજી તરફ ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સંયુક્ત રીતે આ વખતે વળતો પ્રહાર પાક સ્થિત આતંકીઓને ટારગેટ કરીને કર્યો છે, તથા પાક સેનાના કોઈ સૈન્ય ઠેકાણાઓને કોઈ નુકસાન પહોંચાડ્યુ નથી, તેવા દાવાઓ પણ થયા છે. આ વખતે પી.ઓ.કે. ઉપરાંત પાકિસ્તાનના પંજાબ સહીતના આતંકી સંગઠનોના હેડક્વાર્ટર્સ પણ તબાહ કરી દીધાં હોવાના સવારે અહેવાલો આવ્યા પછી પાકિસ્તાનના સંભવિત પ્રત્યાઘાતોની ચર્ચા પણ થવા લાગી હતી.
આ વખતે જનભાવનાઓ તો એવી હતી કે ભારતીય સેના આ વખતે એવો પ્રચંડ પ્રહાર કરશે, કે પી.ઓ.કે.માં ભારતીય સેનાનો પરચમ લહેરાશે અને પાકિસ્તાનના ત્રણ-ચાર ટુકડા થશે, ભારતીય સેનાએ પી.ઓ.કે. અને પાકિસ્તાનમાં વધુ વ્યાપક અને આક્રમક પ્રહારો કરીને ભલે આતંકીઓના ઠેકાણા પર હૂમલો કરીને બદલો લીધો, તેનાથી જનભાવનાઓ સંતોષાઈ નથી, તેવી ચર્ચા વચ્ચે ભારતીય સૈન્ય કાર્યવાહીને એક સ્ટ્રેટેજિક અને વૈશ્વિક કાયદા-કાનૂનો-નિયમોને અનુસરીને થયેલો આ હૂમલો તો માત્ર ટ્રેલર જ છે, પિકચર હજી બાકી છે, તેવો દાવો પણ કેટલાંક વિશ્લેષકો કરી રહ્યા છે.
પાક. તરફથી જે પ્રતિભાવો મળી રહ્યા છે અને એલ.ઓ.સી. પર આજે સવારથી જ ફરીથી થઈ રહેલો યુદ્ધ વિરામ ભંગ અને ભારતીય સેના દ્વારા તેના જડબાતોડ જવાબના અહેવાલો જોતાં એવું પણ જણાય છે કે પાકિસ્તાન પણ પ્રતિપ્રહાર કરશે, અને તે પછી ભારત તેનો જે જવાબ આપશે, તે કદાચ જનભાવનાઓને અનુરૂપ અને મૂળ પાકિસ્તાનને સબક મળે તેવો હશે, અને તે સમયે પી.ઓ.કે. વાળી કાર્યવાહી થઈ શકે છે, તેવા વિશ્લેષણો પણ થઈ રહ્યા છે.
ઈન્ટરનેશનલ મીડિયામાં આ અંગે મિશ્ર પ્રતિભાવો પડી રહ્યા છે, અને ભારતે કરેલી કાર્યવાહીને એક જવાબદાર દેશ તરીકે કરેલી કાર્યવાહી ગણાવાઈ રહી છે, તો બીજી તરફ પાકિસ્તાનમાંથી "ભારતે યુદ્ધ થોપ્યું છે" તેવું રોદણું રોવાનું શરૂ કર્યુ છે તે જોતા પણ ઓપરેશન સિંદૂર અંતિમ નથી, અને હવે પાકિસ્તાનના વળતા કદમ પર આવવાની સ્થિતિનો આધાર રહેવાનો છે એવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે. એવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે કે પાકિસ્તાનમાં "માર્શલ લો" લાગુ કરીને ત્યાંની સેના શાહબાઝ સરકારનો તખ્તાપલટ કરી નાંખે, અથવા પછી સરકારના નિયંત્રણમાં રહીને જ (શાહબાઝના ખભે બંદુક રાખીને) પાક. સેનાના વડા મુનિર ભારત પર વળતા પ્રહારનો પ્રયાસ પણ કરી શકે છે.
આ ઓપરેશન ખત્મ થઈ ગયું છે કે ભારતની કાર્યવાહી સમાપ્ત થઈ ગઈ છે, તેવું એટલા માટે લાગતું નથી કે એક તરફ તો પાકિસ્તાન હવે વળતો કોઈ ને કોઈ જવાબ તો આપશે જ, તે ઉપરાંત જામનગર, ભૂજ, અમૃતસર, શ્રીનગર સહિતની નાગરિક હવાઈ સેવાઓ (ફલાઈટો) રદ થઈ અને કેટલીક ફલાઈટોને અન્યત્ર વાળવામાં આવી, અને પૂર્વઘોષિત ડિફેન્સ ડ્રીલ વગેરેની તૈયારીઓ જોતાં હજુ પણ આ સંધર્ષ ચાલુ રહેશે તેમ જણાય છે. ભારતે ડિફેન્સ ડ્રીલની દેશવ્યાપી તૈયારીઓ કરીને પાક.ને ભ્રમમાં રાખીને હૂમલો કર્યો છે, અને પાકિસ્તાનને અણુબોમ્બની ધમકીઓ આપી હતી અને જે ડંફાઓ હાંકી હતી, તે જોતા પાકિસ્તાન હજુ પણ ભારતની વિરૂદ્ધમાં કોઈ ને કોઈ હરકત કરશે, અને તે પછી ભારતીય સેના તેને ભરી પીશે, તેવો આશાવાદ પણ વ્યકત થઈ રહ્યો છે. ભારતે માત્ર પાક.ના આતંકીઓ ઠેકાણાઓ પર પ્રથમ હૂમલો કર્યો હોવાથી અત્યારે તો ચીન પણ તેની તરફેણમાં કોઈ સૈન્ય મદદ કરી શકે તેમ નથી, તેથી આ એક સૈન્ય સ્ટ્રેટેજી પણ હોઈ શકે છે. ભારતે તો આતંકી ઠેકાણાઓ પર હૂમલા કર્યા, પરંતુ પાકિસ્તાન વળતો કોઈ પણ હૂમલો કરે તો તે યુદ્ધનો પ્રયાસ ગણાશે. જોઈએ હવે શું થાય છે? તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial